મહારાષ્ટ્રના સતારાની 30 વર્ષીય પ્રિયંકા મોહિતેએ કંચનજંગા સર કર્યા બાદ ઈતિહાસ રચ્યો હતો. તે 8000 મીટરથી વધુ ઊંચાઈના 5 શિખરો સર કરનાર પ્રથમ ભારતીય મહિલા બની હતી. વિશ્વના સૌથી ઊંચા ત્રીજા શિખર એવા કંચનજંગાની ઊંચાઈ 8091 મીટર છે. પ્રિયંકા મોહિતે 2013માં માઉન્ટ એવરેસ્ટ, 2018માં માઉન્ટ લહોત્સે, 2019માં માઉન્ટ મકાલું અને 2021માં માઉન્ટ અન્નપૂર્ણા-1 સર કરી ચૂકી છે. પ્રિયંકા મોહિતેને 2020માં તેનઝિંગ નાર્ગે એડવેન્ચર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. તેને સ્ટેડફાસ્ટ ન્યૂટ્રીશન દ્વારા પર્વતારોહક તરીકેના સ્વપ્નને પૂર્ણ કરવા મહત્તમ સપોર્ટ મળી રહ્યો છે. પ્રિયંકા મોહિતે સાથેની વાતચીતના મુખ્ય અંશ....
પ્રશ્નઃ 8,000 મીટરથી પણ ઊંચા 5 શિખરો સર કરનાર પ્રથમ ભારતીય મહિલા બની કેવું લાગ્યું?
મારી માટે આ ઘણો સારો અનુભવ છે. મેં 2013માં માઉન્ટ એવરેસ્ટ, અન્નપૂર્ણા-1 સર કર્યા અને હવે કંચનજંગા સર કર્યું. જોકે મારો લક્ષ્યાંક હજુ ઘણો મોટો છે, હું તમામ 8000 મીટરથી ઊંચા શિખરો સર કરવા માંગુ છું, આ પડકારજનક કાર્ય ભારતીયો કરી શકે છે. મારું ફોક્સ હવે મનાસ્લુ, ધૌલાગીરી, શિશાપાંગમા પર છે.
પ્રશ્નઃ તમે સતારાનો છો, જે સાત પહોડીથી ઘેરાયેલું છે. શું આ કારણે પર્વતારોહક બનવામાં રસ પડ્યો?
હું સતારામાં ત્યારે ટ્રેકિંગ કરતી જ્યારે મને ટ્રેકિંગ એટલે શું એ પણ નહોતી ખબર. હું ઈતિહાસમાં ઘણો રસ દાખવું છું અને છત્રપતિ શિવાજીથી પ્રેરિત છું. મારા કાકા તેમની કહાણી સંભળાવતા અને ત્યાંના કિલ્લા તથા પહાડો પર ટ્રેકિંગ માટે લઈ જતા હતા. જે પછી આગળ જતા હું હિમાલય સર કરવા પહોંચી. ઈતિહાસ અને કિલ્લાઓએ મને જીવનમાં આગળ વધવા પ્રેરિત કરી હતી.
પ્રશ્નઃ સમુદ્ર સ્તરથી 8586 મીટરની ઊંચાઈએ સ્ટ્રોથી શ્વાસ લેતા હોય તેવું લાગતું હોય છે, તમે કંચનજંગાની ટોચ પર પહોંચ્યા તો કેવો અનુભવ થયો?
હું જ્યારે 8586 મીટરની ઊંચાઈએ પહોંચી ત્યારે એક શાનદાર અનુભવ થયો, કારણ કે- અમને કાંચનજંગાની ઊંચાઈએ પહોંચતા 20-22 કલાકનો સમય લાગ્યો. કોઈ તેને ભારતમાં તો કોઈ નેપાળમાં માને છે, જોકે આ બંને દેશ માટે સૌથી વધુ ઊંચાઈ હતી. હું ઘણી હેરાન હતી અને ખુશ પણ કારણ કે, અંતિમ 300-400 મીટર ચઢવું તે ઘણું ટેક્નિકલ રહ્યું. તેથી તે ભાગમાં મે સુરક્ષા પર ફોક્સ રાખી ઉપર ચઢતી રહી હતી.
પ્રશ્નઃ તમે 2013માં માઉન્ટ એવરેસ્ટ સર કર્યો છે, તો અહીં કેવો અલગ અનુભવ રહ્યો?
એવરેસ્ટ અને અન્ય પહાડો ઘણા અલગ છે. કંચનજંગા પર ચઢાણમાં ઘણું ટેક્નિકલ બાબત ધ્યાનમાં રાખવી પડે છે. અન્નપૂર્ણા પણ ઘણું ટેક્નિકલ છે અને તે ઘાતક પહાડ પણ મનાય છે. 8000 મીટરથી વધુ ઊંચા શિખર પર ચઢવું એ સમાન રહે છે, પરંતુ તમારે વધુ તાકાત અને સહનશીલતા રાખવી પડે છે. આ સાથે તમારે સંપૂર્ણ એનર્જી 12 કલાકથી વધુ ચઢાણ માટે વાપરવી પડે છે. જેમકે, અમને કંચનજંગાની ટોચ પર પહોંચતા 20-22 કલાક જેટલો સમય લાગ્યો. એવરેસ્ટ માટે અમે 12 કલાકનો સમય લીધો હતો. ફિટનેસ લાઈફસ્ટાઈલ માટે કસરત સાથે હું ન્યૂટ્રીશિયન સપ્લિમેન્ટ્સનો ઉપયોગ કરતી રહી છું. કારણ કે, આટલી ઊંચાઈએ તમે સામાન્ય ભોજન લઈ જઈ શકો તેવી સ્થિતિ હોતી નથી.
પ્રશ્નઃ તમારી જેમ શિખરો સર કરવા માગતા પર્વતારોહકોને શું સલાહ આપશો?
જ્યારે કોઈ પર્વતારોહક શિખર સર કરવામાં નિષ્ફળ જાય તો તેણે થોડો બ્રેક લઈ સામાન્ય જીવન જીવવું અને પછી સારી તૈયારીઓ સાથે લક્ષ્યાંક તરફ આગળ વધવું જોઈએ. જે શિખરોને સર કરવું છે તે હંમેશા ત્યાં જ રહેશે. તેથી પોતાના અહમને છોડી વારંવાર નિષ્ફળતા છતાં જીદ પર વળગી રહેવા કરતા સારી તૈયારી સાથે બીજા વર્ષે ફરી આવવું જોઈએ.
પ્રશ્નઃ તમે સફળતાને ફ્રન્ટલાઈન વર્કર્સને સમર્પિત કરી હતી, તમારી માટે કોરોનાકાળ કેટલો પડકારજનક હતો?
હાં, મે આ સિદ્ધિ ફ્રન્ટલાઈન વર્કર્સને સમર્પિત કરી હતી. હું પેશનને કારણે એક પર્વતારોહક છું પરંતુ હું સાયન્સ ફિલ્ડથી જોડાયેલી છું અને ઓરિજિન ડિસ્કવરી ટેકનોલોજીમાં સિનિયર રિસર્ચ એસોસિએટ તરીકે કામ કરું છું. આ કારણે લોકોના જીવ બચાવવા 24*7 કલાક કામ કરવું ફ્રન્ટલાઈન વર્કર્સ માટે કેટલું અઘરું હતું તેનાથી વાકેફ છું. મારો એક સાથી તે સમયે ઓફિસમાં કિટ બનાવવાનું કામ કરતો. હું કોરોનાકાળની સ્થિતિ અંગે નજીકથી જાણતી હતી. હું 2020માં જ કંચનજંગા સર કરવાની હતી પરંતુ ત્યારે કોરોનાને કારણે આમ થઈ શક્યું નહીં. તેથી મે સ્થિતિ સામાન્ય થવા પર આમ કરવાનો નિર્ણય કર્યો હતો અને આ સિદ્ધિ ફ્રન્ટલાઈન વર્કર્સને સમર્પિત કરી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.