વર્લ્ડ નંબર 16 ત્રેસા જોલી અને ગાયત્રી ગોપીચંદ પુલેલાની જોડી સતત બીજા વર્ષે ઓલ ઇંગ્લેન્ડ ઓપન ચેમ્પિયનશિપ મહિલા ડબલ્સ ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગઈ છે. 20 વર્ષિય ગાયત્રી અને 19 વર્ષિય ત્રેસાએ 16 માર્ચ એટલે કે ગુરુવારે બર્મિંગહામમાં પૂર્વ વિશ્વ નંબર 1 અને પૂર્વ ઓલ ઇંગ્લેન્ડ ચેમ્યિયન જાપાનની યુકી ફુકુશિમા અને સયાકા હિરોટાને સીધા સેટમાં હરાવ્યા.
ભારતની યુવા ડબલ્સ જોડીએ બર્મિંગહામમાં બીજા રાઉન્ડના મુકાબલામાં જાપાની ફુકુશિમા અને હિરોટાની જોડીને 21-14, 24-22થી હરાવ્યા. 50 મિનિટ ચાલેલા મુકાબલામાં ભારતનો શરૂઆતથી જ દબદબો રહ્યો હતો. ત્રેસા અને ગાયત્રીની જોડી ગયા વર્ષે સેમિફાઈનલમાં પહોંચી હતી, જ્યાં તેમને ચીનના ઝાંગ શિક્સિઆન અને ઝેન યુ સામે હારીને બહાર થવું પડ્યું હતું.
મેન્સ ડબલ્સમાં સાત્વિક-ચિરાગની જોડી હારી
ચેમ્પિયનશિપના પ્રથમ રાઉન્ડમાં સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની સ્ટાર ભારતીય જોડીને હારનો સામનો કરવો પડ્યો હતો. આ સ્ટાર જોડીને ચીનના લિયાંગ વેઈ કેંગ અને વાંગ ચાંગે 21-10, 17-21, 19-21થી હાર આપી હતી. ગયા વર્ષે બંને ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યા હતા. આ વર્ષની શરૂઆત બંને માટે સારી રહી નથી. ઈન્ડિયા ઓપનમાં સાત્વિક રાનિકરેડ્ડીને હિપમાં ઈજા થઈ હતી. જેના કારણે આ જોડી આઉટ થઈ ગઈ હતી. આ પછી બંનેએ ઈન્ડોનેશિયા માસ્ટર્સમાં ભાગ લીધો ન હતો.
પ્રથમ રાઉન્ડમાં 7મા રેન્કની જોડી કિતિથારાકુલ અને પ્રજોંગજાઈને હરાવ્યા
ચેમ્પિયનશિપના પ્રથમ રાઉન્ડમાં ભારતીય મહિલા જોડીએ મોટો અપસેટ કર્યું હતું. પહેલા રાઉન્ડમાં જોલી અને ગાયત્રીએ 7મા રેન્કની જોડી જોંગકોલફાન કિતિથારાકુલ અને રાવિંડા પ્રજોંગજાઈને માત આપી હતી. તેમણે કિતિથારાકુલ અને પ્રજોંગજાઈને 21-18, 21-14થી હરાવ્યા.
ભારત 22 વર્ષથી ખિતાબની રાહ જોઈ રહ્યું છે
ભારતની તરફથી આ ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી 2 વખત જ ભારતીય ખેલાડી જીત્યા છે. ભારત 22 વર્ષથી ખિતાબની રાહ જોઈ રહ્યું છે. છેલ્લે 2001માં ફુલેલા ગોપીચંદે આ ખિતાબ જીત્યો હતો. ગોપીચંદ પહેલા પ્રકાશ પાદુકોણે વર્ષ 1980માં પહેલી વખત જીત્યો હતો. જોકે પીવી સિંધુ વર્ષ 2015 અને લક્ષ્ય સેન વર્ષ 2022માં ટુર્નામેન્ટની ફાઈનલ સુધી પહોંચ્યા હતા, પરંતુ જીતી શક્યા નહતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.