ઇલેક્ટ્રિક સ્કૂટરમાં આગ:એથર એનર્જીના શોરૂમમાં લાગી આગ, ઇલેક્ટ્રિક સ્કૂટર બળીને ખાખ

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

ઈલેક્ટ્રિક સ્કૂટર્સ પર આગ લાગવાની ઘટનાઓ વચ્ચે હવે એથર એનર્જીની ડીલરશીપમાં પણ આગ લાગી હોવાની માહિતી મળી છે. જોકે, કંપનીનું કહેવું છે કે આ એક નાનકડી ઘટના છે. એથેર એનર્જીએ શુક્રવારે ટ્વીટ કરીને લખ્યું, 'તમે અન્ય લોકો પાસેથી સાંભળો તે પહેલાં તમને જણાવી દઈએ કે, ચેન્નઈના એક શો-રૂમમાં એક નાનો આગ અકસ્માત થયો છે. આનાથી અમારી કેટલીક સંપત્તિઓ અને સ્કૂટર્સને નુકસાન થયું છે. સદભાગ્યે તમામ કર્મચારીઓ સલામત છે અને પરિસ્થિતિ નિયંત્રણમાં છે. અમારું અનુભવ કેન્દ્ર ટૂંક સમયમાં ફરીથી ખોલવામાં આવશે.

જોકે, કંપનીએ પોતાના ટ્વીટમાં આગ લાગવાના કારણ વિશે કોઈ માહિતી આપી નથી કે, કંપનીના કો-ફાઉન્ડર તરુણ મહેતાએ પણ આ અંગે કોઈ અપડેટ આપી નથી. કંપનીનું કેન્દ્ર ચેન્નઈના નુનગમ્બક્કમ વિસ્તારમાં આવેલું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આગની ઘટના બાદ તમામ કર્મચારીઓને વહેલી તકે શોરૂમમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. જોકે, ધુમાડાના કારણે કેટલાક ઈલેક્ટ્રિક સ્કૂટર કાઢી શકાયા ના હતા અને તે સંપૂર્ણપણે બળી ગયા હતા.

સોશિયલ મીડિયા પર શેર થઈ રહ્યા છે મીમ્સ
આગની ઘટના પાછળ એથર એનર્જીએ ભલે કારણ ના આપ્યું હોય, પરંતુ સોશિયલ મીડિયા પર લોકો ઓલા ઇલેક્ટ્રિક અને પ્યોર ઈવીના મીમ્સ શેર કરી રહ્યા છે. આ સાથે જ કેટલાક લોકોએ એથરના શોરૂમમાં આગ લાગવાના કારણ અંગે પણ શંકા વ્યક્ત કરી છે. તેના કેટલાક વીડિયો અને ફોટો પણ સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે.

હીરો ઈલેક્ટ્રિક ફોટોનમાં પણ આગ લાગી છે
રાતોરાત રિચાર્જ કરતી વખતે હીરો ઇલેક્ટ્રિક ફોટોનમાં પણ આગ લાગી હતી. હીરો ઈલેક્ટ્રિકના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, આ ઘટના સોકેટમાં શોર્ટ-સર્કિટના કારણે બની હતી. તે જ સમયે ગ્રાહકના જણાવ્યા મુજબ તેના સ્કૂટરને આખી રાત ચાર્જ પર રાખ્યા પછી તેમાંથી ફ્લેશિંગનો અવાજ આવવા લાગ્યો અને તપાસ કરતાં જાણવા મળ્યું કે, ઇલેક્ટ્રિક સ્કૂટરના ચાર્જિંગ માટે જે ઇલેક્ટ્રિક સ્વિચબોર્ડનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, તેમાંથી ધુમાડો નીકળી રહ્યો છે. જ્યારે તે મેઇન્સ બંધ કરવા માટે ઘટનાસ્થળે પહોંચ્યો ત્યારે સ્કૂટર પાછળથી બળીને ખાખ થઈ ગયું હતું.

આ રિપોર્ટ 30 મેના રોજ સરકારને સોંપવામાં આવશે
એક વરિષ્ઠ સરકારી અધિકારીએ શુક્રવારે જણાવ્યું હતું કે, માર્ગ પરિવહન મંત્રાલય દ્વારા રચાયેલી નિષ્ણાત સમિતિ અને ઉપચારાત્મક પગલાં સૂચવતી સમિતિ આવતાં અઠવાડિયે પોતાનો અહેવાલ સુપરત કરશે. મીડિયા સાથે વાત કરતા અધિકારીએ જણાવ્યું હતું કે, ઇલેક્ટ્રિક સ્કૂટર્સમાં આગ લાગવાની ઘટનાઓની તપાસ માટે રચાયેલી નિષ્ણાત સમિતિ 30 મેના રોજ પોતાનો અહેવાલ સુપરત કરશે.