ઓટોમોબાઈલ ડીલર્સના સંગઠન ફાડા (ફેડરેશન ઑફ ઓટોમોબાઇલ ડીલર્સ એસોશિએશન્સ-FADA)એ કહ્યું છે કે, ગાડીઓના ડેપ્રિશિએશનની રકમ જેટલી જ લોકોને ઈન્કમ ટેક્સમાં છૂટની સુવિધા આપવી જોઈએ. દર વર્ષે ગાડીની કિંમતમાં જે ઘટાડો આવે છે તેને ડેપ્રિશિએશન કહેવામાં આવે છે.
ગાડીઓનું વેચાણ વધશે તો સરકારનું GST કલેક્શન પણ વધશે
ફાડાના અધ્યક્ષ વિંકેશ ગુલાટીએ નાણામંત્રીને બજેટમાં આ જોગવાઈ કરવાની માગ કરી છે. ‘ફાડા’નું કહેવું છે કે ગાડીઓના ડેપ્રિશિએશન પર ઈન્કમ ટેક્સમાં છૂટ મળવાથી માગ વધારવામાં મદદ મળશે. તેનાથી સરકારનું GST કલેક્શન પણ વધશે.
ઓટો ડીલર્સ પર 0.1% TCS લગાવવામાં આવે છે તેને દૂર કરવાની માગ
બજેટ માટે પોતાની ભલામણોમાં ફાડાએ ઓટો ડીલર્સને ટેક્સ કલેક્શન એટ સોર્સ (TCS) અંતર્ગતથી બહાર કરવાની પણ માગ કરી છે. TCSનો દર 0.1 ટકા હોય છે. ઓટો ડીલર્સ માટે TCS ગત વર્ષના બજેટમાં શરૂ કરવામાં આવ્યો હતો. તે 1 ઓક્ટોબર 2020થી લાગુ થયો છે.
ફાડાનું કહેવું છે કે, TCS, ઓટોમોબાઈલ રિટેલ ઈન્ડસ્ટ્રી પર મોટો બોજ છે. ગુલાટીના જણાવ્યા પ્રમાણે, ઓટોમોબાઈલ ઈન્ડસ્ટ્રી ભારતની ઈકોનોમીનું બેરોમીટર છે. તેમાં 45 લાખ લોકો કામ કરે છે. તેમાં સુધારો આવવા પર ઈકોનોમીમાં પણ તેજી આવશે.
પ્રોપરાઈટરી અથવા પાર્ટનરશિપ ફર્મમાં ટેક્સ ઘટાડવાની માગ
ફાડાએ પ્રોપરાઈટરી અને પાર્ટનરશિપ ફર્મ માટે કોર્પોરેટર ટેક્સના દરમાં ઘટાડો કરવાની માગ કરી છે. સરકારે ગત વર્ષે 400 કરોડ રૂપિયા સુધીના ટર્નઓવરવાળી કંપનીઓ માટે કોર્પોરેટ ટેક્સનો દર ઘટાડીને 25 ટકા કર્યો હતો. આ દર પ્રોપરાઈટરી અને પાર્ટનરશિપ ફર્મ પર પણ લાગુ થાય, કેમ કે મોટાભાગના ઓટો ડીલર આ શ્રેણીમાં આવે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.