• Home
  • Sports
  • IPL 2019
  • SRH and Delhi Capitals will lock horns in Vizag for place in Qualifier-2, DivyaBhaskar will offer Fast and Smart Coverage

IPL 2019 / આજે SRH અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે જંગ, DivyaBhaskar આપશે ફાસ્ટ અને સ્માર્ટ કવરેજ

divyabhaskar.com

May 08, 2019, 05:29 PM IST
SRH and Delhi Capitals will lock horns in Vizag for place in Qualifier-2, DivyaBhaskar will offer Fast and Smart Coverage

  • મનીષ પાંડેએ છેલ્લી 5 ઇનિંગ્સમાં 260 રન કર્યા છે, તેનું ફોર્મ હૈદરાબાદનો પ્લસ પોઇન્ટ છે
  • દિલ્હીની ટીમમાં શિખર ધવન અને શ્રેયસ ઐયરે 486 અને 422 રન કર્યા છે, બંને હુકમના એક્કા બની શકે છે
  • અત્યાર સુધીના દિલ્હી સામેના 14 મુકાબલામાંથી હૈદરાબાદ 9 મેચ જીત્યું છે

સ્પોર્ટ્સ ડેસ્ક: આજે જયારે દિલ્હી કેપિટલ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વિશાખાપટનમ ખાતે એલિમિનેટર મુકાબલામાં ટકરાશે ત્યારે ટુર્નામેન્ટમાં ટકી રહેવા ઉપરાંત ઓફ ધ ફિલ્ડ પણ ઘણું બધું દાવ ઉપર રહેશે. દિલ્હીની ટીમ 2012 પછી પહેલી વાર પ્લેઓફ રમી રહી છે અને તેમણે હજુ સુધી ક્યારેય નોક આઉટ મેચ જીતી નથી. પરંતુ આ સિઝનમાં જાણે નામ સાથે નસીબ પણ બદલાઈ ગયા હોય તેમ રિકી પોન્ટિંગ અને સૌરવ ગાંગુલી જેવા મેન્ટર્સ અને શ્રેયસ ઐયર જેવા મેચ્યોર કપ્તાનની હાજરીમાં દિલ્હી પ્લેઓફ સુધી પહોંચવામાં સફળ રહી છે.

બીજી તરફ દિલ્હી જેટલા ગાળા પછી પ્લેઓફમાં રમી રહી છે એટલા ગાળામાં હૈદરાબાદ એક વાર ચેમ્પિયન(2016) અને એક વાર રનર-અપ(2018) રહી ચૂક્યું છે. પરંતુ આ વર્ષે બોટમની ચાર ટીમ અને હૈદરાબાદ વચ્ચે ફક્ત એક પોઇન્ટનો અંતર હતો. એવું કહી શકાય કે સ્કૂલમાં જે વિદ્યાર્થી આખું સેમેસ્ટર વાંચીને ટોપ કરતો હતો તે એક દિવસ પહેલાં વાંચીને પાસ થઇ ગયો. ટુર્નામેન્ટના ટોપ રન સ્કોરર ડેવિડ વોર્નરની ખોટ હૈદરાબાદને ચોક્કસ પડશે. તેની અને જોની બેરસ્ટોની ગેરહાજરીમાં માર્ટિન ગુપ્ટિલ, મનીષ પાંડે અને કેન વિલિયમ્સન ઉપર રન કરવાની જવાબદારી વધી જાય છે.

દિલ્હીના પ્લસ પોઇન્ટ:
1. ઓપનર શિખર ધવન અને કેપ્ટન શ્રેયસ ઐયરનું ફોર્મ
શિખર ધવને આ સિઝનની 14 ઇનિંગ્સમાં 37.38ની એવરેજ અને 137.28ની સ્ટ્રાઇક રેટથી 486 રન કર્યા છે. તેણે 5 ફિફટી ફટકારી છે, તે ઉપરાંત આઇપીએલમાં 500 ચોક્કા મારનાર પ્રથમ બેટ્સમેન બનવાનો રેકોર્ડ પણ પોતાના નામે કર્યો. તો બીજી તરફ ઐયરે 14 ઇનિંગ્સમાં 34ની એવરેજ અને 123.46ની સ્ટ્રાઇક રેટથી 442 રન કર્યા છે. બંને દિલ્હીની બેટિંગની લાઈફલાઈન છે અને ટોપ રન સ્કોરરની લિસ્ટમાં અનુક્રમે છઠા અને દસમા ક્રમે છે.

2. બહારની મેચોમાં સારો દેખાવ
ક્રિકેટમાં જનરલી બધી ટીમ હોમ એડવાન્ટેજમાં માનતી હોય છે અને તેનો લાભ પણ લેતી હોય છે. પરંતુ દિલ્હીની ટીમ ઘર કરતા બહારની મેચમાં વધુ સારો દેખાવ કરે છે. આ સિઝનમાં તેમણે બહારની સાતમાંથી પાંચ મેચ જીતી હતી અને બીજી કોઈ પણ ટીમ આ બાબતે તેમની નજીક નથી. વિશાખાપટનમની પીચ પર તેઓ જો આ ટ્રેક રેકોર્ડને લગતું પ્રદર્શન કરે તો પહેલી વાર ફાઇનલમાં પહોંચવાના માર્ગે ચોક્કસ આગળ વધી શકે છે.

દિલ્હીના માઇનસ પોઇન્ટ
1. મિડલ ઓર્ડરનો ધબડકો થવાનો ડર
દિલ્હીની ટીમમાં શિખર અને ઐયર સિવાય કન્સીસ્ટન્સી સાથે રમે તેવા ખેલાડી બહુ ઓછા છે. ઋષભ પંત એકલા હાથે મેચ જીતાડવાની ક્ષમતા ધરાવે છે પરંતુ તે મેચ ફિનિશ કરવાનું આશ્વાસન આપતો નથી. જયારે કોલીન ઇંગ્રામ અને શેન રધરફોર્ડ પણ એક-બે મેચને બાદ કરતા નોંધપાત્ર દેખાવ કરી શક્યા નથી. તેમને મેચ ફિનિશ ન કરવાનું એક ઉદાહરણ લીગની 13મી મેચ હતી. તેમાં દિલ્હીને પંજાબ વિરુદ્ધ 21 બોલમાં 23 રનની જરૂર હતી, 7 વિકેટ હાથમાં હતી છતાં તે 14 રને હાર્યું હતું.

2. બોલિંગ લીડરની ગેરહાજરી
દિલ્હીનો ફાસ્ટ બોલર અને ટુર્નામેન્ટનો પર્પલ કેપ હોલ્ડર કગીસો રબાડા ઇજાના લીધે ટુર્નામેન્ટથી બહાર થઇ ગયો છે. દિલ્હી પાસે ટીમમાં ટ્રેન્ટ બોલ્ટ જેવો અનુભવી બોલર તો છે, પરંતુ રબાડા જેવી સ્કિલ વર્લ્ડ ક્રિકેટમાં આજે ભાગ્યે જ કોઈ ધરાવે છે. તેની ગેહાજરીમાં ટીમને એક બોલિંગ લીડરની કમી પડશે, જો વિશાખાપટનમની પીચ ધારણા મુજબ બેટ્સમેનને મદદ કરે તો દિલ્હી પાસે હૈદરાબાદને કાઉન્ટર એટેક કરી શકે તેવો ધારદાર બોલર નથી.

હૈદરાબાદના પ્લસ પોઇન્ટ:
1. બોલર્સ રિધમ મેળવી રહ્યા છે
હૈદરાબાદની ટીમને ગઈ સિઝનમાં બેસ્ટ બોલિંગ સાઈડ કહેવાતી હતી. તેમણે 9 માંથી 5 મેચ ડિફેન્ડ કરતા જીતી હતી, પરંતુ આ સિઝનમાં તેઓ 7માંથી ફક્ત 2 મેચમાં જ રન ડિફેન્ડ કરી શક્યા હતા અને તેમાં પણ પહેલા બેટિંગ કરતા તેમણે 210 અને 230 જેવા જંગી સ્કોર રજીસ્ટર કર્યા હતા. જોકે છેલ્લી 2 મેચથી ભુવનેશ્વર કુમાર ફોર્મમાં પાછો આવી રહ્યો છે, જયારે રાશિદ ખાન વિશે હૈદરાબાદના બોલિંગ કોચ મુથૈયા મુરલીધરને કહ્યું હતું કે, "તે વર્લ્ડ ક્લાસ સ્પિનર છે અને એકલા હાથે ટીમને મેચ જીતાડશે." તો ખલીલ અહેમદ ટકાટક બોલિંગ કરી જ રહ્યો છે.

2. મનીષ પાંડેનુ ફોર્મ
સિઝનમાં ખરાબ ફોર્મના લીધે ટીમમાંથી ડ્રોપ થયા બાદ જયારથી પાંડેએ કમબેક કર્યું છે, તેના સિતારા સાતમા આસમાને છે. તેણે છેલ્લી 5 ઇનિંગ્સમાં 86.67ની એવરેજથી 260 રન કર્યા છે. તે શરૂઆતથી જ આક્રમક રમત રમે છે અને પોતાની ઇનિંગ્સના પહેલા 10 બોલમાં 170ની સ્ટ્રાઇક રેટથી રમીને ટીમને મોમેન્ટમ આપે છે, જે આવતીકાલના મુકાબલામાં નિર્ણાયક સાબિત થઇ શકે છે.

હૈદરાબાદનો માઇન્સ પોઇન્ટ:
1. છેલ્લા 2 મુકાબલા હાર્યું છે, નવી ઓપનિંગ જોડી મેદાને
હૈદરાબાદ છેલ્લી 2 મેચ હારીને પ્લેઓફમાં પહોંચ્યું છે. મોમેન્ટમ તેમની સાથે નથી અને કોઈ પણ ટીમને હારના ફેઝમાંથી બહાર આવવા માટે કોઈ એક ખેલાડી પાસેથી વિશ્વસનીય પ્રદર્શનની જરૂર હોય છે. ડેવિડ વોર્નર અને જોની બેરસ્ટોની ગેરહાજરીમાં તેઓ માર્ટિન ગુપ્ટિલ અને રિધ્ધિમાન સાહ પાસેથી ઓપનિંગ કરાવે છે. વોર્નર અને બેરસ્ટોની જોડીને રિપ્લેસ કરવી 20 ઓવરમાં 60 રન ડિફેન્ડ કરવા જેવું છે. આમ આ બાબત હૈદરાબાદની વિરુદ્ધ જઈ શકે છે.

X
SRH and Delhi Capitals will lock horns in Vizag for place in Qualifier-2, DivyaBhaskar will offer Fast and Smart Coverage
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી