નીરજ ચોપરાએ ટોક્યો 2020 એથ્લેટિક્સમાં ભારતને પ્રથમ વ્યક્તિગત ઓલિમ્પિક ગોલ્ડ મેડલ અપાવ્યો છે. તેણે ભાલા ફેંકની ફાઈનલમાં 87.58 મીટર દૂર થ્રો કર્યો હતો. જેવલિન થ્રોમાં સફળ થવા પાછળ નીરજનો સખત પરિશ્રમ રહેલો છે. આ ઉપરાંત તેને જર્મનીના દિગ્ગજ અને મહાન જેવલિન થ્રોઅર ઉવે હોન (Uwe Hohn)નો સાથ મળ્યો હતો. 59 વર્ષના જર્મનીના ભૂતપુર્વ મહાન ખેલાડીનું નીરજ સાથે જોડાવવાની ઐતિહાસિક બાબત આ દિશામાં મહત્વનું પગલું હતું.
નીરજની સફળતામાં જર્મનીના કોચનું યોગદાન
59 વર્ષના જર્મનીના મહાન ખેલાડી ઉવે હોન તેમના સમયમાં એક દિગ્ગજ જેવલિન થ્રો કરી ચુક્યા છે. તેમણે 100 મીટરથી વધારે અંતરે ભાલો ફેંક્યો હતો. નીરજના જર્મન કોચ ઉવે હોને વર્ષ 1984માં 104.8 મીટરના અંતરે ભાલો ફેંક્યો હતો. જે લગભગ દર્શકોની ગેલેરી સુધી પહોંચી ગયો હતો.
અત્યાર સુધીમાં તેઓ એકમાત્ર એવા ખેલાડી રહ્યા છે કે જેમનો ભાલો 100 મીટરથી વધારે અંતર સુધી પહોંચ્યો છે. આ વિક્રમ બાદ વર્ષ 1986માં જેવલિન થ્રો ઈવેન્ટ નવા ડિઝાઈન કરાયેલા ભાલા સાથે યોજવામાં આવી હતી.નવી ડિઝાઈનવાળા ભાલાથી વર્ષ 1996માં જર્મનીમાં જેસ્સ મીટિંગ ઈવેન્ટમાં જૈન જેલેગનીએ 98.48 મીટર અંતરે ભાલો ફેંક્યો હતો.
જર્મનીએ ઓલિમ્પિકમાં ભાગ નહીં લેતા મેડલ ચુકી ગયા
વર્ષ 1984માં લોસ એન્જેલસ ઓલિમ્પિકમાં હોન ભાગ લેવાથી ચુકી ગયા હતા. હકીકતમાં તે સમયે પૂર્વી જર્મનીએ અમેરિકાના વિરોધમાં ઓલિમ્પિકનો બહિષ્કાર કર્યો હતો. જેને લીધે હાર્વન ઓલિમ્પિકમાં ભાગ લઈ શક્યો ન હતો. પોતાના એક ઈન્ટર્વ્યૂમાં તેમણે કહ્યું હતું કે હું કોઈ પણ ભૂલ કર્યાં વગર ઓલિમ્પિકમાં મેડલ જીતી શક્યો નથી, જો મને ઓલિમ્પિકમાં તક મળી હોય તો ગોલ્ડ મેડલ જીતી શક્યો હોત. અત્રે ઉલ્લેખનીય છે કે ટોક્યો ઓલિમ્પિક માટે હોન ઉપરાંત બાયોમિકેનિક્સ નિષ્ણાત ક્લાઉસ બાર્ટોનિટ્ઝે પણ ટોક્યો ઓલિમ્પિક સમયે નીરજ ચોપરા સાથે કામ કર્યું હતું.
અનેક વખત 90 મીટરથી વધારે ભાલો ફેંકી ચુક્યા છે
ઉવે હોને 90 મીટરથી વધારે અંતર સુધી અનેક વખત થ્રો ફેંકી ચુક્યા છે. તેનાથી સમજી શકાય છે કે તેઓ કેટલા સારા જેવલિન થ્રોવર હતા. તેમણે વર્ષ 1981માં યુરોપિયન જુનિયર ચેમ્પિયનશીપમાં 86.58 મીટર દૂર ભાલો ફેંક્યો હતો. ત્યારબાદ વર્ષ 1982માં યુરોપિયન ચેમ્પિયનશિપમાં 91.34 મીટર, આ ઉપરાંત વર્ષ 1984માં હોને 104.80 મીટર દૂર ભાલા ફેંકનો વિશ્વ વિક્રમ બનાવ્યો હતો.
હોનના કોચિંગને લીધે નીરજે જીત્યો હતો કોમનવેલ્થમાં ગોલ્ડ
કોચ ઉવે હોનના નૈતૃત્વમાં જ નીરજે કોમનવેલ્થ ગેમ્સ 2018માં 86.47 મીટર થ્રો સાથે ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. ત્યારબાદ ડાયમંડ લીગ 2018ના દોહા લીગમાં 87.43 મીટર થ્રો સાથે તે વર્ષમાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. તેણે એશિયન રમતોત્સવમાં પણ 88.06 મીટર થ્રો સાથે જીત હાંસલ કરેલી.
નીરજ ચોપરાનો ગોલ્ડન થ્રો
કોચ ઉવેનો એ થ્રો જેના પર બધા આફરીન થઈ ગયા હતા
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.