તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Sports
  • Nishad Kumar Wins Silver Medal In Paralympic High Jump Event, Silver Jump Of 2.06 M

નેશનલ સ્પોર્ટ્સ ડે પર 'મેડલની હેટ્રિક':ટોક્યો પેરાલિમ્પકમાં ભાવિના પછી હાઇ જંપર નિશાદ કુમારે સિલ્વર મેડલ જીત્યો, ડિસ્કસ થ્રોમાં વિનોદનો બ્રોન્ઝ મેડલ

એક મહિનો પહેલા
  • ભાવિના પટેલે મહિલા ટેબલ ટેનિસ સ્પર્ધાની વર્ગ 4માં સિલ્વર મેડલ જીત્યો

નેશનલ સ્પોર્ટ્સ ડે ભારત માટે અવિસ્મરણીય સાબિત થઈ રહ્યો છે. આજે 3 પેરા એથ્લીટ્સે ભારતને 2 સિલ્વર અને 1 બ્રોન્ઝ મેડલ જીતાડ્યો છે. ભારતના વિનોદ કુમારે રવિવારે ડિસ્કસ થ્રો F-52 ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આની સાથે જ નિશાદ કુમારે પેરાલિમ્પિકની T-47 હાઇ જંપ ઇવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો છે. તેણે ફાઇનલમાં પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન દાખવીને 2.06 મીટરના હાઇ જંપ સાથે દેશને બીજો સિલ્વર મેડલ જીતાડ્યો છે. ઉલ્લેખનીય છે કે નેશનલ સ્પોર્ટ્સ ડે પર ભાવિના પટેલે ટોક્યો પેરાલિમ્પિક્સમાં મહિલા ટેબલ ટેનિસ સ્પર્ધાની વર્ગ 4ની ફાઇનલમાં સિલ્વર મેડલ જીતીને ઇતિહાસ રચ્યો હતો.

નિશાદના પ્રશંસનીય પ્રદર્શનને જોતા નરેન્દ્ર મોદીએ પણ તેમને ટ્વીટ કરી તેને શુભેચ્છા પાઠવી છે. વળી બીજી બાજુ તીરંદાજીમાં રાકેશ કુમાર અને જ્યોતિ બાલિયાની ભારતીય જોડીને મિશ્ર ટીમ કમ્પાઉન્ડ ઇવેન્ટની ક્વાર્ટર ફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો. પુરુષોની હાઇ જંપ ઇવેન્ટમાં રોડરિક ટાઉનસેન્ડે 2.15 મીટરના જંપ સાથે અમેરિકા માટે ગોલ્ડ મેડલ જીત્યો છે. ડલ્લાસે વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. આની સાથે જ નિષાદ કુમારે એશિયન રેકોર્ડ બનાવ્યો છે.

વિનોદ કુમારે ડિસ્કસ થ્રોમાં બ્રોન્ઝ મેડલ જીત્યો
ટોક્યો પેરાલિમ્પિકમાં ઈન્ડિયન પેરા એથ્લીટ વિનોદ કુમારે F52 ડિસ્કસ થ્રો કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તેણે 19.91 મીટરના બેસ્ટ થ્રો સાથે ત્રીજો ક્રમાંક જાળવી રાખ્યો હતો.

વિનોદે 17.46 મીટર, 18.32 મીટર, 17.80 મીટર, 19.12 મીટર, 19.91 મીટર અને 19.81 મીટરના ડિસ્કસ થ્રો અટેમ્પ કર્યા હતા. તેનું શ્રેષ્ઠ પ્રદર્શન પાંચમા પ્રયાસમાં જોવા મળ્યું હતું. તેવામાં પોલેન્ડના પિયોટલ કોસેવિચે 20.02 મીટરના થ્રો સાથે ગોલ્ડ મેડલ પોતાને નામ કર્યો હતો. વળી ક્રોએશિયાના વેલિમિર સેન્ડોરે 19.98 મીટરના થ્રો સાથે સિલ્વર મેડલ જીત્યો હતો.

PM મોદીએ ટ્વીટ કરી નિશાદને શુભેચ્છા પાઠવી

PMએ શુભેચ્છાઓ પાઠવી
PM મોદીએ ટ્વિટ કરીને નિષાદ કુમારને સિલ્વર જીતવા પર શુભેચ્છાઓ પાઠવી છે. તેમણે લખ્યું કે ટોક્યોથી ફરી એક શુભ સમાચાર આવ્યા છે. નિશાદની જીતથી હું ખુશ છું, તે એક તેજસ્વી એથ્લીટ છે અને તેની પાસે ઉત્તમ કુશળતા છે. નિશાદને અભિનંદન. મોદીએ અગાઉ ટોક્યો પેરાલિમ્પિક્સનો પ્રથમ મેડલ જીતનારા ટેબલ ટેનિસ ખેલાડી ભાવિનાબેન પટેલને ફોન કરીને દેશને અભિનંદન પાઠવ્યા હતા.

નિશાદ બેંગલોરમાં તાલીમ લીધી છે
હિમાચલ પ્રદેશના ઉના જિલ્લાના રહેવાસી નિશાદ કુમારે બેંગલોરના કોચિંગ કેમ્પમાં મહિનાઓ સુધી સખત મહેનત કરી છે. મેચ પહેલાં તેના ગામમાં સતત તેના માટે પ્રાર્થના કરવામાં આવી રહી હતી. આ મેડલ સાથે ગામમાં ખુશીનો માહોલ છે.

ભાવિનાનું પ્રશંસનીય પ્રદર્શન
ટોક્યો પેરાલિમ્પિકમાં ભાવિનાબેન પટેલે ટેબલ ટેનિસ ફાઇનલમાં વિશ્વની નંબર 1 ચીનની ખેલાડી ઝોઉ યિંગ સામે ભાવિનાનો મુકાબલો હતો. યિંગે ભાવનાને 11-7, 11-5 અને 11-6થી હરાવીને ગોલ્ડ જીત્યો. ભાવિનાને સિલ્વર મળ્યો છે. તે ટેબલ ટેનિસમાં મેડલ જીતનાર ભારતીય ખેલાડી પણ છે. ગુજરાતની આ ખેલાડીને ગુજરાત સરકાર રૂ. ત્રણ કરોડ આપશે.

રાજ્ય સરકાર દ્વારા ભાવિનાને પ્રોત્સાહનરૂપે 3 કરોડના પુરસ્કારની જાહેરાત
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પેરા ઓલિમ્પિક્સ રમતોમાં ટેબલ ટેનિસ રમતમાં આગવી સિધ્ધિ મેળવી દેશને ગૌરવ અપવાનારી ગુજરાતના મહેસાણા જિલ્લાની દીકરી ભાવિના પટેલને અભિનંદન પાઠવ્યા છે. મુખ્યમંત્રીએ ગુજરાત અને ભારતને વિશ્વ સ્તરે પોતાના ખેલ કૌશલ્યથી ગૌરવ અપાવનારી આ દીકરી ભાવિના પટેલને રાજ્ય સરકારની દિવ્યાંગ ખેલ પ્રતિભા પ્રોત્સાહન પુરસ્કાર યોજના અંતર્ગત પ્રોત્સાહન રૂપે 3 કરોડ રૂપિયાનો પુરસ્કાર આપવાની પણ જાહેરાત કરી છે.

મનોબળથી ધારેલા લક્ષ્યાંકો પાર પાડી શકે છે
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતની દીકરીઓને ભાવિના પટેલમાંથી પ્રેરણા મેળવી રમત-ગમત ક્ષેત્રે આગળ વધવાનો સંદેશ પણ પાઠવ્યો છે. તેમણે રમત-ગમત ક્ષેત્રે કારકિર્દી ઘડી ગુજરાત અને દેશનું વિશ્વકક્ષાએ પ્રતિનિધિત્વ પ્રતિભાવંત ખેલાડીઓ કરી શકે તે માટે અનેક વિધ યોજનાઓ થી સહાયરૂપ થવા રાજ્ય સરકાર સદાય તત્પર હોવાનું જણાવ્યું હતું. રૂપાણીએ કહ્યું કે, ‘વ્યક્તિ સ્ત્રી-દીકરી હોય કે દિવ્યાંગ હોય મહેનત અને મનોબળથી ધારેલા લક્ષ્યાંકો પાર પાડી શકે છે’ તે વાત ગુજરાતની દિવ્યાંગ રમતવીરાંગના ભાવિના પટેલે પુરવાર કરી છે.

અન્ય સમાચારો પણ છે...