ટીઝર:MG Hector Plusનું ફર્સ્ટ ટીઝર રિલીઝ થયું, કાર કેપ્ટની સીટ્સ અને ત્રણ એન્જિન ઓપ્શનથી સજ્જ હશે

દિલ્હી2 વર્ષ પહેલા

MG Motor India એમજી હેક્ટર પ્લસ કારને ટૂંક સમયમાં જ ઇન્ડિયન માર્કેટમાં લોન્ચ કરવાની છે. આ કાર કંપનીની વેબસાઇટ પર પણ લિસ્ટ કરી દેવામાં આવી છે. કારનું પ્રોડક્શન પણ ગુજરાતના હાલોલ પ્લાન્ટમાં શરૂ થઈ ગયું છે. આ કાર છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે. લોકોમાં આ કારની આતુરતાને જોઇને કંપનીએ આ કારનો ફર્સ્ટ ટીઝર વીડિયો લોન્ચ કરી દીધો છે. MG Hector Plus ભારતમાં કંપનીની ત્રીજી પ્રોડક્ટ છે. વીડિયો ટીઝરમાં કારનું ઇન્ટિરિયર પણ જોવા મળ્યું છે.

બીજી રોમાં બે કેપ્ટન સીટ
વીડિયો ટીઝરથી સ્પષ્ટ થઈ ગયું છે કે, કારમાં મિડલ રોમાં કેપ્ટન સીટ્સ આપવામાં આવશે. સીટ્સમાં બ્રાઉન કલરની અપહોલ્સ્ટ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. કારમાં 10.4 ઇંચનું ટચસ્ક્રીન યૂનિટ આપવામાં આવ્યું છે. હેક્ટર પ્લસની વધેલી લંબાઇના કારણે કારમાં ત્રીજી રોની સીટ આપવામાં આવી છે. તેના 6 સીટર વર્ઝનમાં બીજી લાઇનમાં બે કેપ્ટન સીટ મળશે. ત્રીજી લાઇનની સીટ પર બેસવા માટે આ બંને સીટ્સ ફોલ્ડ કરી શકાશે. તેમજ, 7 સીટર વર્ઝનમાં બીજી લાઇનમાં 60:40 સ્પ્લિટ બેંચ સીટ હશે. તેનો અર્થ એ કે તેમાં બેસનારા લોકોને વધારે સ્પેસ મળશે.

હેક્ટર 7 સીટરમાં પણ આવશે
6 સીટરની રાહ તો પૂરી થઈ જશે. પરંતુ જો ગ્રાહક આ કારનું 7 સીટર વર્ઝન લેવા ઇચ્છતો હોય તો તેણે હજી થોડી વધારે રાહ જોવી પડશે. 7 સીટર હેક્ટર આ વર્ષના અંત સુધીમાં લોન્ચ થઈ શકે છે.

એન્જિન ડિટેલ્સ
હેક્ટર પ્લસ બે વેરિઅન્ટ (6-7 સીટર)માં 5 સીટર હેક્ટરવાળું જ એન્જિન મળશે. એટલે કે આ કારમાં પણ એન્જિનના ત્રણ ઓપ્શન હશે. તેમાં 1.5 લિટરનું ટર્બો પેટ્રોલ, 48V માઇલ્ડ હાઇબ્રિડ સાથે 1.5 લિટરનું પેટ્રોલ અને 2.0 લિટરનું ડીઝલ એન્જિન સામેલ છે.