PMV ઇલેક્ટ્રિક એ મુંબઈ સ્થિત ઇલેક્ટ્રિક વ્હીકલ નિર્માતા કંપની છે. આ કંપની પોતાની પહેલી માઈક્રો ઇલેક્ટ્રિક કાર ‘EaS-E’ને ભારતીય બજારમાં લોન્ચ કરવાની તૈયારીમાં છે, જે 16 નવેમ્બરના રોજ લોન્ચ ઓનલાઇન થશે અને યુટ્યુબ પર લાઇવ સ્ટ્રીમ કરવામાં આવશે. બ્રાન્ડે pmvelectric.com વેબસાઇટ દ્વારા પ્રિઓર્ડર સ્વીકારવાનું શરૂ કર્યું છે. આ EV કાર દ્વારા PMV કંપની પહેલીવાર ભારતીય માર્કેટમાં ઉતરશે. કંપની પોતાની આ કારના માધ્યમથી ભારતીય બજારમાં એક નવું પર્સનલ વ્હીકલ સેગ્મેન્ટ બનાવવાની તૈયારીમાં છે. જો અહેવાલોની માનીએ તો લોન્ચિંગ પહેલાં જ આ ગાડી માટે ભારતીય બજાર સહિત આંતરરાષ્ટ્રિય બજારમાંથી પણ પ્રી-ઓર્ડર નોંધાયા છે.
આ કાર લોન્ચની તારીખની જાહેરાત સાથે PMV ઇલેક્ટ્રિકનાં સ્થાપક કલ્પિત પટેલે જણાવ્યું હતું કે, ‘અમે કારને સત્તાવાર રીતે લોન્ચ કરવા માટે રોમાંચિત છીએ કારણ કે, અમે એક ભારતીય કંપની દ્વારા બનાવવામાં આવેલી વિશ્વ કક્ષાની પ્રોડક્ટનું નિર્માણ કર્યું છે. અમે વિશ્વને રોજિંદા ઉપયોગ માટે પર્સનલ મોબિલિટી વ્હીકલ (PMV) નામનો એક નવો સેગમેન્ટ પ્રસ્તુત કરવા આતુર છીએ.’
200 કિમીની રેન્જ ઓફર કરે છે :
કંપનીએ આ EV કારમાં 10 કિલોવોટ લિથિયમ આયર્ન ફોસ્ફેટ બેટરી પેક લગાવ્યું છે. આ સાથે જ તેને 15 કિલોવોટ (20bhp) PMSM ઈલેક્ટ્રિક મોટરની સાથે જોડવામાં આવી છે. જો કે, તેના ટોર્કને લઈને કોઈપણ માહિતી સામે આવી નથી. તમને આ કારમાં 70 કિમી પ્રતિ કલાકની ટોપ સ્પીડ મળશે.
અમુક અહેવાલોની માનીએ તો કંપની તેની આ માઈક્રો ઈલેક્ટ્રિક કારને ત્રણ વેરિઅન્ટમાં લોન્ચ કરશે. જેમાં તમને 120kmથી લઈને 200km સુધીની ડ્રાઈવિંગ રેન્જ મળશે. કંપનીની માનીએ તો આ નવી માઈક્રો ઈલેક્ટ્રિક કારને 3kw AC ચાર્જરની મદદથી અંદાજે 4 કલાકમાં ફુલ ચાર્જ કરી શકાશે.
આ ગાડીના ડાયમેન્શનની જો વાત કરીએ તો કંપનીએ તેની લંબાઈ 2,915mm, પહોળાઈ 1,157mm અને ઊંચાઈ 1,600mm રાખી છે. આ સિવાય વ્હીલબેઝ 2,087mm અને ગ્રાઉન્ડ ક્લિયરન્સ 170mm રહેશે. આ ઈલેક્ટ્રિક કારનો કર્બ વેઈટ અંદાજે 550 કિલોગ્રામ છે.
સંભવિત ફીચર્સ :
આ કારમાં કંપની અદ્દભૂત ફીચર્સ આપશે. આ કારમાં તમને ડિજિટલ ઈન્ફોટેન્મેન્ટ સિસ્ટમ, USB ચાર્જિંગ પોર્ટ, એર કંડિશન, રિમોટ કી-લેસ એન્ટ્રી અને રિમોટ પાર્ક અસિસ્ટ, ક્રૂઝ કંટ્રોલ જેવા ફીચર્સ સામેલ છે. આ કાર તમને પેશનેટ રેડ, પેપી ઓરેંજ, ફંકી યલો, રોયલ બેજ, ડીપ ગ્રીન, સ્પાર્કલ સિલ્વર, બ્રિલિયન્ટ વ્હાઇટ, મેજેસ્ટિક બ્લુ, વિન્ટેજ બ્રાઉન, ગામસ્ટિક ચારકોલ અને પ્યોર બ્લેક રંગમાં મળી રહેશે. આ માઈક્રો ઇલેક્ટ્રિક કાર ભારતીય બજાર માટે શ્રેષ્ઠતમ કાર સાબિત થઈ શકે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.