કોરોના મહામારી દરમિયાન દુનિયામાં આર્થિક અસમાનતાનો નવો યુગ શરૂ થતો જોવા મળ્યો છે. જેના કારણે ગરીબ લોકો પહેલાંની સરખામણીએ વધુ ગરીબ થઈ રહ્યા છે, જયારે શ્રીમંતોની સંપત્તિમાં અનેકગણો વધારો થઈ રહ્યો છે. જેનું સૌથી મોટું ઉદાહરણ લક્ઝરી કારના વેચાણમાં થયેલો વધારો છે. 2021માં વિશ્વની મોટાભાગની લક્ઝરી કાર કંપનીઓએ રેકોર્ડબ્રેક વેચાણ નોંધાવ્યું હતું. તો 2021નો આ ટ્રેન્ડ 2022માં પણ ચાલુ રહ્યો હતો.
એક બાજુ સામાન્ય ઓટોમોબાઈલ કંપનીઓ અને ખરીદદારો મોંઘી લોન, વધતા ઘટક ખર્ચ અને સપ્લાય ચેઈનની સમસ્યાનો સામનો કરી રહ્યા છે, ત્યારે લક્ઝરી કાર કંપનીઓએ ફરી એકવાર વેચાણમાં નવા રેકોર્ડ બનાવ્યા છે.
લેમ્બોર્ગિનીએ સૌથી વધુ 10% ગ્રોથ મેળવ્યો
બ્રિટનની લક્ઝરી કાર કંપની બેન્ટલીએ 2021ની સરખામણીમાં 2022માં 4% વધુ સાથે 15,174 કારનું વેચાણ કર્યું હતું. આ કંપનીનું રેકોર્ડબ્રેક વેચાણ કર્યું છે. 2021માં બેન્ટલીએ 31% વૃદ્ધિ સાથે રેકોર્ડબ્રેક 14,659 કાર વેચી હતી. 2020માં આ આંકડો 11,206 હતો. બીજી લક્ઝરી બ્રાન્ડ લેમ્બોર્ગિનીનું વેચાણ ગત વર્ષે 10% વધીને 9,233 થયું હતું. પોર્શનું વેચાણ 3% વધ્યું અને ઉત્તર અમેરિકામાં રેકોર્ડબ્રેક વેચાણ થયું હતું. રોલ્સ રોયસનું વેચાણ 8% વધીને 6,021 કાર પર પહોંચી ગયું છે. રોલ્સ રોયસ માટે ગ્રાહકો સરેરાશ 5 કરોડ રૂપિયા પ્રતિ કાર ખર્ચે છે. જે પૈકી મોટા ભાગના લોકો એવા હતા જેમની પાસે પહેલેથી જ રોલ્સ રોયસ કે અન્ય કોઈ લક્ઝરી કાર છે.
રોકડેથી લક્ઝરી કાર ખરીદવાનો ટ્રેન્ડ વધ્યો છે
તો બીજી તરફ કહી શકાય કે, કોરોના બાદ એટલે કે, છેલ્લા ત્રણ વર્ષમાં લક્ઝરી કારની ખરીદીમાં રોકડનો ઉપયોગ ઝડપથી વધ્યો છે. કોક્સ ઓટોમોટિવના મુખ્ય અર્થશાસ્ત્રી જોનાથન સ્મોકે જણાવ્યું હતું કે, “ગયા વર્ષે ઘણા શ્રીમંત લોકોએ રોકડમાં લક્ઝરી કાર ખરીદી હતી. આ વલણ આ વર્ષે પહેલાની સરખામણીએ વધુ વધવાની ધારણા છે. શેરબજારમાં આવેલા ઉતાર-ચઢાવ અને આર્થિક અનિશ્ચિતતાઓ વચ્ચે જંગી રોકડ ભંડાર ધરાવતા ધનકુબેર લક્ઝરી વસ્તુઓ પાછળ ડોલર ખર્ચી રહ્યા છે. આ દરમિયાન ઓટો લોન 20 વર્ષમાં સૌથી મોંઘી બની છે.
1 બેન્ટલીની કિંમતમાં 100 એન્ટ્રી લેવલની કાર આવી શકે છે
લક્ઝરી કારના વિશ્વભરમાં વેચાણના આંકડા ભારતમાં એક મહિનામાં વેચાયેલી કાર કરતા ઘણાઓછા દેખાય છે.પરંતુ, જો તમે કિંમત પર નજર નાખો, તો તે ઘણી ગણી વધારે હોઈ શકે છે. બેન્ટલી, લેમ્બોર્ગિની, રોલ્સ રોયસ જેવી કારની સરેરાશ કિંમત 4 કરોડ રૂપિયા છે. એટલે કે આ પ્રકારની લક્ઝરી કારની કિંમતમાં ભારતમાં 100 એન્ટ્રી લેવલની કાર આવી શકે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.