ટોક્યો ઓલિમ્પિકમાં દેશને પ્રથમ એથ્લેટિક્સ મેડલ અપાવનાર ગોલ્ડન બોય નીરજ ચોપરાએ ડાયમંડ લીગમાં પણ ઈતિહાસ રચ્યો. નીરજ સ્ટોકહોમ ડાયમંડ લીગમાં 89.94 મીટરના થ્રો થકી પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરતા નવો નેશનલ રેકોર્ડ બનાવ્યો હતો.
નીરજ ચોપડાએ ડાયમંડ લીગમાં પોતાના પ્રદર્શન અંગે વાત કરતા કહ્યું કે,‘મગજમાં એવું નહોતું કે પ્રથમ થ્રોમાં કેટલું અંતર પાર કરવાનું છે. પ્રથમ થ્રો બાદ મને લાગ્યું કે તેઓ 90 મીટરનો થ્રો છે તેમ જણાવશે. મારે હવે ઓરેગનમાં વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભાગ લેવાનો છે. તે માટે હાલ કંઈ જ કહી શકું નહીં. મારી પર કોઈ દબાણ નથી અને હું કોઈપણ પ્રકારની ચિંતા વગર રમું છું.’
લાગ્યું કે 90 મીટરનો થ્રો હશે
એન્ડરસને 90 મીટરનો થ્રો કર્યો ત્યારે મને પણ એમ જ હતું કે- 90 મીટર થ્રો કરવાનો છે. તેની માટે સ્થિતિ પરફેક્ટ હોવી જોઈએ. ડાયમંડ લીગમાં ઘણા સમય બાદ રમવાની સાથે સારું પ્રદર્શન કરવાનો આનંદ છે.
લીગમાં ટોપ એથ્લિટ રમે છે
2018 બાદ આ મારી પ્રથમ ડાયમંડ લીગ છે. ટોપ એથ્લિટ તેમાં રમવા આવે છે. આ એથ્લિટ જ ઓલિમ્પિક અને વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ટક્કર આપતા હોય છે. અહીં સારી સ્પર્ધા જોવા મળે છે.
કોઈ ફેરફાર નહીં કરું
ઓરેગન માટે હાલ ઘણા ઓછા દિવસ બાકી છે. તેથી હું રમતમાં કોઈપણ પ્રકારના ફેરફારો કરવાનો નથી. પ્રયાસ એ જ છે કે- જેવું હાલ પ્રદર્શન કરી રહ્યો છું તેનાથી સારું જ કરું. બાકી તો ત્યાં ગયા બાદ જ ખબર પડશે.
હવે લોકોને એથ્લેટિક્સ ગમે છે
આ આનંદની વાત છે કે લોકો ઓનલાઈન પણ એથ્લેટિક્સને જુએ છે. ભારતમાં રમતને લોકો પસંદ કરી રહ્યા છે. સ્ટૉકહોમમાં પણ ઘણા ભારતીય મને જોવા અને ઉત્સાહ વધારવા આવ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.