શું હાર્દિક પંડયાને રિટેન નહીં કરે મુંબઈ ઈન્ડિયન્સ:બુમરાહ, રોહિત અને પોલાર્ડને ટીમમાં રાખવા માગે છે 5 વખતની IPL ચેમ્પિયન ટીમ

મુંબઈએક મહિનો પહેલા

IPL-2022માં 10 ટીમ રમશે. આ સીઝન માટે મેગા ઓક્શન ડિસેમ્બરના અંતમાં થઈ શકે છે. એની સાથે જોડાયેલા મોટા ન્યૂઝ 5 વખત ચેમ્પિયન ટીમ મુંબઈ ઈન્ડિયન્સના અહેવાલથી આવી રહ્યા છે. ટીમ હાલ પોતાના ખેલાડીઓમાંથી કયા સ્ટારને રિટેન કરશે એની સ્થિતિ સ્પષ્ટ થઈ રહી છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, ઓલરાઉનડર હાર્દિક પંડયાનું નામ રિટેનરની યાદીમાં નહીં હોય.

રોહિત અને બુમરાહ સૌથી મહત્ત્વના
મુંબઈ ઈન્ડિયન્સ સાથે જોડાયેલાં સૂત્રોએ જણાવ્યું હતું કે MI કેપ્ટન રોહિત શર્મા અને ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને નિશ્ચિત રીતે રિટેન કરશે. ત્રીજો વિકલ્પ કેરિબિયન ઓલરાઉન્ડર કિરોન પોલાર્ડ હોય શકે છે. થોડા સમય પહેલાં હાર્દિક પણ ટીમનો મહત્ત્વનો ભાગ હતો, પરંતુ ઈજાગ્રસ્ત થયા બાદ તેણે બોલિંગ ઘણી જ ઓછી કરી દીધી છે. આ વાતને ધ્યાનમાં રાખીને મુંબઈ ટીમ તેને ઓક્શન માટે રિલીઝ કરી શકે છે.

રાઈટ ટુ મેચ પર હજુ સ્થિતિ સ્પષ્ટ નથી
માનવામાં આવે છે કે મેગા ઓક્શન પહેલાં દરેક ટીમને ત્રણ ખેલાડીને રિટેન કરવાની છૂટ આપવામાં આવી શકે છે. આવી સ્થિતિમાં ઓક્શન દરમિયાન દરેક ટીમની પાસે એક રાઈટ ટુ મેચ કાર્ડ પણ હશે, એટલે કે ટીમ દ્વારા રિલીઝ કરવામાં આવેલા કોઈ ખેલાડીને કોઈ બીજી ટીમ ખરીદે છે તો તે ખેલાડીને તેની ગત ટીમ એટલી જ રકમ ચૂકવીને તે ખેલાડીને ફરીથી પોતાની સાથે જોડી શકે છે. જો રાઈટ ટુ મેચ કાર્ડનો વિકલ્પ નહીં આપવામાં આવે તો દરેક ટીમને ચાર ખેલાડીને રિટેન કરવાની છૂટ મળી શકે છે.

ચોથા રિટેનર તરીકે હાર્દિકનો દાવો નબળો
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, જો ચાર ખેલાડીને રિટેન કરવાનો ઓપ્શન આપવામાં આવે છે તોપણ એ વાતની આશા ઓછી છે કે હાર્દિકને મુંબઈની ટીમ રોકશે. ચોથા ઓપ્શન રૂપે સૂર્યકુમાર યાદવ અને ઈશાન કિશન હાલ હાર્દિકની તુલનાએ વધુ મોટા દાવેદાર ગણવામાં આવી રહ્યા છે.