બે વખતની ઓસ્ટ્રેલિયન ઓપન ચેમ્પિયન નાઓમી ઓસાકા અને વિનસ વિલિયમ્સ ઈજાના કારણે આ વર્ષની ઓસ્ટ્રેલિયન ઓપનમાંથી ખસી ગઈ છે. વર્ષની પ્રથમ ગ્રાન્ડ સ્લેમ ઓસ્ટ્રેલિયા ઓપન 16થી 29 જાન્યુઆરી દરમિયાન રમાશે. ઓસાકાએ 2019 અને 2021 ઓસ્ટ્રેલિયન ઓપનનો ખિતાબ જીત્યો છે. ઓસાકા ગયા વર્ષે ઓસ્ટ્રેલિયન ઓપનમાં ત્રીજા રાઉન્ડમાં અપસેટનો શિકાર બની હતી. તેને અમેરિકાની અમાન્ડા અનિસિમોવા સામે 4-6, 6-3, 7-6(5)થી હારનો સામનો કરવો પડ્યો હતો. ઓસાકાના ખસી ગયા પછી યુક્રેનની ડાયના યાસ્ટ્રેમ્સ્કા મુખ્ય ડ્રોમાં પહોંચી ગઈ છે.
વિલિયમ્સે 7 ગ્રાન્ડ સ્લેમ જીત્યા છે
42 વર્ષીય વિલિયમ્સ એક સપ્તાહ પહેલા ઓકલેન્ડમાં રમાયેલી મેચમાં ઈજાગ્રસ્ત થઈ હતી. તેને ઓસ્ટ્રેલિયન ઓપનમાં વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી મળી હતી. વિલિયમ્સે વુમન્સમાં 7 ગ્રાન્ડ સ્લેમ જીત્યા છે. તેણે 2001, 2003, 2009 અને 2010માં વિમ્બલ્ડનનો ખિતાબ જીત્યો હતો. જ્યારે 2000 અને 2001માં તેણે યુએસ ઓપનનો ખિતાબ જીત્યો હતો. જો કે તે હજુ સુધી ઓસ્ટ્રેલિયન ઓપન ટાઇટલ જીતી શકી નથી. તે 2003 અને 2017માં બે વખત ઓસ્ટ્રેલિયન ઓપનની ફાઈનલમાં પહોંચી હતી.
વિશ્વના નંબર 1 ટેનિસ ખેલાડી કાર્લોસ અલ્કારાઝે પણ પોતાનું નામ પાછું ખેંચી લીધું છે
વિશ્વના નંબર-1 ટેનિસ ખેલાડી કાર્લોસ અલ્કારાઝે પણ ઓસ્ટ્રેલિયન ઓપનમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. 19 વર્ષની ઉંમરે, અલ્કારાઝ વિશ્વના નંબર વન સ્થાને પહોંચનાર સૌથી યુવા ટેનિસ ખેલાડી છે. અલ્કારાઝે શુક્રવારે કહ્યું હતું કે 'ઓફ-સીઝન તાલીમ દરમિયાન, મારા જમણા પગમાં સ્નાયુ ખેંચાય ગયા હતા. મેં ઓસ્ટ્રેલિયા ઓપન માટે તૈયારી કરી હતી. પેટની ઈજાને કારણે હું પહેલા એટીપી ફાઈનલ અને પછી ડેવિસ કપ ચૂકી ગયો હતો. હું ઓસ્ટ્રેલિયા ઓપનમાંથી નવા વર્ષમાં કમબેક કરવા માગતો હતો. હું તાલીમમાં વધુ સારું કરી રહ્યો હતો. કમનસીબે, મારા પગમાં ઈજા થઈ છે, જેના કારણે હું વર્ષની પ્રથમ ઈવેન્ટ ચૂકીશ.'
કાર્લોસ અલ્કારાઝે ગયા વર્ષે તેનું પ્રથમ ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીત્યું હતું. તેણે યુએસ ઓપનની ફાઈનલમાં જગ્યા બનાવી હતી.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.