પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવે લોકોના નાકમાં દમ કરી મૂક્યો છે. લોકો લાચારીભરી નજરે પેટ્રોલના વધતા આંકડા જોઈ રહ્યા છે. આવી સ્થિતિમાં તેના ઓપ્શન તરીકે ઇલેક્ટ્રિક વાહન સામે આવ્યું છે. કેન્દ્ર સરકારની ફેમ-2 સબસિડી અને ઘણા રાજ્ય સરકારની સબસિડીના કારણે ઇલેક્ટ્રિક વ્હીકલ્સના ભાવ નીચે આવી રહ્યા છે.
ભારતમાં 90% લોકો ઇલેક્ટ્રિક વાહન ખરીદવા માગે છે. કન્સલ્ટન્સી ફર્મ EYના સર્વેમાં આ વાત સામે આવી છે. આ સર્વેમાં 13 દેશોના 9 હજારથી વધુ લોકોનો સમાવેશ કરવામાં આવ્યો હતો, જેમાં ભારતના 1 હજાર લોકોએ ભાગ લીધો હતો. તેમાં 99% ભારતીયો એટલે કે 1 હજાર લોકોમાંથી 990 લોકોએ ઇલેક્ટ્રિક વાહન ખરીદવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.
20% સુધીનું પ્રીમિયમ આપવા તૈયાર
સર્વેમાં જણાવ્યા અનુસાર, ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ આવતા વર્ષ સુધીમાં ગ્લોબલ લેવલ પર વધવાની ધારણા છે. સર્વેમાં એ પણ બહાર આવ્યું છે કે 40% લોકો ઇલેક્ટ્રિક વાહન માટે 20% સુધીનું પ્રીમિયમ ચૂકવવા માટે તૈયાર છે. તેમજ, ભારતમાં 10માંથી 3 લોકો ઇલેક્ટ્રિક કાર ખરીદવા માગે છે.
ઇલેક્ટ્રિક કારથી સારી એવરેજ મળવાની અપેક્ષા
સર્વેમાં જણાવ્યા અનુસાર, ભારતમાં મોટાભાગના લોકોનું કહેવું છે કે તેઓ એવા ઇલેક્ટ્રિક વાહન ખરીદવા માગે છે જે ફુલ ચાર્જ કરવા પર 100થી 200 માઇલ એટલે કે લગભગ 160 કિમીથી 320 કિમીનું અંતર કાપી શકે.
લોકો પર્યાવરણ પ્રત્યે જાગૃત થયા
સર્વેમાં એ પણ બહાર આવ્યું છે કે EV ખરીદવાનું સૌથી મોટું કારણ પર્યાવરણ વિશે લોકોમાં જાગૃતિ છે. EV ખરીદવાની ઇચ્છા વ્યક્ત કરનારા 67% લોકોને લાગે છે કે તેમણે તેમની જવાબદારી સમજી લેવી જોઈએ. જેથી, પેટ્રોલ-ડીઝલ વાહનો દ્વારા થતાં પ્રદૂષણને અટકાવી શકાય.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.