ભારતીય કુશ્તી મહાસંઘ(WFI)ના અધ્યક્ષ બ્રિજભૂષણ શરણ સિંહ વિરૂદ્ધ લગાવવામાં આવેલા આરોપ પર ભારતીય ઓલિમ્પિક સંઘ(IOA)એ એક તપાસ ટીમની રચના કરી છે. IOAની સાત સભ્યોની તપાસ કમિટીના સૌથી મહત્ત્વના સભ્ય પહેલવાન યોગેશ્વર દત્ત છે. આનું મહત્ત્વનું છે કેમકે, યોગેશ્વર આ તપાસ કમિટીમાં એકમાત્ર હરિયાણાના મેમ્બર છે. આરોપ લગાવનાર રેસલર પણ હરિયાણાના જ છે. ત્યારે યોગેશ્વર પોતે પણ રેસલર છે.
સંપૂર્ણ તપાસને લઈ ભાસ્કરે યોગેશ્વર દત્ત સાથે વિગતવાર વાતચીત કરી હતી. જેમાં તેઓએ જોર આપીને કહ્યું હતું કે, રેસલર્સે આ મામલે પોલીસને ફરિયાદ કરીને FIR નોંધાવી જોઈએ. તેઓ એ પણ બોલ્યા કે, જો બહેન-પુત્રીની જાતીય સતામણી થઈ છે તો કોર્ટ તેની સજા આપશે, આખો દેશ પણ એ જ ઈચ્છે છે.
કમિટી ક્યારથી તપાસ શરૂ કરશે, તપાસ કેવી રીતે થશે?
તપાસ આજથી જ શરૂ થઈ જશે. કાલે ખેલાડીઓના કેન્દ્રીય રમતગમત મંત્રી સાથે વાતચીતમાં ઘણો સમય લાગી ગયો હતો. આજે ખેલાડીઓનો સંપર્ક કરવામાં આવશે. જેમ તેઓ ઈચ્છશે, તપાસને એવી રીતે જ શરૂ કરવામાં આવશે. ખેલાડીઓને પૂછવામાં આવશે કે તેઓ ઓનલાઈન વાતચીત કરશે કે ઓફલાઈન વાત કરશે.
શું તપાસ ટાઈમ બાઉન્ડ છે?
જોકે કોઈ ટાઈમ બાઉન્ડ નથી, પરંતુ શુક્રવારે અધ્યક્ષ PT ઉષા સાથે થયેલી વાતચીતમાં તેમણે એ જ વાત કરી હતી કે, ઓછામાં ઓછા સમયમાં આ તપાસ તથ્યો સાથે પૂર્ણ કરવી છે. આમાં લાંબો સમય નહિ લાગે.
શું તપાસ માટે કમિટી પણ 4 સપ્તાહનો સમય લઈને ચાલી રહી છે?
ના, તે રમતગમત મંત્રી તરફથી નક્કી કરાયેલો કમિટી માટેનો સમય છે. IOAની કમિટી અલગ છે. અમારી તપાસ કમિટીના અધ્યક્ષ મેરી કોમને બનાવવામાં આવ્યા છે. અમે તપાસનો રિપોર્ટ તેમને સોંપીશું. તે આ રિપોર્ટ IOA અધ્યક્ષ PT ઉષાને સોંપશે. ત્યારબાદ રિપોર્ટ રમતગમત મંત્રાલય અને PMOને સોંપવામાં આવશે.
કમિટી બન્યા બાદ સભ્યોની મીટિંગ થઈ છે?
શુક્રવારે બે કલાક સુધી ઓનલાઈન મીટિંગ થઈ હતી. જેમાં IOAના તમામ અધિકારીઓ હાજર હતા. તેમાં કહેવામાં આવ્યું હતું કે, સેક્સુઅલ હેરેસમેન્ટના આરોપ ઘણા ગંભીર છે. મોટી વાત તો એ છે કે, IOAની બોડી આશરે બે મહિના અગાઉ જ બની છે અને તેમની પાસે આ તપાસનો પહેલો જ કેસ ઘણો ગંભીર આવ્યો છે.
તમે પણ એક ખેલાડી રહ્યા છો, શું તમને લાગે છે કે ખેલાડીઓ સાથે આ પ્રકારની શારીરિક અને માનસિક સતામણી થતી હશે?
કોઈ પણ સંઘ હોય, કોઈ પણ ખેલાડી હોય. ક્યાંકને ક્યાંક ખેલાડીઓને કોઈને કોઈ સમસ્યાઓ તો રહેતી જ હોય છે. માણસ તો ભગવાનથી પણ ખુશ નથી. પરંતુ, સેક્સુઅલ હેરેસમેન્ટના આરોપ ઘણા ગંભીર છે. જેથી આ કેસની તપાસ નિષ્પક્ષ તરીકે થવી જોઈએ.
હું રેસલર તરીકે આ ખેલાડીઓને એ જ કહીશ કે, જો તમે મેદાનમાં આવ્યા છો, તો FIR દાખલ કરાવો. કેમકે તપાસનું કામ પોલીસનું હોય છે, સજા તથા નિર્ણય કોર્ટ સંભળાવે છે. વારંવાર આપણે એક જ આરોપ લગાવીશું તો તે વસ્તુઓ હળવી થઈ જશે.
તો શું આ ખેલાડીઓએ પોલીસની મદદ લેવી જોઈએ?
જરૂરથી લેવી જોઈએ, કેમકે આવી રીતે તો કોઈ પણ કોઈની ઉપર દોષ મૂકી દેશે. થોડાક સમય બાદ લોકો આને પલ્બિસિટી સ્ટન્ટ કહેવા લાગે છે.
તમને સૂચના કેવી રીતે મળી કે તમે તપાસ કમિટીના સભ્ય છો?
હું IOAનો એગ્ઝીક્યૂટિવ મેમ્બર છું. બધાએ કહ્યું કે, તમે કુશ્તીના ખેલાડી છો, એટલે તમે આ બધા તથ્યોને ઘણી નજીકથી જાણો અને સમજો છો. બની શકે છે કે તમને કોઈ વધુ વાતો જાણવા મળી શકે છે.
તમારી અને વિનેશ ફોગટ વચ્ચે શુક્રવારે થયેલી ચર્ચાના કારણે કહેવામાં આવી રહ્યું છે કે, તમે કમિટીના મેમ્બર છો, તેથી તપાસ પ્રભાવિત ન થાય. નિષ્પક્ષ તપાસ થાય, તેની માટે શું પ્રયાસ કરશો?
હું તો કહી જ રહ્યો છું કે, આ મામલે પોલીસ ફરિયાદ કરવી જોઈએ. હું બજરંગ બલી હનુમાન તો છું નહિ કે છાતી ફાડીને બતાવી દઉં. એ ખેલાડીઓથી વધુ તો હું તેમની માટે ઉભો છું. કેમકે વાત અધ્યક્ષના રાજીનામાંની નથી. વાત બહેન-પુત્રીની સતામણીની થઈ રહી છે તો કાર્યવાહી થવી જ જોઈએ. કોર્ટ સજા આપે. હું જ નહિ, પરંતુ આખો દેશ એ જ માગે છે.
જણાવી દઈએ કે, દિલ્હીમાં ધરણા દરમિયાન રેસલર વિનેશ ફોગટે યોગેશ્વર દત્ત પર આરોપ લગાવ્યા હતા કે, તે ફેડરેશનના ખોળામાં જઈને બેસી ગયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.