સેમિ ફાઈનલ / ન્યૂઝિલેન્ડમાં વસતાં ગુજરાતી પત્રકાર કહે છે, અમારા માટે આ જન્મભૂમિ વિ. કર્મભૂમિનો જંગ

આ વર્ષે ટીમ ઈન્ડિયાની ન્યૂઝિલેન્ડ ટૂર વખતે પણ ત્યાં વસતાં ગુજરાતીઓએ વતનની ટીમને ચિઅર અપ કર્યું હતું
આ વર્ષે ટીમ ઈન્ડિયાની ન્યૂઝિલેન્ડ ટૂર વખતે પણ ત્યાં વસતાં ગુજરાતીઓએ વતનની ટીમને ચિઅર અપ કર્યું હતું

  • ઓકલેન્ડમાં રહેતા ગુજરાતી પત્રકાર કેતન જોશીએ ખાસ DivyaBhaskar app માટે અહેવાલ મોકલ્યો
  • NRG કહે છે, દરેક મેચમાં ન્યૂઝિલેન્ડને જ ચિઅર અપ કરીએ છીએ, પણ ઈન્ડિયા સામે હોય ત્યારે તો... અય વતન તેરે લિયે!
  • ન્યૂઝિલેન્ડના સ્થાનિકો કહે છે કે ટીમ ઈન્ડિયા મજબૂત, પરંતુ વર્લ્ડકપ જીતવાની દાયકાઓની અમારી પ્રતિક્ષા આ વખતે ફળશે

Divyabhaskar.com

Jul 09, 2019, 08:00 AM IST

ઓકલેન્ડ: ઈંગ્લેન્ડ ખાતે રમાઇ રહેલા આઇસીસી વિશ્વકપમાં ભારત અને ન્યૂઝીલેન્ડ સેમિફાઇનલમાં ટકરાવા જઈ રહી છે ત્યારે ન્યૂઝિલેન્ડમાં વસતાં ગુજરાતીઓ માટે કેવી કશ્મકશ છે? તેઓ કોને સપોર્ટ કરશે? ન્યૂઝિલેન્ડમાં આ મેચ અંગે કેવો ઉત્સાહ છે? આ અંગે ઓકલેન્ડમાં રહેતાં ગુજરાતી પત્રકાર કેતન જોશીએ ખાસ DivyaBhaskar app માટે આ અહેવાલ મોકલ્યો છે.

જન્મભૂમિ વિ. કર્મભૂમિનો જંગ
માન્ચેસ્ટર ખાતે વર્લ્ડકપની સેમિ ફાઈનલમાં ભારત અને ન્યૂઝિલેન્ડ ટકરાશે ત્યારે અહીં (ન્યૂઝિલેન્ડમાં) વસતાં અમારા જેવા ક્રિકેટચાહકો માટે મૂંઝવણ સર્જાઈ છે. એક તરફ હમવતન હિન્દુસ્તાનની ટીમ છે અને બીજી તરફ એ દેશની ટીમ છે જ્યાં અમે ઉજ્જવળ ભવિષ્ય આલેખવા આવ્યાં છીએ. જોકે કર્મભૂમિ સામે માતૃભૂમિની પસંદગી કરવાની આવે ત્યારે વતનપ્રેમ જ જીતે. એ હિસાબે, અહીં વસતાં મોટાભાગના ગુજરાતીઓ બેધડક ટીમ ઈન્ડિયાનું જ સમર્થન કરી રહ્યાં છે. બંને દેશો વચ્ચે લિગ મેચ વરસાદના કારણે ધોવાઈ જતાં સેમિ ફાઈનલનો આ મુકાબલો ભારે દિલચશ્પ બનવાની ધારણા છે. આપણી ટીમ ખૂબ મજબૂત છે, તો સામે ન્યૂઝિલેન્ડ પણ જોરદાર ફોર્મમાં છે.

ઓફિસમાં ભલે લોકો મેણાં મારતા, પણ અય વતન તેરે લિયે
વેલિંગ્ટન ખાતે રહેતા આપણા ગુજ્જુભાઇ અને ડાઇ હાર્ડ ક્રિકેટ ફેન રાહુલ વ્યાસે જણાવ્યું હતું કે થોડા સમય પહેલાં જ ભારત ન્યૂઝીલેન્ડના પ્રવાસે આવ્યું હતું અને તેમાં વિરાટ કોહલી એન્ડ કંપનીએ વન-ડેમાં શ્રેષ્ઠ દેખાવ કર્યો હતો, તે વખતે અમે ટીમ ઇન્ડિયાને સપોર્ટ કર્યો હતો. એ સિરીઝ બાદ ઓફિસમાં સ્થાનિકો દ્વારા હસતાં હસતાં અમને મેણાં મારવામાં આવ્યા હતા. જોકે તેની પરવા કર્યા વિના અમે આ વખતે પણ ટીમ ઇન્ડિયાને જ સપોર્ટ કરવા માટે બેહદ ઉત્સાહિત છીએ. આમ કરવાથી કર્મભૂમિ સાથે અન્યાય નથી થતો એવા સવાલના જવાબમાં રાહુલ વ્યાસ કહે છે, આખું વર્ષ ક્રિકેટ સહિતની દરેક મેચમાં ન્યૂઝિલેન્ડને જ ચિઅર અપ કરીએ છીએ, પણ ઈન્ડિયા સામે હોય ત્યારે તો બધું જ... અય વતન તેરે લિયે!

આખિર દિલ હૈ હિન્દુસ્તાની...
જોકે ઓકલેન્ડમાં રહેતા અર્પિત પંચાલને આવી કોઈ અવઢવ નથી. તેઓ સ્પષ્ટ શબ્દોમાં કહે છે કે, આ મુકાબલો મારા માટે જન્મભૂમિ કે કર્મભૂમિનો છે જ નહીં. આ તો દિલનો મામલો છે. વતનથી ભલે દૂર હોઇએ પરંતુ દિલ તો હંમેશા ભારત માટે જ ધડકતું રહશે. અમદાવાદમાં હતા ત્યારે મિત્રો સાથે મેચની મોજ ઉઠાવતા હતા. અહીં આવ્યા પછી ય એ સ્મરણો હંમેશા યાદ આવતાં રહે છે. તો શું ન્યૂઝિલેન્ડ સામે ઈન્ડિયા જીતી જશે? અર્પિત કહે છે, કોહલી, રોહિત, બુમરાહ અને શમી કોઈપણ ટીમને હરાવવા સક્ષમ છે. ઇસ્ટ ઔર વેસ્ટ ટીમ ઇન્ડિયા ઇઝ ધ બેસ્ટ...

વરસાદ નહિ, ટાઇમ ઝોન છે મુખ્ય વિલન...
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે વરસાદનું વિઘ્ન આવી શકે છે તેવું સાંભળતા જ દેવ ભારદ્વાજ નામના ક્રિકેટ ફેને જણાવ્યું હતું કે મેચમાં મુખ્ય વિલન વરસાદ નહીં, ટાઇમ ઝોન છે. કારણ કે ઇંગ્લેન્ડમાં મેચ હોઇ ન્યૂઝીલેન્ડમાં સ્થાનિક સમયે રાત્રે 9.30 કલાકે મેચનો પ્રારંભ થતો હોય છે અને વીક-ડેમાં મેચ હોવાથી મોડે સુધી જાગવું કઠિન છે. જોકે ટીમ ઇન્ડિયાને ચીયર અપ કરવા આ એક દિવસનું બલિદાન પણ અમે આપીશું.

ન્યૂઝિલેન્ડર્સ કહે છે, વી વિલ વિન!
સ્થાનિક ન્યૂઝિલેન્ડવાસીઓ પણ આજની મેચ અંગે ભારે ઉત્સાહિત છે. ઓકલેન્ડમાં વસતાં મેથ્યુ હોગ કહે છે કે, દાયકાઓથી ન્યૂઝિલેન્ડના ક્રિકેટચાહકો વર્લ્ડકપની રાહ જોઈને બેઠાં છે. ગ્લેન ટર્નર અને માર્ટિન ક્રોથી માંડીને હજુ હમણાં સુધી બ્રેન્ડન મેક્કુલમ સુધીની ન્યૂઝિલેન્ડની ટીમ વર્લ્ડકપ જીતવા એડીચોટીનું જોર અજમાવી ચૂકી છે. કમનસીબે તકદીર ફળ્યું નથી. પરંતુ આ વખતે કેન વિલિમ્સનની ટીમ ભારતને હરાવશે અને અમને વર્લ્ડકપ અપાવશે એવી અમને ખાતરી છે. તો શું ટીમ ઈન્ડિયા એટલી નબળી છે કે ન્યૂઝિલેન્ડ સામે હારી જાય? મેથ્યુ હોગ તરત નકારી દેતાં કહે છે કે, નોટ એટ ઓલ. ટીમ ઈન્ડિયા મારી દૃષ્ટિએ સૌથી વધુ સંતુલિત ટીમ છે. રોહિત, કોહલી અને ધોની, બુમરાહ જે ટીમમાં હોય તેને નબળી ન કહી શકાય. પરંતુ જેમ તમને તમારા વતનની ટીમ મજબૂત લાગે છે એમ અમને ય અમારા દેશ માટે દાઝ હોય ને?

બસ, આ સ્પિરિટ જ ક્રિકેટને એકમેક સાથે જોડતું રહેશે અને ત્યાં સુધી ગુજરાતીઓ પણ વિદેશમાં વસીને સૌના દિલ જીતતા રહેશે.

(લેખક કેતન જોશી ઓકલેન્ડ, ન્યૂઝિલેન્ડ ખાતે વસતાં ગુજરાતી પત્રકાર છે)

X
આ વર્ષે ટીમ ઈન્ડિયાની ન્યૂઝિલેન્ડ ટૂર વખતે પણ ત્યાં વસતાં ગુજરાતીઓએ વતનની ટીમને ચિઅર અપ કર્યું હતુંઆ વર્ષે ટીમ ઈન્ડિયાની ન્યૂઝિલેન્ડ ટૂર વખતે પણ ત્યાં વસતાં ગુજરાતીઓએ વતનની ટીમને ચિઅર અપ કર્યું હતું
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી