46 વર્ષની જિમ્નાસ્ટ ઓક્સાના ચુસોવિટિના કારકિર્દીમાં 8 વખત ઓલિમ્પિક રમી છે, જે એક રેકોર્ડ છે. તે સૌથી વધુ ઓલિમ્પિક રમનારી જિમ્નાસ્ટ છે. ઓલિમ્પિકમાં તેણે એક ગોલ્ડ અને એક સિલ્વર જીત્યો છે. તે ત્રણ દેશ તરફથી રમી છે.
જોકે, આ વકતે ટોક્યોમાં તે ફાઈનલમાં પહોંચી શકી નથી. હવે તેણે ઓલિમ્પિક કારકિર્દીને વિરામ આપ્યો છે. સ્ટેડિયમમાં હાજર લોકોએ તેને સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યું. આ વખતે તે ઓલિમ્પિકમાં ઉઝબેકિસ્તાન તરફથી વોલ્ટ ઈવેન્ટમાં ઉતરી હતી. તેનો સ્કોર 14.166 રહ્યો.
ઓક્સાનાએ 1992માં પ્રથમ ઓલિમ્પિક રમી હતી. તે અમેરિકન જિમ્નાસ્ટ સિમોન બાઈલ્સના જન્મના 5 વર્ષ પહેલાથી મેદાનમાં હતી. એ સમયે સોવિયત યુનિયન તરફથી રમી હતી અને ગોલ્ડ જીતનારી ટીમમાં હતી.
સોવિયત યુનિયનની સાથે-સાથે તે ઉઝ્બેકિસ્તાન અને જર્મની તરફથી પણ રમી છે. દુનિયાની બે જ જિમ્નાસ્ટ ત્રણ દેશ તરફથી રમી છે. તેણે એક ઓલિમ્પિક મેડલ સોવિયત યુનિનય તરફથી અને 2008માં બીજો જર્મની માટે સિલ્વર જીત્યો હતો.
હવે પરિવાર સાથે રહેશે ઓક્સાના
ટોક્યો ઓલિમ્પિકમાં અલવિદા કર્યા પછી દિગ્ગજ એથ્લીટ ઓક્સાનાએ કહ્યું કે, મારો પુત્ર 22 વર્ષનો છે અને હવે હું તેની સાથે સમય પસાર કરવા માગું છું. હું સારી માતા અને પત્ની બનવા માગું છું. તેણે મજાક કરતા કહ્યું કે, કદાચ હું પેરિસમાં નહીં રમું અને પછી લોસ એન્જિલિસમાં તાળીઓ વગાડવા જઈશ. હું હવે 46 વર્ષની થઈ છું.
11 વર્લ્ડ મેડલ તેના નામે, હોલ ઓફ ફેમમાં સામેલ
ઓક્સાનાએ કારકિર્દી દરમિયાન 11 વર્લ્ડ મેડલ જીત્યા છે. તેણે પોતાની પાંચ સ્પેશિયલ સ્કિલ્સથી તમામને પ્રભાવિત કર્યા છે. જે રમતને યુવાનોની રમત મનાય છે, ત્યાં ઓક્સાનાએ પોતાની ઓળખ બનાવી છે. 2017માં ઓક્સાનાને ઈન્ટરનેશનલ જિમ્નાસ્ટિક હોલ ઓફ ફેમમાં સામેલ કરાઈ હતી. તેણે 2012માં ઓલિમ્પિકમાં સંન્યાસની જાહેરાત કરી હતી, પરંતુ રિયોમાં ફરી મેદાનમાં ઉતરી હતી.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.