વર્ષ 2021 પૂરું થતાં જ છેલ્લાં મહિના એટલે કે ડિસેમ્બરના વેચાણના આંકડા જાહેર થઈ ગયા છે. ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડીલર્સ અસોસિએશન (FADA)એ ડિસેમ્બર 2021ના આંકડા જાહેર કર્યા છે. આ આંકડાઓ અનુસાર, ડિસેમ્બરમાં એકંદરે ઓટો વેચાણમાં વાર્ષિક ધોરણે 16.05%નો ઘટાડો થયો છે. ડિસેમ્બર 2020માં વેચાણ 18,56,869 યૂનિટ હતું, જે ડિસેમ્બર 2021માં ઘટીને 15,58,756 યૂનિટ થયું હતું. પેસેન્જર વ્હીકલના રિટેલ વેચાણમાં ડિસેમ્બરમાં વાર્ષિક આધારે 11%નો ઘટાડો જોવા મળ્યો. આ ઘટાડાનું મુખ્ય કારણ સેમિકન્ડક્ટર અછત માનવામાં આવી રહ્યું છે. ડિસેમ્બરમાં પેસેન્જર વ્હીકલ સેગમેન્ટમાં 2,44,639 યૂનિટનું વેચાણ થયું, જે ડિસેમ્બર 2020માં 2,74,605 યૂનિટ રહ્યું હતું.
ટૂ-વ્હીલર્સના વેચાણમાં 19%નો ઘટાડો
ડિસેમ્બરમાં ટૂ-વ્હીલરનું વેચાણ પણ નબળું રહ્યું હતું. ડિસેમ્બરમાં ટૂ-વ્હીલરનું વેચાણ 11,48,732 યૂનિટ થયું હતું, જે ગયા વર્ષના સમાન સમયગાળામાં વેચાયેલા 14,33,334 યૂનિટની સરખામણીએ 19.96%નો ઘટાડો દર્શાવે છે. ડિસેમ્બર 2019ની સરખામણીમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. 2 વર્ષ પહેલાં સમાન સમયગાળામાં 12,75,501 યૂનિટ વેચાયાં હતાં.
કોમર્શિયલ વ્હીકલમાં 13%નો ગ્રોથ
ડિસેમ્બરમાં કોમર્શિયલ વ્હીકલના વેચાણમાં 13.72%નો વધારો જોવા મળ્યો હતો. તેણે ડિસેમ્બર 2021માં 58,847 યૂનિટનું વેચાણ નોંધાવ્યું હતું, જે ગયા વર્ષના 51,749 યૂનિટ હતું. સારું રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, જાન્યુઆરીમાં ભાવમાં વધારાએ પણ કોમર્શિયલ વ્હીકલ સેગમેન્ટને મદદ કરી.
સેમિકન્ડક્ટરની અછત વેચાણ ઘટવાનું કારણ
FADAના પ્રમુખ વિંકેશ ગુલાટીએ જણાવ્યું કે, ડિસેમ્બર મહિનામાં સામાન્ય રીતે વધુ વેચાણ જોવા મળે છે, જ્યાં OEM નવું વર્ષ આવવાને કારણે તેમની ઇન્વેન્ટરી સાફ કરવા માટે ભારે ડિસ્કાઉન્ટ આપે છે. પરંતુ આ વખતે એવું બન્યું નહીં. વર્ષનો છેલ્લો મહિનો રિટેલ વેચાણમાં ઘટાડા સાથે બંધ રહ્યો હતો. સેમિકન્ડક્ટરની અછતની અસર સેક્ટર પર ચાલુ છે, જેના કારણે ડિસેમ્બરમાં ભારે બુકિંગ મળવા છતાં પેસેન્જર વ્હીકલનું વેચાણ ઘટાડા સાથે બંધ થયું છે.
FADA સમગ્ર દેશમાં 26,500 ડીલરશીપ સાથે 15,000 ઓટોમોબાઈલ ડીલર્સનું પ્રતિનિધિત્વ કરે છે. તેણે દેશભરના 1590 RTOમાંથી 1379નો ડેટા એકત્રિત કરીને રિપોર્ટ તૈયાર કર્યો છે. તેમના મતે, આગામી 2-3 મહિનામાં કોરોનાની વધુ એક લહેરને લઇને માર્કેટમાં સાવચેતી રહેશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.