ભારતીય ટેનિસસ્ટાર સાનિયા મિર્ઝાએ પોતાના ટેનિસ કરિયરમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી છે. સાનિયાએ આ નિર્ણય પોતાની ઈજાને લઈને કર્યો છે. તેણે કહ્યું હતું કે તેઓ આવતા મહિને દુબઈ ટેનિસ ચેમ્પિયનશિપમાં રમશે, જે આ જ વર્ષે 19 ફેબ્રુઆરીથી શરૂ થવા જઈ રહી છે.
પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિક સાથે છૂટાછેડાની ખબરો વચ્ચે ભારતીય ટેનિસસ્ટાર સાનિયા મિર્ઝાએ એક એલાન કર્યું છે. એને કારણે તેમના ફેન્સ હતાશ પણ છે. તેણે ટેનિસને અલવિદા કરવાની જાહેરાત કરી છે. આવતા મહિને દુબઈમાં રમાનારી ટેસ્ટ ચેમ્પિયનશિપ તેમના કરિયરની અંતિમ ટૂર્નામેન્ટ હશે. એ એક WTA 1000 ઈવેન્ટ હશે. સાનિયા પોતાના ફેન્સને આ જ ટૂર્નામેન્ટમાં અંતિમ વખત રમતી જોવા મળશે.
વાસ્તવમાં સાનિયા મિર્ઝાએ ગયા વર્ષે યુએસ ઓપન પછી પ્રોફેશનલ ટેનિસને અલવિદા કહેવાનો નિર્ણય કર્યો હતો, પરંતુ તે ઈજાને કારણે ટૂર્નામેન્ટમાં રમી શકી ન હતી. ત્યાર બાદ તેણે નિવૃત્તિનો નિર્ણય બદલી નાખ્યો હતો. સાનિયા મિર્ઝાની ટેનિસ કારકિર્દી શાનદાર રહી છે. આ ખેલાડીએ ટેનિસ કોર્ટ પર ઘણા ખિતાબ જીત્યા છે.
ગયા વર્ષે જ નિવૃત્તિનો પ્લાન બનાવ્યો હતો
સાનિયાએ wtatennis.comને કહ્યું, મેં ગયા વર્ષે જ WTA ફાઈનલ્સ પછી સંન્યાસનો પ્લાન બનાવ્યો હતો, પરંતુ રાઈટ એલ્બોની ઈજાને કારણે યુએસ ઓપન અને બાકીની ટૂર્નામેન્ટમાંથી નામ પરત લેવું પડ્યું હતું. હું મારી શરતો પર જીવનારી વ્યક્તિ છું. આ જ કારણે ઈજાને કારણે બહાર થવા નથી માગતી અને હજુ પણ ટ્રેનિંગ લઈ રહી છું. આ જ કારણ છે કે દુબઈ ટેસ્ટ ચેમ્પિયનશિપ પછી નિવૃત્ત થવાનો વિચાર છે.'
આવું રહ્યું છે ભારતીય ટેનિસ સ્ટારનું કરિયર
સાનિયા મિર્ઝાના કરિયરની વાત કરીએ તો... આ ભારતીય ટેનિસસ્ટારે તેના પ્રોફેશનલ કરિયરમાં 6 મોટી ચેમ્પિયનશિપ જીતી હતી. સાનિયા મિર્ઝાએ 3 વખત ડબલ્સ અને 3 વખત મિક્સ ડબલ્સનો ખિતાબ જીત્યો છે. આ મહિને સાનિયા મિર્ઝા ઓસ્ટ્રેલિયન ઓપનમાં તેની કઝાકિસ્તાન પાર્ટનર અન્ના ડેનિલિયા સાથે કોર્ટ પર ઊતરશે. ઉલ્લેખનીય છે કે સાનિયા છેલ્લાં લગભગ 10 વર્ષથી દુબઈમાં રહે છે. દુબઈમાં સાનિયા મિર્ઝાની ઘણી ફેન ફોલોઈંગ છે. આ રીતે સાનિયા મિર્ઝા તેના ચાહકોની વચ્ચે તેની ટેનિસ કારકિર્દીને અલવિદા કહી દેશે.
સાનિયા મિર્ઝાએ ઈન્સ્ટાગ્રામ પર કહી આ વાત...
ઉલ્લેખનીય છે કે સાનિયા મિર્ઝા અને પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિકના છૂટાછેડાના સમાચાર ઘણા ચર્ચામાં રહ્યા હતા. આ સિવાય સાનિયાએ ભૂતકાળમાં તેમના ઇન્સ્ટાગ્રામ પર તેમના પુત્ર ઇઝાન સાથેના ફોટા શેર કર્યા છે અને લોકોને નવા વર્ષ 2023ની શુભકામનાઓ પણ પાઠવી છે. તેણે આ ફોટોની કેપ્શનમાં લખ્યું છે કે મારી પાસે આ વર્ષ 2022 માટે કોઈ મોટી કે ડીપ કેપ્શન નથી. જોકે મારી પાસે કેટલીક સુંદર સેલ્ફી છે, તમે બધાને નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આ વર્ષ 2022 મારા માટે બહુ સારું રહ્યું નથી, પણ અંતે બધું સારું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.