સરકારની સલાહ:ચીનમાં બનેલી ટેસ્લાની ગાડીઓ ભારતમાં ન વેચો, અહીં જ પ્રોડક્શન કરો અને વિદેશ પણ મોકલો, સરકાર દરેક મદદ કરશે

7 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભારતના માર્કેટમાં ટેસ્લાની ગાડીઓની લોકો કાગડોળે રાહ જોઈ રહ્યા છે. ઇલેક્ટ્રિક સેગમેન્ટમાં ટેસ્લા નંબર-1 પર છે ત્યારે ભારતની સરકારે પણ ટેસ્લાને ભારતમાં ઇલેક્ટ્રિક કાર બનાવવા માટે ઘણી વખત કહ્યું છે. આ માટે કંપનીને તમામ શક્ય સરકારી મદદ પૂરી પાડવાની ખાતરી પણ આપવામાં આવી છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ શુક્રવારે 'ઇન્ડિયા ટુડે કોન્ક્લેવ 2021'માં આ વાત કરી હતી. આ પ્રસંગે ગડકરીએ એમ પણ કહ્યું હતું કે ટાટાની ઇલેક્ટ્રિક ગાડીઓ પણ ટેસ્લાની ગાડીઓથી કંઈ ઓછી નથી.

ચીનમાં બનેલી ઇલેક્ટ્રિક ગાડીઓ ભારતમાં ન વેચો
ગડકરીએ કહ્યું હતું કે 'મેં ટેસ્લાને ભારતમાં ચીનમાં બનેલી ઇલેક્ટ્રિક ગાડીઓ ન વેચવા કહ્યું છે. તેણે પોતાની ગાડીઓ ભારતમાં બનાવવી જોઈએ અને તેની અહીંથી જ નિકાસ કરવી જોઈએ. તમને (ટેસ્લા) જે પણ મદદની જરૂર હશે એ અમારી સરકાર આપશે. ટેસ્લાએ ભારતમાં ઇલેક્ટ્રિક વાહનો પર ઇમ્પોર્ટ ટેક્સના દરમાં ઘટાડો કરવાની માગ કરી છે.

ઇમ્પોર્ટેડ ગાડીઓ પર 60%થી 100% સુધીનો ટેક્સ લાગશે
કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રીએ કહ્યું હતું કે તેઓ ટેક્સ પર છૂટની માગને લઈને ટેસ્લાના અધિકારીઓ સાથે વાતચીત કરી રહ્યા છે. ગયા મહિને હેવી ઇન્ડસ્ટ્રી મિનિસ્ટ્રીએ પણ ટેસ્લાને ભારતમાં તેની ઇલેક્ટ્રિક ગાડીઓનું પ્રોડક્શન શરૂ કરવાનું કહ્યું હતું. તેને ટેક્સમાં છૂટ આપવી કે નહીં એના પર વિચાર પછી જ કરવામાં આવશે. હાલ ઇમ્પોર્ટેડ ગાડીઓ પર 60%થી 100% સુધીનો ટેક્સ લાગે છે.

110% ટેક્સ ઇલેક્ટ્રિક ગાડીઓ માટે નુકસાનકારક
માર્ગ મંત્રાલયને લખેલા પત્રમાં ટેસ્લાએ કહ્યું હતું કે 40,000 ડોલરથી વધુ કિંમતની ગાડીઓ પર 110% (100% ઇમ્પોર્ટ ડ્યૂટી અને 10% સોશિયલ વેલ્ફેર સરચાર્જ) 'ઝીરો એમિશન' ગાડીઓ માટે હાનિકારક છે. તેણે સરકારને વિનંતી કરી કે ઇલેક્ટ્રિક ગાડીઓના ઇમ્પોર્ટ પર 10%ના સોશિયલ વેલ્ફેર સરચાર્જ વગર મહત્તમ 40% ટેક્સ લાદવામાં આવે છે.

સેલ્સ, સર્વિસ અને ચાર્જિંગ ઇન્ફ્રા પર રોકાણ
ટેસ્લાનું કહેવું છે કે આ પ્રકારના ફેરફાર કરવાથી દેશમાં ઇલેક્ટ્રિક ગાડીઓની ઇકોસિસ્ટમના ડેવલપમેન્ટને પ્રોત્સાહન મળશે. કંપનીએ કહ્યું હતું કે તે ભારતમાં સેલ્સ, સર્વિસ અને ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર મોટું રોકાણ કરશે. ટેસ્લાએ એમ પણ કહ્યું હતું કે તે તેના ગ્લોબલ બિઝનેસ માટે ભારત પાસેથી સામાન ખરીદવામાં મોટો વધારો કરશે.

અન્ય સમાચારો પણ છે...