એનાલિસિસ / બેટિંગ, ફિલ્ડિંગમાં ટીમ ઈન્ડિયાનું પલડું ભારે, પણ બોલિંગમાં કિવિઝ વધુ ધારદાર

Bowling is the only department where NZ can compete with India

  • ભારતે ટૂર્નામેન્ટમાં ન્યુઝીલેન્ડ કરતાં 2 વિકેટ વધારે લીધી, કિવિઝની ઈકોનોમી ભારત કરતાં નજીવા અંતરે સારી
  • ભારતે નવા બોલથી ટ્રેન્ટ બોલ્ટ અને કિવિઝે જસપ્રીત બુમરાહથી સાવધ રહેવાની જરૂર 
  • ન્યૂઝીલેન્ડના ફાસ્ટ બોલર્સે 65માંથી 59 વિકેટ લીધી, જયારે ભારતના ફાસ્ટર્સે 67માંથી 49 વિકેટ લીધી

Divyabhaskar.com

Jul 09, 2019, 10:57 AM IST

સ્પોર્ટ્સ ડેસ્ક: ભારત અને ન્યૂઝીલેન્ડ મંગળવારે સેમિફાઇનલમાં ટકરાશે ત્યારે વરસાદી વાતાવરણમાં બંને ટીમના ફાસ્ટ બોલર્સ કેવો દેખાવ કરે તે નિર્ણાયક સાબિત થઇ શકે છે. ઓલ્ડ ટ્રેફોર્ડના મૅન્ચેસ્ટર ખાતે આ ટૂર્નામેન્ટમાં 5 મેચ રમાઈ છે અને બધી મેચમાં પ્રથમ બેટિંગ કરનાર ટીમ જીતી છે. વર્લ્ડ કપ દરમિયાન અહિયાં પ્રથમ બેટિંગનો એવરેજ સ્કોર 323 છે. ભારતે અહિયાં 2 મેચ રમ્યું છે. પાકિસ્તાન સામે ભારતે પ્રથમ બેટિંગ કરતાં 336 રન કર્યા હતા, જયારે વેસ્ટ ઇન્ડિઝ સામે 267 રન કર્યા હતા. ટીમ ઇન્ડિયા બંને મેચ સરળતાથી જીત્યું હતું. બીજી તરફ ન્યૂઝીલેન્ડે આ ગ્રાઉન્ડ ઉપર એક માત્ર મેચમાં વેસ્ટ ઇન્ડિઝ સામે 291 રન કર્યા હતા અને 5 રનના નજીવા માર્જિનથી જીત્યું હતું.

બુમરાહે ભારતીય બોલિંગ એટેકની કમાન સંભાળી: ભારતે માટે જસપ્રીત બુમરાહે 8 મેચમાં સૌથી વધુ 17 વિકેટ ઝડપી છે. બીજી તરફ મોહમ્મદ શમીએ જ્યારથી તક મળી ત્યારથી તરખાટ મચાવતા 4 મેચમાં 14 વિકેટ લીધી છે. વિકેટ અને મેચની દ્રષ્ટિએ એવું જોવું સમજવું છે કે શમીએ 4 મેચ ઓછી રમી અને તેમ છતાં બુમરાહ કરતાં માત્ર 4 વિકેટ ઓછી લીધી છે. હકીકતમાં બુમરાહની કન્સીસ્ટન્સીના લીધે જ અન્ય બોલર્સને વિકેટ મળે છે. તે એક બાજુથી એટલું દબાણ ઉભું કરે છે કે બેટ્સમેન બીજા બોલરને ટાર્ગેટ કરે છે અને તેમાં પોતાની વિકેટ ગુમાવે છે. બુમરાહે ટૂર્નામેન્ટના પ્રથમ પાવરપ્લે એટલે કે 1-10 ઓવરમાં માત્ર 3.03ની ઈકોનોમીથી રન આપ્યા છે. જયારે ડેથ ઓવર્સ એટલે કે 41-50 ઓવરમાં માત્ર 5.50ની ઈકોનોમીથી રન આપ્યા છે. તે વિરોધી ટીમને શ્વાસ લેવાની જગ્યા આપતો નથી.

કુલદીપે નિરાશ કર્યા, ચતુર ચહલે મિડલ ઓવર્સમાં સૌથી વધુ વિકેટ લીધી: 2017ની ચેમ્પિયન્સ ટ્રોફી પછી ભારતની સૌથી મોટી તાકત મિડલ ઓવર્સમાં સ્પિનર્સનો દેખાવ રહ્યો છે. તેઓ આ દરમિયાન વિકેટ ઝડપે તેથી જ વિરોધી ટીમ તોતિંગ સ્કોર કરી શકતી નથી. ઇન્ડિયન ચાઇનામેન કુલદીપ યાદવનો દેખાવ ટૂર્નામેન્ટમાં નિરાશાજનક રહ્યો છે. તેણે 7 મેચમાં 6 વિકેટ જ ઝડપી છે. બાબર આઝમને બોલ્ડ કર્યા સિવાય કુલદીપ માટે વર્લ્ડ કપમાં કઈ યાદગાર મોમેન્ટ રહી નથી. જોકે તેના સાથીદાર યૂઝવેન્દ્ર ચહલનો દેખાવ સારો રહ્યો છે. તેણે 7 મેચમાં 11 વિકેટ ઝડપી છે. તેણે ભારત માટે મિડલ ઓવર્સમાં સૌથી વધુ 9 વિકેટ ઝડપી છે. પાંચમા બોલર હાર્દિકે 8 વિકેટ સાથે આ સૂચિમાં બીજા સ્થાને છે. હાર્દિકના પ્રભાવશાળી દેખાવના લીધે ટીમ 5 બોલરની સ્ટ્રેટેજી સાથે રમી શક્યું છે. તેમજ કંઈક અંશે તેણે કુલદીપના દેખાવને ખુલ્લો પડવા દીધો નથી.

ફર્ગ્યુસનને ઇજા- ભારતને મજા, બોલ્ટથી ઓપનર્સે સાવધ રહેવાની જરૂર: વર્લ્ડનો ફાસ્ટેસ્ટ બોલર લોકી ફર્ગ્યુસન કિવિઝ માટે ટોપ વિકેટ ટેકર છે. તેણે 7 મેચમાં 17 વિકેટ ઝડપી છે. ફર્ગ્યુસનની છેલ્લા એક વર્ષમાં એવરેજ સ્પીડ 145 કિલોમીટરની રહી છે. તેની પાસે આ સ્પીડ ઉપરાંત એજ એક્શન સાથે 115ની ઝડપે ધીમો બોલ નાખવાની ક્ષમતા પણ છે. મિડલ ઓવર્સમાં તે બેટ્સમેનને બેકફૂટ પર રાખે છે અને વિલિયમ્સનને વિકેટની જરૂર હોય ત્યારે નિરાશ કરતો નથી. તે ઈજાગ્રસ્ત હોવાથી અગાઉની મેચ રમ્યો ન હતો અને આજની મેચમાં તેના રમવા અંગે સસ્પેન્સ છે.

જયારે અનુભવી ટ્રેન્ટ બોલ્ટને ભારતીય ફેન્સ સમક્ષ ઓળખાણની જરૂર નથી. તેણે 8 મેચમાં 15 વિકેટ લીધી છે. બોલ્ટ ટૂર્નામેન્ટમાં સતત સારો દેખાવ કરી શક્યો નથી. તેણે આ 15માંથી 8 વિકેટ 2 મેચમાં લીધી હતી. મતલબ કે બાકીની 6 મેચમાં તે માત્ર 7 ઝડપી શક્યો હતો. જો ભારત અને ખાસ કરીને રોહિત શર્મા શરૂઆતમાં તેના ઇનસ્વિંગરને સંભાળી લે તો અર્ધી મેચ જીત્યા બરાબર ગણાશે.

કિવિઝ માટે હેનરી, નીશમ અને ગ્રાન્ડહોમે ભાગીદારીમાં બોલિંગ કરી: ન્યૂઝીલેન્ડ માટે ત્રીજા, ચોથા અને પાંચમા બોલર તરીકે મેટ હેનરી, જેમ્સ નીશમ અને કોલીન ડી ગ્રાન્ડહોમે ભાગીદારીમાં બોલિંગ કરીને સતત સારો દેખાવ કર્યો છે. હેનરીએ 7 મેચમાં 10, નીશમે 8 મેચમાં 11 વિકેટ અને ગ્રાન્ડહોમે 8 મેચમાં 5 વિકેટ લીધી છે. ગ્રાન્ડહોમે બધી મેચમાં બોલિંગ નથી કરી તે નોંધ કરવું જરૂરી છે. જ્યાં બોલ્ટ અને ફર્ગ્યુસન એટેક કરે છે, ત્યાં બીજી તરફ આ ત્રણેય બોલર્સ મુખ્યપણે બેટ્સમેનને બાંધી રાખવાનું કામ કરે છે. તેમના સ્પિનર મિચેલ સેન્ટરનો દેખાવ નબળો રહ્યો છે. તેણે 8 મેચમાં 4 વિકેટ જ ઝડપી છે. કિવિઝ કાલે લેગ-સ્પિનર ઈશ સોઢીને રમાડવાનો જુગાર રમી શકે છે.

X
Bowling is the only department where NZ can compete with India
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી