સ્પેનના સુપરસ્ટાર ટેનિસ ખેલાડી રાફેલ નડાલ તેના 36માં જન્મદિવસે ફ્રેન્ચ ઓપન ટેનિસ ટૂર્નામેન્ટની ફાઇનલમાં પહોંચી ગયો છે. સેમિફાઇનલમાં તેની ટક્કર જર્મનીના એલેક્ઝેન્ડર ઝ્વેરેવ સામે હતી. આ દરમિયાન ઝ્વેરેવ બીજા સેટમાં ઈજાગ્રસ્ત થયો હતો અને તેના કારણે નડાલને ફાઇનલમાં પ્રવેશ મળ્યો હતો. નડાલ તે સમયે 7-6, 6-6થી આગળ હતો.
નડાલ તેની કારકિર્દીમાં 14મી વખત ફ્રેન્ચ ઓપનની ફાઇનલમાં પહોંચ્યો છે. અગાઉ 13 વખત તે ફાઇનલમાં પહોંચ્યો હતો અને દરેક વખતે તે ચેમ્પિયન બનવામાં સફળ રહ્યો હતો.
ઝવેરેવ ચાલી પણ નહોતો શકતો
નડાલે મેચનો પહેલો સેટ ટાઈબ્રેકરમાં જીતી લીધો હતો. જેના બીજા સેટમાં પણ 6-6ની બરાબરી પછી ટાઈબ્રેકરમાં તે ગયો હતો. અહીં જ ઝ્વેરેવ શોટ રમવાનો પ્રયાસ કરતી વખતે પડી ગયો અને તેના પગની ઘૂંટીમાં ઈજા પહોંચી હતી. તેમને વ્હીલ ચેર પર કોર્ટની બહાર લઈ જવામાં આવ્યો હતો. થોડીવાર પછી તે ક્રેચના સહારે પાછો આવ્યો. તે પછી તે સ્પષ્ટ થઈ ગયું કે ઝવેરેવ આગળ રમી શકશે નહીં. તેણે દર્શકોને અલવિદા કહ્યું અને આ સાથે જ નડાલને વિજેતા જાહેર કરવામાં આવ્યો.
મેન્સ સિંગલ્સની ફાઇનલની બીજી સેમિફાઇનલ મારિન સિલિક અને કૈસર રુડ વચ્ચે રમાશે, નડાલ રવિવારની ફાઇનલમાં આ જ મેચના વિજેતા સાથે રમશે.
નડાલની કારકિર્દીની 30મી ગ્રાન્ડ સ્લેમ ફાઈનલ
રાફેલ નડાલ તેની 19 વર્ષની કારકિર્દીમાં 30મી વખત કોઈ ગ્રાન્ડ સ્લેમની ફાઇનલમાં પહોંચ્યો છે. તેના નામે 21 ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ છે જે વિશ્વના કોઈપણ ખેલાડી કરતા વધુ છે. ટેનિસમાં ઓસ્ટ્રેલિયન ઓપન, ફ્રેન્ચ ઓપન, વિમ્બલ્ડન અને યુએસ ઓપનને ગ્રાન્ડ સ્લેમ ટૂર્નામેન્ટ કહેવામાં આવે છે. રોજર ફેડરર અને નોવાક જોકોવિચ અત્યાર સુધીમાં 20-20 ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ જીતી ચૂક્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.