સેલ્સ એનાલિસિસ:નવું ટૂ-વ્હીલર ખરીદતાં પહેલાં ગયા મહિને વેચાણમાં ટોપ-10 રહેલાં બાઇક્સ અને સ્કૂટર્સનું લિસ્ટ જાણો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પોસ્ટ લોકડાઉન પિરિઅડમાં ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રી ઝડપથી રિકવરી કરી રહી છે. તેમજ, રોગચાળાથી બચવા માટે ગ્રાહકો હવે પબ્લિક ટ્રાન્સપોર્ટને બદલે પોતાના વાહનોને પસંદ કરવા લાગ્યાં છે. આ વાતનો અંદાજ એટલે લગાવી શકાય કારણ કે ગયા મહિને હોન્ડા અને હીરો મોટોકોર્પ સહિતની અનેક ટૂ-વ્હીલર કંપનીઓના વેચાણમાં મોટો વધારો જોવા મળ્યો છે. જો તમે પણ આ ફેસ્ટિવ સિઝનમાં ટૂ-વ્હીલર ખરીદવાનું વિચારી રહ્યા હો તો ખરીદતાં પહેલાં કયા મહિનામાં કયું ટૂ-વ્હીલર લોકોને સૌથી વધુ ગમ્યું એ જાણો.

1. હીરો સ્પ્લેન્ડર

ગયા મહિને હીરો મોટોકોર્પના સેલ્સ ચાર્ટમાં હીરો સ્પ્લેન્ડર બાઇક સૌથી વધુ વેચાનારું ટૂ-વ્હીલર હતું, જેનું વેચાણ ગયા મહિને 2 લાખ 32 હજાર 801 યૂનિટનું હતું. ગયા વર્ષના સમાન સમયગાળાની તુલનાએ વેચાણમાં વાર્ષિક ધોરણે 9.4% વૃદ્ધિ નોંધાઈ છે. ઓગસ્ટ 2019માં સ્પ્લેન્ડરના માત્ર 2 લાખ 12 હજાર 839 યૂનિટ વેચાયાં હતાં.

2. હોન્ડા એક્ટિવા

હોન્ડા એક્ટિવા સૌથી વધુ વેચનારાં ટૂ-વ્હીલર્સની યાદીમાં બીજા સ્થાને છે. ગયા મહિને ઓગસ્ટમાં એક્ટિવાના 1 લાખ 93 હજાર 607 યૂનિટ વેચ્યાં હતાં. પરંતુ નોંધનીય છે કે ગયા વર્ષના સમાન સમયગાળાની તુલનામાં તેના વેચાણમાં વાર્ષિક ધોરણે 17.36%નો ઘટાડો નોંધવામાં આવ્યો છે. ઓગસ્ટ 2019માં 40 હજાર 672 યૂનિટ વેચાયાં હતાં.

3. હીરો HF ડીલક્સ

HF ડીલક્સે પણ સારું પ્રદર્શન કરવાનું ચાલુ રાખ્યું અને ટોપ-10નાં લિસ્ટમાં ત્રીજા નંબરે રહેવા સફળ સાબિત થઈ. ઇન્ડિયન માર્કેટમાં તે એક લોકપ્રિય અને સસ્તી બાઇક છે. ગયા મહિને તેણે 1 લાખ 77 હજાર 168 યૂનિટ્સ વેચ્યાં હતાં, જે વર્ષ-દર-વર્ષના 10.26% વધારે છે. જ્યારે ઓગસ્ટ 2019માં 1 લાખ 60 હજાર 684 યૂનિટ વેચાયાં છે.

4. હોન્ડા CB શાઇન

ટોપ-10નાં લિસ્ટમાં હોન્ડાની લોકપ્રિય બાઇક CB શાઇન ચોથા ક્રમે છે. આ સાથે, તે ગયા મહિને સૌથી વધુ વેચાયેલી હોન્ડા બાઇક પણ હતી. CB શાઇને ઓગસ્ટ 2020માં વાર્ષિક ધોરણે 21.39%ના વધારા સાથે 1 લાખ 6 હજાર 133 યૂનિટ્સનું વેચાણ કર્યું હતું, જે ગયા વર્ષના સમાન ગાળામાં 87 હજાર 434 યૂનિટ હતું.

5. બજાજ પલ્સર

પલ્સર સિરીઝના કારણે બજાજે ટોપ-10 લિસ્ટમાં પાંચમા ક્રમે પ્રવેશ મેળવ્યો છે. વર્ષે-દર-વર્ષે વધારા બાદ 23.58% વધારા સાથે ગયા મહિને તેનાં 87 હજાર 202 યૂનિટ વેચાયાં, જ્યારે પાછલા વર્ષના સમાન ગાળામાં આ આંકડો 70 હજાર 562 યૂનિટ હતો.

6. TVS XL 100

TVS XL 100 એ 70 હજાર 126 યૂનિટ સાથે ગ્રામીણ માર્કેટમાં પોતાનું પાવરફુલ પર્ફોર્મન્સ ચાલુ રાખ્યું છે. ગયા મહિને, તેના વેચાણમાં વાર્ષિક ધોરણે 25.65%નો વધારો નોંધાયો છે. જ્યારે ગયા વર્ષના ગાળામાં XL100એ કુલ 55 હજાર 812 યૂનિટ વેચ્યાં હતાં. પેશન પછીનું આ બીજું વાહન છે જે વર્ષ પછીના વર્ષમાં સૌથી વધુ વૃદ્ધિ નોંધાવે છે.

7. હીરો ગ્લેમર

ગયા મહિને હીરો ગ્લેમર દેશની સાતમી સૌથી વધુ વેચાનારી બાઇક હતી. તેણે ગયા મહિને 54 હજાર 315 યૂનિટ્સનું વેચાણ કર્યું હતું. જો કે, ગ્લેમરમાં વર્ષ-દર-વર્ષે 10.53%નો ઘટાડો નોંધાવ્યો હતો કારણ કે, ગ્લેમરે વર્ષ 2019માં સમાન સમયગાળા દરમિયાન 60 હજાર 706 યૂનિટ વેચ્યાં હતાં.

8. હીરો પેશન

ગયા મહિને હીરો પેશને 52 હજાર 471 યૂનિટનું વેચાણ કર્યું હતું. ગયા મહિનામાં 27.49%ની વૃદ્ધિ સાથે સૌથી વધુ વાર્ષિક વૃદ્ધિ નોંધાવવાનું તે વાહન હતું. ગયા વર્ષે સમાન સમયગાળા દરમિયાન પેશનના 41 હજાર 157 યૂનિટનું વેચાણ થયું હતું.

9. TVS જ્યુપિટર

ગયા મહિને જ્યુપિટર સૌથી વધુ વેચનારા ટૂ-વ્હીલર્સનાં લિસ્ટમાં 9મા ક્રમે છે. ગયા મહિને જ્યુપિટરનાં કુલ 52 હજાર 378 યૂનિટ વેચાયાં હતાં. જો કે, ગયા વર્ષે સમાન ગાળામાં જ્યુપિટરે 57 હજાર 849 યૂનિટ વેચ્યાં હોવાથી વાર્ષિક ધોરણે તેમાં 4.46%નો ઘટાડો નોંધાયો છે

10. હોન્ડા ડિયો

સ્પોર્ટી લુક ધરાવતાં હોન્ડા ડિયોએ પણ વેચાણની દ્રષ્ટિએ સારું પ્રદર્શન કર્યું છે અને ટોપ-10 લિસ્ટમાં દસમો નંબર મેળવ્યો છે. ઓગસ્ટ 2020માં હોન્ડા ડિયોના કુલ 42 હજાર 957 યૂનિટ વેચાયાં હતાં. તેમાં વાર્ષિક ધોરણે 13.87%ની વૃદ્ધિ નોંધાઈ છે. ગયા વર્ષે આ સમયગાળા દરમિયાન આ આંકડો 37 હજાર 726 યૂનિટ સુધી જ મર્યાદિત હતો.