ICCએ બુધવારે ટેસ્ટ રેન્કિંગ જાહેર કરી છે. ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાને એક સ્થાનનો ફાયદો થયો છે. તે વિશ્વનો નંબર-2 ઓલરાઉન્ડર બની ગયો છે. જ્યારે બોલર્સના રેન્કિંગમાં પાકિસ્તાનના શાહીન અફરીદી 810 પોઈન્ટની સાથે 5માં સ્થાને આવી ગયો છે. પહેલાં પાકિસ્તાનનો આ ફાસ્ટ બોલર 8માં સ્થાને હતો. તેને 353 પોઈન્ટ છે. પાકિસ્તાનનો કેપ્ટન બાબર આઝમ બેટિંગ રેન્કિંગમાં એક સ્થાન નીચે ઉતર્યો છે. તે 737 પોઈન્ટની સાથે આઠમા નંબરે પહોંચ્યો છે.
જાડેજા ઉપરાંત અન્ય ભારતીયની વાત કરવામાં આવે તો બોલરના રેન્કિંગમાં અશ્વિન 840 પોઈન્ટની સાથે બીજા નંબરે રહ્યો છે. તો જસપ્રીત બુમરાહને એક સ્થાનનું નુકસાન થયું છે. હવે તે 763 પોઈન્ટની સાથે 10માં સ્થાને ખસી ગયો છે. બેટ્સમેનમાં કાનપુર ટેસ્ટ ના રમી હોવા છતાં વિરાટ કોહલી અને રોહિત શર્માને કોઈ નુકસાન થયું નથી.
દિમુથ કરુણારત્ને અને કાઈલ જેમીસનને મોટો ફાયદો
શ્રીલંકાના ઓપનર બેટ્સમેન દિમુથ કરુણારત્નેને બેટ્સમેનના રેન્કિંગમાં ચાર પોઈન્ટ ફાયદો થયો છે. તે 772 પોઈન્ટની સાથે 7માં સ્થાને પહોંચી ગયો છે. ભારત વિરૂદ્ધ ટેસ્ટમાં શાનદાર બોલિંગ કરનાર કાઈલ જેમીસનને પણ ICC રેન્કિંગમાં મોટો ફાયદો થયો છે. કાઈલ 776 પોઈન્ટની સાથે હવે બોલર્સની યાદીમાં 9માં સ્થાને પહોંચી ગયો છે. પહેલાં આ ખેલાડી 15માં નંબરે હતો. તો ઓસ્ટ્રેલિયાનો પેટ કમિન્સ 908 પોઈન્ટની સાથે નંબર વન બોલરના સ્થાને યથાવત છે.
ટોપ-3 બેટસમેનમાં કેન વિલિયમ્સનને થયું નુકસાન
ટોપ-3 બેટ્સમેનની વાત કરવામાં આવે તો ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમન્સને ભારત વિરૂદ્ધ પહેલી ટેસ્ટમાં ખરાબ પ્રદર્શનનું પરિણામ ભોગવવું પડ્યું છે. તે બીજા સ્થાનેથી ત્રીજા નંબર ખસકી ગયો છે.
કેન ફેલ થયો તેનો ફાયદો સ્ટીવ સ્મિથને મળ્યો છે. ઓસ્ટ્રેલિયાનો આ શાનદાર બેટ્સમેન 891 પોઈન્ટની સાથે બીજા નંબરે પહોંચી ગયો છે. જો રૂટ 903 પોઈન્ટની સાથે નંબર વન બેટ્સમેન છે. ભારતીય કેપ્ટન વિરાટ કોહલી છઠ્ઠાં અને રોહિત શર્મા પાંચમા નંબરે યથાવત છે. કોહલીના 775 અને રોહિતના 805 પોઈન્ટ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.