2022માં વેચાયેલી દર બીજી કાર SUV:ગયા વર્ષે 37.9 લાખ કાર વેચાઈ, 4 વર્ષ પહેલાં 2018માં 33.8 લાખ કાર વેચાઈ હતી

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

વર્ષ 2022માં ઓટોમોબાઈલ કંપનીઓએ 37.93 લાખ કાર વેચાઈ. આ કિસ્સામાં વર્ષ 2018નો રેકોર્ડ તૂટ્યો. ચાર વર્ષ પહેલાં દેશમાં 33.8 લાખ કાર વેચાઈ હતી. ત્યારે ગયા વર્ષનાં આંકડા તેનાથી 12.21% વધુ અને વર્ષ 2021ની સાપેક્ષે 23.10% વધુ છે. મારુતિ સુઝુકીનાં એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર શશાંક શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, ગયા વર્ષે જેટલી કાર વેચાઈ તેમાં 45.30% ભાગીદારી SUVની રહી હતી એટલે કે દર બીજા ગ્રાહકે SUV ખરીદી હતી.

ઓટોમોબાઈલ કંપનીઓનાં અધિકારીઓ મુજબ 2022માં કોરોનાના કારણે માગમાં જે ઘટાડો થયો હતો તે ફરી વધ્યો છે. વર્ષ 2021માં પણ ઓટોમોબાઈલ સેક્ટર તેજીમાં હતુ પણ સેમીકન્ડક્ટર ચિપની કમીના કારણે કારની સપ્લાય યોગ્ય રીતે થઈ શકે નહી. ગયા વર્ષે આ સમસ્યા એક હદ સુધી દૂર થઈ ગઈ હતી. આ સમયે કોવિડ સંબંધિત તમામ પ્રતિબંધો ખતમ થઈ ગયા હતા. સર્વિસ સેક્ટર પણ 2022માં સંપૂ્ર્ણપણે ખુલી ગયું હતું. આ સિવાય રોજગાર અને લોકોની આવકમાં વધારો થવાના કારણે પણ કારનાં વેચાણમાં વધારો થયો.

વીતેલા વર્ષમાં ઈલેક્ટ્રિક ટુ-વ્હીલરનું વેચાણ 28% ઘટ્યું
ડિસેમ્બરમાં ઈલેક્ટ્રિક ટુ-વ્હીલરનું વેચાણ 27.88 ટકા ઘટીને 59,554 થયું. નવેમ્બરમાં 76,162 ટુ-વ્હીલરનું વેચાણ થયુ હતું. વાહન પોર્ટલ મુજબ એપ્રિલ-ડિસેમ્બરમાં ટુ-વ્હીલરનું વેચાણ અંદાજે 5 લાખ રહ્યું. નીતિ આયોગે માર્ચ 2023 સુધી 10 લાખ ટુ-વ્હીલરનાં વેચાણનું લક્ષ્ય રાખ્યું છે. આનાથી વેચાણમાં 20-30 ટકાનો ઘટાડો થશે.

ઈ-ટુ વ્હીલર પર 1,100 કરોડ રૂપિયાની સબસિડી અટકી
ઈ-ટુ વ્હીલર બનાવનાર કંપનીઓની 1,100 કરોડ રુપિયાની સરકારે અટકાવી છે. ‘સોસાયટી ઓફ મેન્યુફેક્ચરર્સ ઓફ ઈલેક્ટ્રિકલ વ્હીકલ’નાં ડાયરેક્ટર જનરલ સોહિંદર ગિલે જણાવ્યું કે, વર્ષ 2022નાં છેલ્લા બે મહિનામાં ટુ-વ્હીલર EVનું વેચાણ ઘટવાનું એક કારણ સબસિડી અટકી જવાનું પણ છે.

ઉત્પાદન ખર્ચનાં 40 ટકા મહત્તમ સબસિડી
સરકાર ઈ-ટુ વ્હીલર્સ પર પ્રતિ કિલોવોટ કલાકનાં 15,000 રૂપિયાની સબસિડી આપે છે. ઘરગથ્થુ ડિવાઈસનો ઉપયોગ જેવા ઘણા માપદંડો મુજબ તેની મહત્તમ મર્યાદા ખર્ચનાં 40% છે. આ સબસિડીનો સમાવેશ વાહનોનાં ભાવમાં થાય છે. વેચાણનાં પુરાવા રજૂ કરવા પર સરકાર કંપનીઓને 45-90 દિવસની અંદર સબસિડીની ચૂકવણી કરે છે.