તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Sports
  • Throwing A Chair At A Teacher In Childhood, Today A Course At The Uni. Named After Ronaldo

પીપલ ભાસ્કર-ચર્ચામાં ક્રિસ્ટિયાનો રોનાલ્ડો:બાળપણમાં ટીચર પર ખુરશી ફેંકી, આજે રોનાલ્ડોના નામ પર યુનિ.માં કોર્સ

નવી દિલ્હી22 દિવસ પહેલા
  • કૉપી લિંક

જન્મ- 5 ફેબ્રુઆરી 1985
શિક્ષણ- માત્ર પ્રાથમિક શિક્ષણ સુધી
પરિવાર- પત્ની જ્યોર્જિના રોડ્રિગ્સ, 4 સંતાન
એક વર્ષની કમાણી :
876 કરોડ રૂપિયા
ફોર્બ્સના હાઇએસ્ટ પેઇડ એથ્લીટ અર્નિંગ 2021 લિસ્ટમાં ચોથા સ્થાને.

પાંચ વખત ફીફા પ્લેયર ઑફ ધ યર રહી ચૂકેલો ક્રિસ્ટિયાનો રોનાલ્ડો ફરી ચર્ચામાં છે. પોર્ટુગલનો ફૂટબોલર રોનાલ્ડો આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાં સૌથી વધુ ગોલ કરનારો ખેલાડી બની ગયો છે. 36 વર્ષના રોનાલ્ડોએ આયરલેન્ડ સામેની વર્લ્ડકપ ક્વોલિફાયર મેચમાં આ સિદ્ધિ મેળવી. આં.રા. ફૂટબોલમાં હવે તેના 111 ગોલ છે. તેણે ઇરાનના પૂર્વ ફૂટબોલર અલી ડેઇને પાછળ છોડ્યો. જાણીતા જર્મન સાઇકોલોજિસ્ટ એરિક એરિક્સન કહે છે કે રોનાલ્ડો પહેલા દિવસથી જ મેચવિનર સ્ટાર પ્લેયર રહ્યો છે. તે સ્વાભાવિક લીડર છે. જોકે, રોનાલ્ડોનું બાળપણ ખૂબ વિષમ પરિસ્થિતિઓમાં વીત્યું. બહુ ગરીબ પરિવારમાં જન્મેલા રોનાલ્ડોએ કોઇ પણ પ્રકારનું ઔપચારિક શિક્ષણ નથી લીધું. તે પોર્ટુગલના મેડ્રિયામાં ફુંચાલ ખાતે જન્મ્યો હતો. તેના પિતા સ્થાનિક ફૂટબોલ ક્લબમાં માળી હતા અને માતા કૂક હતી. 14 વર્ષની ઉંમરે રોનાલ્ડોએ તેની સ્કૂલ ટીચર પર ખુરશી ફેંકી હતી, જે બદલ તેને સ્કૂલમાંથી કાઢી મુકાયો હતો. તેને બાળપણથી જ ફૂટબોલનો એવો ક્રેઝ હતો કે તે જમ્યા વિના રહી શકતો પણ ફૂટબોલ રમ્યા વિના નહીં. ઘરની બારીમાંથી કૂદીને ફૂટબોલ રમવા ભાગી જતો. તેણે 8 વર્ષની ઉંમરે એનડોરિન્હા ક્લબ તરફથી રમવાનું શરૂ કર્યું હતું. રોનાલ્ડો ‘ક્રાય બેબી’ તરીકે ઓળખાતો, કેમ કે તે ગોલ મિસ કરે તો રડવા માંડતો હતો. તે ‘એબલહિના’ તરીકે પણ ઓળખાતો, જેનો અર્થ થાય છે- લિટલ બી. રોનાલ્ડો નાનો હતો પણ ખૂબ સ્ફૂર્તિલો અને તેજ. તેથી લોકો તેને લિટલ બી કહેતા.

5 વખત ફિફા પ્લેયર ઑફ ધ યર
રોનાલ્ડો પાંચ વખત ફીફા પ્લેયર ઑફ ધ યર રહી ચૂક્યો છે. 2020માં એક્ટિવ ટીમ સ્પોર્ટ એથલીટ તરીકે 100 કરોડ ડોલરની કમાણી કરનારો પહેલો ખેલાડી બન્યો.

હાર્ટની બીમારી હતી, સર્જરીના 3 જ દિવસ બાદ ટ્રેનિંગ ચાલુ કરી
રોનાલ્ડોને 15 વર્ષની ઉંમરે હૃદયની બીમારી ‘રેસિંગ હાર્ટ’ વિશે ખબર પડી. આ એવી સ્થિતિ છે કે જ્યારે આરામની સ્થિતિમાં પણ હૃદય સામાન્યથી વધુ ઝડપથી ધબકે છે. આ દરમિયાન તેની લેસર સર્જરી કરાઇ. થોડા કલાકો બાદ તેને હોસ્પિટલમાંથી રજા મળી ગઇ. સર્જરીના 2-3 દિવસમાં જ તેણે ફરી ટ્રેનિંગ પણ શરૂ કરી દીધી હતી.

રોનાલ્ડો ક્યારેય નશો નથી કરતો, શરીર પર ટેટૂ પણ નથી કરાવ્યું
રોનાલ્ડો ચેરિટી સાથે પણ જોડાયેલો છે. તે વર્ષમાં બે વખત બ્લડ ડોનેટ કરે છે. આ જ કારણથી તે ક્યારેય નશો નથી કરતો અને તેણે શરીર પર ટેટૂ પણ નથી કરાવ્યું. રોનાલ્ડો વિશે એક સોશિયોલોજી કોર્સ પણ શરૂ થયો છે, જેમાં રોનાલ્ડોને એક વિષય તરીકે ભણાવાશે. કોર્સનું નામ છે, ‘કોમોડિફિકેશન ઑફ ક્રિસ્ટિયાનો રોનાલ્ડો’.

વિશ્વમાં સૌથી વધુ ફોલોઅર્સ
રોનાલ્ડો માત્ર ફૂટબોલમાં જ નહીં, લોકપ્રિયતાના મેદાનમાં પણ સૌથી આગળ છે. આ વર્ષે ફેબ્રુઆરીમાં સોશિયલ મીડિયા પર તેના કુલ ફોલોઅર્સની સંખ્યા 50 કરોડે પહોંચી હતી. આ સિદ્ધિ મેળવનાર તે વિશ્વની પહેલી વ્યક્તિ છે. ટ્વિટર પર તેને 9.40 કરોડ, ફેસબુક પર 14.90 કરોડ અને ઇન્સ્ટા પર 33.70 કરોડ યુઝર્સ ફોલો કરે છે. એક સ્ટડી મુજબ ઇન્સ્ટાના કુલ યુઝર્સ પૈકી 15% યુઝર્સ રોનાલ્ડોને ફોલો કરે છે.

જીવનનો ટર્નિંગ પોઇન્ટ
6 ઓગસ્ટ, 2003 રોનાલ્ડોના જીવનમાં સૌથી મોટી તક લઇને આવી. તે સ્પોર્ટિંગ સીપી તરફથી રમતો હતો. તે દિવસે સ્પોર્ટિંગ સીપીના નવા સ્ટેડિયમની ઓપનિંગ મેચ હતી. સામે માન્ચેસ્ટર યુનાઇટેડની ટીમ હતી. સીપીએ આ મેચમાં માન્ચેસ્ટરને 3-1થી હરાવી હતી. માન્ચેસ્ટરના ખેલાડીઓ રોનાલ્ડોની તીવ્રતા અને સ્કિલ્સથી અત્યંત પ્રભાવિત થયા. ક્લબે રોનાલ્ડોને માન્ચેસ્ટર યુનાઇટેડ સાથે જોડવા મેનેજર એલેક્સ ફર્ગ્યૂસનને આગ્રહ કર્યો. આ એ પળ હતી કે જ્યારે રોનાલ્ડો પાસે લિવરપૂલ, બાર્સેલોના અને આર્સેનલની ઓફર્સ પણ હતી. રોનાલ્ડોએ માન્ચેસ્ટર યુનાઇટેડ પસંદ કરી. પ્રીમિયમ ક્લબમાં ટ્રાન્સફર ફી તરીકે અંદાજે 118.3 કરોડ રૂ.ની રકમ અપાઇ હતી. ત્યારે કોઇ ટીનએજ ફૂટબોલરને મળેલી આ ત્યાર સુધીની મહત્તમ રકમ હતી.

અન્ય સમાચારો પણ છે...