• Gujarati News
  • National
  • Tokyo Olympics 2021 Updates, Neeraj Chopra Wins Athletics Gold; Neeraj Chopra Interview Dainik Bhaskar

ભાસ્કર એક્સક્લૂઝિવ:ઓલિમ્પિક ગોલ્ડ મેડાલિસ્ટ નીરજ ચોપરાએ ફાઇનલની રણનીતિનો ઘટસ્ફોટ કર્યો, કોચે ગુરુમંત્ર આપ્યો- પહેલો થ્રો બેસ્ટ કરજે

2 વર્ષ પહેલાલેખક: રાજકિશોર
  • કૉપી લિંક

ભારતના 121 વર્ષના ઓલિમ્પિક ઈતિહાસમાં ફિલ્ડ એન્ડ ટ્રેક ઇવેન્ટમાં નીરજ ચોપરાએ ભાલાફેંકમાં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો છે. નીરજ હાલ ટોક્યોમાં છે અને આજે સાંજે ભારત પરત આવવા નીકળશે. ભાસ્કરને આપેલા એક્સક્લૂઝિવ ઈન્ટરવ્યુંમાં નીરજે કહ્યું હતું કે અત્યારે તેઓ પોતાની રમત પર જ ફોકસ કરવા માગે છે અને નવા રેકોર્ડ બનાવવાનો તેનો લક્ષ્યાંક છે.

વાંચો ગોલ્ડન બોયનો ઈન્ટરર્વ્યુ ..........

લોકો કહી રહ્યા છે કે તમારા પર બાયોપિક બનવી જોઈએ અને એમાં તમારે જ પોતાનો રોલ નિભાવવો જોઇએ, આ વિશે તમે શું વિચારી રહ્યા છો?
જ્યાં સુધી મારું કરિયર ચાલી રહ્યું છે, હું ઇચ્છું છું કે બાયોપિક ન બને. જ્યારે હું રમતગમતમાંથી નિવૃત્ત થઈ જાઉં એ પછી જ મારા જીવન પર ફિલ્મ બનાવવી જોઈએ, જેથી હું ત્યાં સુધી મારી રમત પર ધ્યાન કેન્દ્રિત કરી શકું. બીજી તરફ, નિવૃત્તિ બાદ આ ફિલ્મ બનશે ત્યારે એમાં થોડી વધુ નવીનતા મળશે.

જ્યારે ફાઇનલ ચાલી રહી હતી ત્યારે તમે શું વિચારી રહ્યા હતા? તમને ક્યારે લાગ્યું કે તમારું ગોલ્ડ પાક્કું થઈ ગયું છે?
જ્યારે ફાઇનલ ચાલી રહી હતી ત્યારે હું એક જ વાત વિચારી રહ્યો હતો કે મારે મારું બેસ્ટ આપવાનું છે. આ ગેમ ખૂબ જ ટેક્નિકલ છે, જેમાં જો થોડી પણ ગડબડ થાય તો થ્રોની દૂરી પર ઘણો ફરક પડે છે. હું મારો નેશનલ રેકોર્ડ ના તોડી શક્યો, પરંતુ ઓલિમ્પિકમાં ગોલ્ડ જીતવાની લાગણી કંઇક અલગ જ હોય છે. જ્યારે દરેક પાર્ટિસિપેન્ટ્સે પોતાનો છેલ્લો થ્રો કરી લીધો, ત્યારે મેં માન્યું કે હવે ગોલ્ડ જીતી લીધો છે.

ફાઇનલ માટે કોચ ડૉ. ક્લોસ બાર્ટોનિએટ્સે તમને શું કહ્યું હતું? શું ફાઇનલ પહેલાં પરિવાર તથા કોઈ બીજા સાથે વાતચીત થઈ હતી?
કોચ ક્લોસે ફાઇનલ પહેલાં કહ્યું હતું કે પ્રથમ થ્રોને શ્રેષ્ઠ રીતે ફેંકવાનો પ્રયાસ કરો. ક્વોલિફિકેશન રાઉન્ડમાં કરેલો એ રીતે. ફાઇનલ પહેલાં મેં કોઈની સાથે વધુ વાત કરી ન હતી. મેં ઘરમાં માત્ર મારા કાકા સાથે જ વાત કરી હતી અને તેમના સિવાય મારા સિનિયર જયવીર સાથે વાત કરી હતી. દરેકને મારી પર ભરોસો હતો કે હું સારું કરીશ. એવામાં મને એમ પણ લાગ્યું કે આજે મારી સાથે કંઈક સારું થવાનું છે.

તમારો આગળનો ટાર્ગેટ શું છે, ગોલ્ડથી આગળ શું?
હાલ તો હું ગોલ્ડની ખુશીને પરિવાર સાથે સેલિબ્રેટ કરવા માગું છું. આ વર્ષમાં કોઈ ઇવેન્ટ હશે અને સારી ટ્રેનિંગ થઇ તો જ હું એમાં ભાગ લઇશ, નહીં તો હું મારું બધું ફોકસ કોમનવેલ્થ ગેમ્સ, એશિયન ગેમ્સ અને વર્લ્ડ ચેમ્પિયનશિપની તૈયારી પર લગાવીશ.

ઓલિમ્પિક મેડલ મિલ્ખા સિંહને સમર્પિત કર્યો તો આ ખ્યાલ તમને કેવી રીતે આવ્યો, કોઈ ખાસ કારણ?
મેં મિલ્ખા સિંહના ઘણા વીડિયો જોયા છે, જેમાં મેં તેમને એવું કહેતા સાંભળ્યા છે કે આપણા દેશમાંથી કોઈ ઓલિમ્પિકમાં જાય અને ટ્રેક એન્ડ ફિલ્ડમાં દેશ માટે મેડલ લાવે. તેઓ કહેતા હતા કે કોઈ પોડિયમ ફિનિશ કરે અને રાષ્ટ્રગીતની ધૂન વાગે. હવે તેઓ નથી રહ્યા અને તેમની ઇચ્છા હતી કે દેશ માટે કોઈ મેડલ જીતે. તેથી મેં જીત્યા પછી નિર્ણય કર્યો કે ઓલિમ્પિક મેડલ તેમને સમર્પિત કરું. તેઓ સિનિયર ખેલાડી, જે ઓલિમ્પિકમાં મેડલની ખૂબ નજીક પહોંચ્યા પણ જીતી નહોતા શક્યા અને જેઓ હંમેશાં એવું ઇચ્છતા હતા કે દેશનો કોઇ ખેલાડી મેડલ જીતે, તો મારો આ મેડલ તે તમામ લોકોને સમર્પિત છે.

તમે વિદેશી કોચ સાથે ટ્રેનિંગ લીધી છે, તે બધાએ તમારા પ્રદર્શનમાં કેટલું યોગદાન આપ્યું છે?
મારા પ્રદર્શનમાં તમામ વિદેશી કોચનો મહત્ત્વનો ફાળો રહ્યો છે. દરેકની પોતાની તકનીકો અને લાક્ષણિકતાઓ હતી. મને બધા પાસેથી કંઈક શીખવા મળ્યું. હું 2019થી ક્લોસ બાર્ટોનિએટ્સ સાથે પ્રેકટિસ કરી રહ્યો છું. તેમની તકનીક તદ્દન અલગ છે. તેમણે સખત મહેનત કરાવી, જેને કારણે હું ગોલ્ડ જીતવામાં સફળ રહ્યો હતો.

અગાઉ 2018માં હોન સાથે કામ કર્યું હતું. તેમની તકનીક અલગ હતી અને તેમણે મારી તાકાત પર ઘણું કામ કર્યું. 2016માં ગેરી કલવાર્ટ સાથે પ્રેકટિસ કરી હતી. તેવામાં મને બધા વિદેશી કોચ પાસેથી કંઈક નવું શીખવા મળ્યું. તે બધાએ મારા તેજસ્વી પ્રદર્શનમાં ક્યાંક ને ક્યાંક ફાળો આપ્યો છે. હું બધાનો આભારી છું.

આપની માતાએ કહ્યું છે કે તમારા માટે ચૂરમો બનાવ્યો છે. ભારત પહોંચ્યા પછી તમારો શું પ્લાન છે?
ભારત પરત ફર્યા પછી ઘરે જઈશ અને થોડો સમય પરિવાર સાથે વિતાવીશ અને ઘરનું જમવાનું જમીશ.

તમારા મેડલ જીત્યા પછી તમારા સોશિયલ મીડિયા ફોલોઅર્સ વધી ગયા છે?
મારા ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતવા પર ફોલોઅર્સની સંખ્યા વધી ગઈ છે. જેમણે મારી ફાઈનલ મેચ જોઈ તે દરેક લોકો મને સોશિયલ મીડિયા પર ફોલો કરવા લાગ્યા છે.

અન્ય સમાચારો પણ છે...