ફ્રેન્ચ ઓપનની બીજી સેમિફાઈનલ દરમિયાન એવી ઘટના જોવા મળી, જેને જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા હતા. એક છોકરી બળજબરીથી કોર્ટમાં પ્રવેશી અને તેણે તેના ગળામાં પહેરેલી ચેન નેટ સાથે બાંધી અને જમીન પર સૂઈ ગઈ હતી. આ જોઈને ખેલાડીઓ ટેનિસ કોર્ટ છોડીને ભાગી ગયા હતા જેથી રમત પણ રોકવી પડી હતી.
મેચના અધિકારીઓએ તાત્કાલિક આવીને છોકરીના ગળામાંથી જાળીથી બાંધેલી ચેઈન ખેંચી લીધી. ત્યારપછી મામલો થાળે પડતા થોડી વાર પછી મેચ ફરી શરૂ કરી દેવામાં આવી હતી. આ દરમિયાન મહિલા પ્રદર્શનકારીની ટી-શર્ટ પર લખેલું હતું, 'અમારી પાસે 1028 દિવસ જ બાકી છે'. વિરોધ કરનારી યુવતીનું નામ અલિજી જણાવવામાં આવી રહ્યું છે, જેની ઉંમર 22 વર્ષ છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
તે શા માટે વિરોધ કરી રહી હતી
છોકરી ડર્નિયર રિનોવેશન નામની ચળવળ સાથે જોડાયેલી છે, જે ક્લાઈમેટ ચેન્જને લઈને પ્રદર્શન કરી રહી છે. તેમનું માનવું છે કે જો ફ્રાન્સ ક્લાઈમેટ ચેન્જ પર કામ નહીં કરે તો 1028 દિવસ પછી કંઈ બચશે નહીં. વિરોધ કરનારી અલિજી પણ પર્યાવરણવાદી હોવાનું કહેવાઈ રહ્યું છે.
આ ચળવળની વેબસાઇટ https://derniererenovation.fr/ છે. જેમાં ફ્રેન્ચ ભાષામાં ઘણા સંદેશાઓ લખેલા છે. એક સંદેશ અનુસાર, વિશ્વના નેતાઓ વિશ્વને એવા ભવિષ્ય તરફ લઈ જઈ રહ્યા છે જ્યાં ફ્રેન્ચ ઓપનનું આયોજન શક્ય નહીં હોય અને બધું સમાપ્ત થઈ જશે.
મેચમાં શું થયું?
ફાઇનલમાં જગ્યા બનાવવા માટે 2 કલાક 55 મિનિટ સુધી ચાલેલી મેચમાં કેસ્પર રૂડે શાનદાર રમત રમી મારિન સિલિકને હરાવી હતી. જ્યાં તેનો સામનો રાફેલ નડાલ સાથે થશે. 23 વર્ષીય કેસ્પર રૂડે અનુભવી મારિન સિલિક સામે પ્રથમ સેટ 3-6થી હારી ગયો હતો. ત્યારપછી તેણે બીજા સેટથી શાનદાર વાપસી કરી અને સતત ત્રણેય સેટ 6-4, 6-2, 6-2થી જીતી લીધા હતા. આ અગાઉ તેણે ક્વાર્ટર ફાઇનલમાં ડેનમાર્કના 19 વર્ષીય હોલ્ગર રૂનને 6-1, 4-6, 7-6, 6-3થી હરાવી સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.
કેસ્પર રૂડે અને નડાલ પહેલીવાર ફાઇનલમાં
કેસ્પર રૂડે પ્રથમ વખત ફાઈનલમાં રાફેલ નડાલ સામે મેચ રમશે. ફાઇનલમાં પહોંચ્યા બાદ તેણે કહ્યું હતું કે હું મારા આઈડલ સામે ફાઇનલમાં રમવા માટે ઉત્સાહિત છું. બંને વચ્ચે 5 જૂને મેચ રમાવાની છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.