કામના સમાચાર:ઈ-સ્કૂટરમાં આગ ના લાગે તે માટેની શ્યોર શોટ ટિપ્સ, ચેક કરો, તમારા સ્કૂટરમાં ચાઇનીઝ બેટરી તો નથી ને?

20 દિવસ પહેલાલેખક: અલિશા સિન્હા

છેલ્લા થોડા સમયથી ઇલેક્ટ્રિક સ્કૂટરમાં આગ લાગવાની ઘટના સામાન્ય થઇ છે. જેમાં ઘણા લોકોએ જીવ પણ ગુમાવ્યા છે. હાલમાં જ ભોપાલમાં નિશાતપુરા વિસ્તારમાં ઈ-સ્કૂટરમાં ચાર્જિંગ દરમિયાન બેટરીમાં બ્લાસ્ટ થતા આગ ભભૂકી ઊઠી હતી. જેના કારણે સ્કૂટર આગમાં ખાક થઇ ગયું હતું. તે જ દિવસે તમિલનાડુનાં કૃષ્ણાગિરી જિલ્લામાં ઔદ્યોગિક કેન્દ્ર હોસુરમાં એક ઈ-સ્કૂટર બળીને ખાક થઇ ગયું હતું. આ પહેલાં પુના, નાસિક, તેલંગાણા, ચેન્નાઇમાં પણ ઈ-સ્કૂટરમાં આગની ઘટનાઓ ઘટી છે.

આજે કામના સમાચારમાં ઓટો એક્સપર્ટ ટૂટૂ ધવન અને કાર એક્સપર્ટ મનીષ હરોદિયા જણાવે છે કે, ઈ-સ્કૂટર ખરીદ્યા પહેલાં અને ખરીદ્યા બાદ આપણે કઈ-કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.

સવાલ : ઈ-સ્કૂટર ખરીદ્યા પહેલાં કઈ વાતોનું રાખવું જોઈએ ધ્યાન?
જવાબ :

  • દુકાનદારને પૂછો કે ઈ-સ્કૂટરમાં કઇ બેટરી લગાડવામાં આવી છે.
  • નિકલ-કેડમિયમ બેટરીવાળા જ સ્કૂટર ખરીદો
  • સ્કૂટરની વોરંટી અને ફ્રી રિપ્લેસમેન્ટ જેવી માહિતી પેપરમાં ચેક કરો
  • ઈ-સ્કૂટરના સોકેટ આઉટલેટને જરૂર ચેક કરો
  • સોકેટ જમીનથી ઓછામાં ઓછું 800 મિલીમીટર ઉપર રાખો, ત્યારે જ ઈ-સ્કૂટર સુરક્ષિત રહેશે.

સવાલ : લોકો ઈ-સ્કૂટરમાં શું ભૂલ કરે છે?

ટૂટૂ ધવન : લોકો ઈ-સ્કૂટરમાં જરૂરિયાત કરતા વધારે લોડ આપે છે. આ સ્કૂટરમાં લોડ ઓછો આપવો જોઈએ. જેમકે, સ્કૂટર ચાલુ કરતાં જ સ્પીડમાં ચલાવીએ છીએ. જેનાથી સ્કૂટરમાં લોડ વધી જાય છે. સ્કૂટર ચાલુ કરીએ છીએ ત્યારે આરામથી ચલાવો.

ઈ-સ્કૂટર સામાન્ય રીતે ચલાવવા માટે છે રેસ લગાવવા માટે નહીં. રેસિંગવાળા ઈ-સ્કૂટર અલગ હોય છે તેની બેટરી અલગ હોય છે. રેસિંગ સ્કૂટરમાં કુલિંગ સિસ્ટમ લગાવવામાં આવેલી હોય છે જે સ્કૂટરને ઠંડું રાખે છે.

ટૂટૂ ધવન વધુમાં કહે છે કે, ઘણીવાર ઈ-સ્કૂટર બનાવતી કંપનીઓ ડુપ્લિકેટ વસ્તુઓનો ઉપયોગ કરે છે. જેના કારણે આગ લાગવાની ઘટનાંઓ બને છે. ઈ-સ્કૂટર બનાવતી કંપનીઓએ ઈ-સ્કૂટરમાં કુલિંગ સિસ્ટમ આપવી જોઈએ જેથી સ્કૂટર ગરમી ના પકડે અને ઠંડું જ રહે. ઈ-સ્કૂટરમાં વેન્ટિલેશનની સિસ્ટમ પણ હોવી જોઈએ જેથી ગરમ હવા બહાર જઈ શકે. કેન્દ્ર સરકાર દ્વારા ઈ-સ્કૂટર માટે ગાઇડલાઇન પણ તૈયાર કરવામાં આવી રહી છે. ઈ-સ્કૂટરમાં ઘણીવાર ચાઈનાની બેટરીનો ઉપયોગ કરવામાં આવ્યો હોય છે જેના કારણે સ્કૂટરની કિંમત ઓછી હોય છે. આપણે ભારતમાં બનાવવામાં આવેલી બેટરીવાળા ઈ-સ્કૂટર જ ખરીદવા જોઈએ.

ઈ-સ્કૂટરથી મોતની ઘટનાઓ

  • તમિલનાડુના વેલ્લોર જિલ્લામાં 25 માર્ચે રાત્રે એક ઈ-સ્કૂટરમાં અચાનક આગ ફાટી નીકળી હતી. જેના કારણે 45 વર્ષીય વ્યક્તિ અને તેમની 13 વર્ષની દીકરી સહુિત 2 લોકોનાં મોત થયાં હતાં.
  • 20 એપ્રિલે તેલંગાણાના નિઝામાબાદ જિલ્લામાં ઇલેક્ટ્રિક સ્કૂટરમાં આગ લાગતાં એક 80 વર્ષીય વ્યક્તિનું મૃત્યુ થયું હતું અને પરિવારના અન્ય ચાર સભ્યો ગંભીર રીતે દાઝી ગયાં હતાં.
  • 23 એપ્રિલના રોજ 40 વર્ષીય કોટાકોંડા શિવ કુમારે આંધ્રપ્રદેશના વિજયવાડામાં પોતાના રૂમમાં ઇલેક્ટ્રિક સ્કૂટર ચાર્જિંગ માટે લગાવ્યું હતું. ચાર્જિંગ દરમિયાન બેટરી વિસ્ફોટ થતાં તેમનું મોત નીપજ્યું હતું.

મનીષ હરોડિયાના જણાવ્યા અનુસાર, આ બધી ટિપ્સ ફોલો કરીને તમે તમારા ઈ-સ્કૂટરને સુરક્ષિત રાખી શકો છો. જો તેમ છતાં પણ ઈ-સ્કૂટરમાં આગ લાગે, સમજી લો કે તે તમારી ભૂલ નથી. કેટલીક કંપનીઓ બેદરકારીપૂર્વક ઈ-સ્કૂટર બનાવે છે, જેના કારણે પણ આ પ્રકારની ઘટનાઓ બનતી હોય છે.

નીતિન ગડકરીએ આગની ઘટનાનો પણ ઉલ્લેખ કર્યો હતો
કેન્દ્રિય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મિનિસ્ટર નીતિન ગડકરીએ 31 માર્ચના રોજ લોકસભામાં ઇલેક્ટ્રિક વ્હીકલમાં આગ લાગવાના મુદ્દે બોલતાં કહ્યું હતું કે આ ઘટનાઓ વધારે તાપમાનને કારણે થઈ શકે છે. તેમણે એમ પણ કહ્યું કે અમે આગ પાછળનું કારણ શોધી રહ્યા છીએ. આ માટે તેમણે ફોરેન્સિક તપાસનો આદેશ આપ્યો છે. તેમણે કહ્યું કે આગ લાગવા પાછળનું કારણ જાણવા સરકાર કાર્યવાહી કરશે.