વેચાણનો નવો માઇલસ્ટોન:ક્રેટાનું વેચાણ 6 લાખ યૂનિટને પાર, નેક્સનના 2 લાખ યૂનિટનું પ્રોડક્શન થયું, આ બંને ગાડીઓ શા માટે ખાસ છે જાણો

4 મહિનો પહેલા
  • કૉપી લિંક

ઇન્ડિયન માર્કેટમાં સબ-કોમ્પેક્ટ SUVની માગ ઝડપથી વધી રહી છે. દર વર્ષે ભારતમાં આ સેગમેન્ટમાં ઘણા નવા મોડેલ આવી રહ્યાં છે. આટલું જ નહીં, નવી કંપનીઓ પણ હવે SUV મોડેલ સાથે પ્રવેશ કરી રહી છે. ટાટા નેક્સન અને હ્યુન્ડાઇ ક્રેટા આ સેગમેન્ટમાં એવી કાર છે જેમની માગ સતત રહી છે. આ જ કારણ છે કે નેક્સનનું પ્રોડક્શન 2 લાખ યૂનિટને વટાવી ગયું છે. તેમજ, ક્રેટાએ 6 લાખ યૂનિટના વેચાણનું લક્ષ્ય બનાવ્યું છે.

પહેલા વાત કરીએ સબ-કોમ્પેક્ટ SUV ટાટા નેક્સનની...

  • ટાટાએ પૂણેના રંજનગાંવ પ્લાન્ટમાંથી નેક્સનના 2,00,000મું યૂનિટ રોલઆઉટ કર્યું છે. દેશમાં COVID-19 રોગચાળાના સંકટને પગલે ટાટા મોટર્સે નેક્સનના 50,000 યૂનિટના પ્રોડક્શનમાં લગભગ છ મહિનાનો સમય લીધો હતો. કંપનીએ તેને 21 સપ્ટેમ્બર, 2017ના રોજ લોન્ચ કરી હતી. ત્યારબાદ તેની એક્સ શો રૂમ કિંમત 5.85 લાખ રૂપિયા હતી.
  • ગયા મહિને નેક્સન ભારતમાં ટોપ-10 સૌથી વધુ વેચાતી કારમાં સામેલ થઈ ગઈ હતી. આ સબ-કોમ્પેક્ટ SUVના 6,439 યૂનિટ વેચાયાં. આ લિસ્ટમાં ચોથા નંબરે રહી. માર્ચની શરૂઆતમાં નેક્સનના વેચાણે એક મહિનામાં 8,683 યૂનિટ વેચવાનો નવો રેકોર્ડ બનાવ્યો હતો.
  • ગ્લોબલ NCAPના સેફ્ટી ક્રેશ ટેસ્ટમાં તેને 5 સ્ટાર રેટિંગ મળ્યાં છે. આ પહેલી એવી મેડ ઇન ઇન્ડિયા કોમ્પેક્ટ SUV છે જેને GNCAPએ 5 સ્ટાર રેટિંગ મળ્યાં હતાં. અડલ્ટ સેફ્ટી માટે ટાટા નેક્સનને 17માંથી 16.06 પોઇન્ટ મળ્યા હતા. ગ્લોબલ એજન્સીએ રેટિંગ આપ્યા હતા કે કારની બોડી સ્થિર છે. કારમાં ડ્યુઅલ ફ્રંટ એરબેગ આપવામાં આવી છે.
  • નેક્સનમાં 110hp પાવરવાળું 1.5 લિટરનું ટર્બો ડીઝલ એન્જિન આપવામાં આવ્યું છે. તેમજ, 120hp પાવર સાથેનું ટર્બો પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે. બંને એન્જિનને 6 સ્પીડ મેન્યુઅલ અને 6 સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશન સાથે કનેક્ટ કરવામાં આવ્યા છે. કિંમતમાં વધારા પછી હવે તેની એક્સ-શોરૂમ કિંમત 7.19 લાખ રૂપિયા થઈ ગઈ છે.
  • તેણે ભારતના સબ-કોમ્પેક્ટ SUV સેગમેન્ટમાં તેની પકડ મજબૂત કરી લીધી છે. જો કે, ભારતમાં તે હ્યુન્ડાઇ વેન્યુ, કિયા સોનેટ, મહિન્દ્રા XUV300, ફોર્ડ ઇકોસ્પોર્ટ, મારુતિ સુઝુકી વિટારા બ્રેઝા, ટોયોટા અર્બન ક્રુઝર, નિસાન મેગ્નાઇટ અને રેનો કાઇગરને ટક્કર આપે છે.

હવે વાત કરીએ હ્યુન્ડાઈ ક્રેટાની...

  • આ હ્યુન્ડાઇની સૌથી લોકપ્રિય SUV બની ચૂકી છે. કંપનીએ તેને જુલાઈ 2015માં લોન્ચ કરી હતી, ત્યારબાદ તેના વેચાણના આંકડા સારા થઈ રહ્યા છે. આ જ કારણ છે કે હવે આ કારના 6 લાખ યૂનિટ વેચાઈ ગયા છે. અગાઉ ઓગસ્ટ 2020માં તેણે 5 લાખ યૂનિટના વેચાણના આંકને પાર કરી દીધો હતો.
  • વર્ષ 2015માં લોન્ચિંગ થયા પછી ક્રેટા ભારતમાં અત્યાર સુધીમાં કુલ 6,06,743 યૂનિટનું વેચાણ કરી ચૂકી છે. આમાં ડીઝલ વેરિઅન્ટના 3,99,787 યૂનિટ વેચાયાં છે. ભારતીય બજારમાં અન્ય ગાડીઓની સરખામણીએ ક્રેટાનું ડીઝલ વેરિઅન્ટ જોરદાર વેચાઇ રહ્યું છે. કંપનીએ સેકન્ડ જનરેશન ક્રેટાને 16 માર્ચ, 2020માં લોન્ચ કરી હતી. ત્યારબાદ, એપ્રિલ 2021 સુધીમાં કુલ 1,39,204 યૂનિટ વેચાયાં છે.
  • ક્રેટા ચાર વેરિયન્ટમાં વેચાય છે - EX, S, SX અને SX (O). તાજેતરમાં કંપનીએ ક્રેટાનું એક નવું વેરિઅન્ટ SX એક્સક્લૂસિવ કનેક્ટ કર્યું છે. આ વેરિઅન્ટને SX નીચે મૂકવામાં આવશે અને તેની એક્સ શો રૂમ કિંમત 13.14 લાખ રૂપિયા છે.