કયું ઇ-સ્કૂટર બેસ્ટ?:ઓલા ખરીદાય કે સિમ્પલ એનર્જી વન? બંને સ્કૂટર્સની ડિઝાઇન, કિંમત, ફીચર્સ અને સ્પેસિફિકેશન્સ જાણી લો અને પછી નક્કી કરો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

દેશમાં હવે ઇલેક્ટ્રિક સ્કૂટરનો જમાનો આવ્યો છે. છેલ્લાં ઘણા સમયથી ઇન્ડિયન માર્કેટમાં અનેક ટૂ-વ્હીલર્સે એન્ટ્રી કરી છે. પરંતુ તાજેતરમાં લોન્ચ થયેલાં ઓલા અને સિમ્પલ એનર્જીના ઇ-સ્કૂટરે ચર્ચા જગાડી છે. દરેકના મોઢે ભવિષ્યમાં આ બંને ઇ-સ્કૂટરમાંથી કોઈ એક ખરીદવાની ઇચ્છા જતાવાઈ રહી છે. આ બંનેમાંથી જ કોઈ એક ઇ-સ્કૂટર ખરીદવાનું મુખ્ય કારણ એ પણ છે કે આ બંને ભારતીય કંપનીઓ છે અને બંને સ્કૂટર પણ ભારતમાં બનાવવામાં આવ્યાં છે.

તાજેતરમાં જ 15 ઓગસ્ટે બે કંપનીઓએ તેમનાં ઈ-સ્કૂટર લોન્ચ કર્યાં. એક છે ઓલા અને બીજું છે સિમ્પલ એનર્જી. ઓલાએ બે મોડેલ 'S1' અને 'S1 Pro' લોન્ચ કર્યાં છે તો સિમ્પલ એનર્જીના સ્કૂટરનું નામ 'વન' છે. જો તમે આ બે ઈ-સ્કૂટરમાંથી કોઈ એક ખરીદવાનું વિચારી રહ્યા હો પણ કન્ફ્યુઝ્ડ હો કે કયું સ્કૂટર બેસ્ટ છે? તો અમે તમારી મુંઝવણ દૂર કરવા આ બંને ઇ-સ્કૂટરની ડિઝાઇન, કિંમત, ફીચર્સ અને સ્પેસિફિકેશન્સ લઇને આવ્યાં છીએ...વાંચો અને પછી નક્કી કરો કે કયું ઇ-સ્કૂટર લેવાય...

  • મોટર અને બેટરી: ઓલા S1 Proમાં 8.5 કિલોવોટ મોટર અને 3.9 કિલોવોટની બેટરી આપવામાં આવી છે. સ્કૂટર માત્ર 3 સેકંડમાં જ 0થી 40km/hની સ્પીડ પકડી લે છે. બીજીબાજુ, સિમ્પલ એનર્જી વન પાસે 7kW મોટર અને 4.8kWh બેટરી છે. આ મોટર એટલી પાવરફુલ છે કે આ સ્કૂટર માત્ર 2.95 સેકંડમાં 0થી 40km/hની સ્પીડ પકડી શકે છે.
  • ટોપ સ્પીડ અને રેન્જ: Ola S1 Proની ટોપ સ્પીડ 115km/h છે. ફુલ ચાર્જ કર્યાં પછી આ સ્કૂટર 181km સુધી ચલાવી શકાય છે. તેમજ, સિમ્પલ એનર્જી વનની ટોપ સ્પીડ 105km/h છે. ફુલ ચાર્જ કર્યાં પછી સ્કૂટરની રેન્જ 236 કિમી સુધી છે. એટલે કે, તે ઓલા કરતાં 55 કિમી વધુ રેન્જ આપે છે.
  • ચાર્જિંગ ટાઇમ: ઓલાના જણાવ્યા અનુસાર, ઓલાનું આ ઇ-સ્કૂટર 6 કલાકમાં ફુલ ચાર્જ થઈ જશે. તેમજ, ઓલાના હાઇપરચાર્જિંગ સ્ટેશન પર 18 મિનિટમાં 75 કિમી સુધી તેને ચાર્જ કરી શકાશે. બીજીબાજુ, સિમ્પલ એનર્જીએ ચાર્જિંગ સમય જાહેર કર્યો નથી. પરંતુ આ સ્કૂટર ચા-નાસ્તો કરીએ એટલા સમયમાં 50% સુધી ચાર્જ થઈ જશે.
  • ટચસ્ક્રીન સ્પીડોમીટર: ઓલા અને સિમ્પલ એનર્જી બંનેએ તેમના ઇ-સ્કૂટરમાં 7 ઇંચની ટચસ્ક્રીન ડિસ્પ્લે આપી છે. આ સ્ક્રીન મલ્ટિટાસ્કિંગને સપોર્ટ કરે છે. એટલે કે, સ્કૂટરની રેન્જ, સ્પીડ, બેટરી રિમાઇન્ડર, કોલ ડિટેલ, મ્યૂઝિક ડિટેલ્સ, નેવિગેશન જેવી ઘણી વિગતો તેના પર જોવા મળશે.
  • એપ સપોર્ટ ફીચર્સ: બંને સ્કૂટર એપથી કનેક્ટ થશે. તમે એપ્લિકેશનમાંથી પણ તેનાં ઘણાં ફીચર્સ ઓપરેટ કરી શકશો. ખાસ કરીને એપ્લિકેશનની મદદથી સ્કૂટર લોક/અનલોક થઈ જશે. આમાં જિયો ફેન્સિંગ સિક્યોરિટી પણ મળશે. જેની મદદથી તમે તમારું સ્કૂટર ટ્રેક કરી શકશો. મ્યૂઝિક સાંભળવા માટે બંને સ્કૂટરમાં સ્પીકર્સ પણ આપવામાં આવ્યા છે.

ઓલા S1 મોડેલની પ્રારંભિક કિંમત 99,999 રૂપિયા અને ઓલા S1 Proની પ્રારંભિક કિંમત 1,29,999 રૂપિયા રાખવામાં આવી છે. જો કે, દિલ્હી, ગુજરાત, મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં સબસિડીના કારણે તેના ભાવ ઘટ્યા છે. તો બીજીબાજુ સિમ્પલ એનર્જી વનની કિંમત 1,09,999 રૂપિયા રાખવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...