ગ્રીસના સ્ટેફાનોસ સિત્સિપાસે મોન્ટે કાર્લોસ એટીપી માસ્ટર્સ ટાઇટલ જીતી લીધું છે. વિશ્વમાં નંબર 5 સિત્સિપાસે મોનાકોમાં ફાઇનલમાં સ્પેનના 46મા ક્રમાંકિત એલેઝાન્ડ્રો ડેવીડેવિચ ફોકિનાને 6-3, 7-6થી હરાવીને સતત બીજી વાર ક્લે કોર્ટ ટૂર્નામેન્ટ જીતી લીધી હતી. 23 વર્ષીય સિત્સિપાસની કારકિર્દીનું આ બીજું માસ્ટર્સ ટાઈટલ અને 8મું ATP ટાઈટલ છે.
ફોકિનાએ પહેલા સેટમાં ત્રીજા પોઈન્ટમાં સિત્સિપાસની સર્વિસ બ્રેક કરી હતી. પરંતુ બીજા જ પોઈન્ટમાં, સિત્સિપાસે ફોકિનાની સર્વને બ્રેક કરી નાખી. ત્યારપછી સિત્સિપાસે ફોકિનાને વધુ તક આપી ન હતી અને સેટ 6-3થી જીતી લીધો હતો.
પરંતુ બીજા સેટમાં ફોકિનાએ સિત્સિપાસને પડકાર્યો હતો અને 6-6ના સ્કોર સાથે સેટને ટાઇબ્રેકમાં લઈ લીધો હતો. અહીં સિત્સિપાસે સતત પોઈન્ટ જીતીને ટાઈટલ પોતાના નામે કર્યું હતું. સિત્સિપાસ તેની કારકિર્દીમાં કુલ 4 માસ્ટર્સની ફાઇનલમાં પહોંચ્યો છે અને બીજી વાર ટાઈટલ જીત્યો છે. આ જીતની સાથે, સિત્સિપાસે વર્તમાન ક્લે કોર્ટ સીઝન માટે પણ પોતાનો મજબૂત દાવો રજૂ કર્યો છે.
રોમાનિયાના ઇલી નાસ્તાસે, સ્વીડનના જોર્ન બોર્ગ, ઓસ્ટ્રિયાના થોમસ મસ્ટર, સ્પેનના જુઆન ફેરેરો અને રાફેલ નડાલ પછી ઓપન યુગમાં સિત્સિપાસ છઠ્ઠો એવો ખેલાડી છે, જેણે ઓછામાં ઓછા 2 વાર મોન્ટે-કાર્લો માસ્ટર્સ ટાઇટલ જીત્યું હોય.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.