ભારતીય મહિલા રેસલર વિનેશ ફોગાટ ટોક્યો ઓલિમ્પિકની શરૂઆત પહેલા ગોલ્ડ મેડલની દાવેદાર હતી. પરંતુ, તેનું પ્રદર્શન સારું રહ્યું ન હોવાથી તે બ્રોન્ઝ મેડલ પણ જીતી શકી નહોતી. તેની મુશ્કેલીઓ અહીં સમાપ્ત થઈ નથી. રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)એ વિનેશને શિસ્તભંગ માટે અસ્થાયી ધોરણે સસ્પેન્ડ કરી દીધી છે અને તેણીને પોતાનો કેસ રજૂ કરવા માટે 16 ઓગસ્ટ સુધીનો સમય આપ્યો છે. વિનેશની સાથે અન્ય મહિલા રેસલર સોનમ મલિકને પણ કારણ દર્શક નોટિસ ફટકારવામાં આવી છે. તેવામાં વિનેશે હવે આ મુદ્દે પોતાનું મૌન તોડ્યું છે.
હું સંપૂર્ણપણે એકલી પડી ગઈ છું
ઈન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરતા વિનેશે કહ્યું હતું કે મેડલ હારી ગઈ હોવાથી લોકોએ મને તિરસ્કૃત કરી હોય એમ લાગે છે. અત્યારે મારા મનમાં બે પ્રકારના વિચારો ચાલી રહ્યા છે. એક વિચાર કહે છે કે મારે હવે રેસલિંગથી દૂર થઈ જઉં જોઈએ, જ્યારે બીજો વિચાર એમ કહે છે કે લડત આપ્યા વિના દૂર રહેવું મારી સૌથી મોટી હાર હશે. તેણે આગળ કહ્યું હતું કે, મને 'એમ લાગે છે કે હું સપનામાં છું. છેલ્લા એક સપ્તાહથી મારી અંદર ઘણું બધું ચાલી રહ્યું છે. હું સંપૂર્ણપણે એકલી થઈ ગઈ હોવું એમ લાગે છે.
કુસ્તી સંઘે વળતો જવાબ આપ્યો
વિનેશે WFIના આરોપો પર પણ વળતો પ્રહાર કર્યો હતો. યુનિયને કહ્યું હતું કે વિનેશે તેના સાથી રેસલર્સ સાથે રહેવાની અને તાલીમ લેવાની ના પાડી દીધી હતી. આ અંગે ફોગટે કહ્યું, 'ભારતીય ખેલાડીઓનું સતત કોરોના ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું અને મારું ટેસ્ટિંગ નહોતું થયું. જેના કારણે હું માત્ર મારા સાથી ખેલાડીને સુરક્ષિત રાખવા માંગતી હતી. ત્યારપછી મેં સીમા સાથે તાલીમ પણ લીધી, તો તેણે કેવી રીતે આરોપ લગાવ્યો કે હું ટીમ સાથે રહેવા માંગતી નથી?
મેચ પહેલા મારી તબિયત સારી નહોતી
વિનેશે ઘટસ્ફોટ કર્યો હતો કે મેચના એક દિવસ પહેલા તેણે કંઇ ખાધું ન હતું અને તેને સતત ઉલટી થઇ રહી હતી. તેણીએ કહ્યું, "બીજી મેચમાં મને ખબર હતી કે હું હારી રહી છું, પણ હું કંઇ કરી શકું એવી અવસ્થામાં નહોતી. મારું મનોબળ પણ તૂટી ગયું હતું.
ખબર નથી કે હું ક્યારે વાપસી કરીશ
વિનેશે કહ્યું હતું કે ટોકિયોથી પરત આવ્યા બાદ હું માત્ર એક જ વાર સૂઈ શકી છું. તેણીએ કહ્યું, 'મને ખબર નથી કે હું ક્યારે બાઉન્સ બેક કરીશ. રિયો ઓલિમ્પિક્સમાં મારા પગમાં ઈન્જરી થઈ હતી. જેથી મને લાગે છે કે એ સમયે ઈન્જર્ડ લેગ જ બરાબર હતો. કારણ કે અત્યારે તો હું પુરે પુરી તૂટી ગઈ છું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.