તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
 • Gujarati News
 • Sports
 • Messi, Who Entered The Barcelona Club At The Age Of 17, Has Won The FIFA Award A Maximum Of 6 Times; The Arrest Was Made In The Panama Scandal

સોકરકિંગ મેસીના ઉતારચઢાવ:મજૂરનો પુત્ર બન્યો કરોડો લોકોનો આદર્શ; એક વર્ષની કમાણી છે રૂ. 960 કરોડ, પનામા કૌભાંડમાં થઈ હતી ધરપકડ

2 મહિનો પહેલાલેખક: જીજ્ઞેશ ત્રિવેદી
 • મેસીએ ફૂટબોલ રમવાની પ્રોફેશનલ શરૂઆત 4 ઓગસ્ટ, 2004થી હંગેરી વિરુદ્ધ કરી હતી
 • 11 વર્ષની ઉંમરમાં જ મેસીને ગ્રોથ હાર્મોન નામની બીમારીનો સામનો કરવો પડ્યો હતો
 • 17 વર્ષની ઉંમરે બાર્સેલોના ક્લબમાં એન્ટ્રી મારનાર મેસી સૌથી વધુ 6 વખત ફિફાનો અવૉર્ડ જીત્યો છે

લિયોનલ મેસી આર્જેન્ટીનાના પ્રસિદ્ધ ફૂટબોલર અને સાથે જ ફૂટબોલ ટીમના કેપ્ટન પણ છે. મેસી આજના સમયનો સૌથી ઉમદા, ઉત્કૃષ્ટ ખેલાડીઓમાંથી એક છે. મેસી આર્જેન્ટીનાની રાષ્ટ્રીય ટ્રીમ અને એફસી બાર્સેલોના માટે મેદાનમાં ઊતરે છે, તેણે હાલમાં જ 5 વખત ગોલ્ડન શૂ જીતીને એક નવો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. મેસીએ 6 વખત ફિફાનો ખિતાબ પણ જીત્યો છે. મેસીએ પોતાના કરિયરમાં અનેક નવા રેકોર્ડ બનાવ્યા અને તોડ્યા પણ છે. જોકે વિશ્વના સર્વશ્રેષ્ઠ ફૂટબોલર લિયોનેલ મેસીની આંખમાં સોમવારે આંસુ જોવા મળ્યાં. મેસીની આ તસવીર તેના કરોડો પ્રશંસકોને પણ રડાવી ગઈ. આ આંસુઓનું કારણ છે - આર્જેન્ટીનાના આ સ્ટાર ફૂટબોલરને સ્પેનિશ ફૂટબોલ ક્લબ બાર્સેલોના છોડવી પડી. મેસી 13 વર્ષની ઉંમરથી આ ક્લબ સાથે જોડાયેલો હતો અને 21 વર્ષથી આ ક્લબ તરફથી રમી રહ્યો હતો. મેસી અને બાર્સેલોના એકબીજાના નામથી ઓળખાતા હતા, પરંતુ હવે આવું નહીં સાંભળવા મળે.

વિશ્વના સર્વશ્રેષ્ઠ ફૂટબોલર લિયોનેલ મેસીની આંખમાં સોમવારે આંસુ જોવા મળ્યાં.
વિશ્વના સર્વશ્રેષ્ઠ ફૂટબોલર લિયોનેલ મેસીની આંખમાં સોમવારે આંસુ જોવા મળ્યાં.

લિયોનલ મેસી અને તેનું અંગત જીવન
હંમેશાં 10 નંબરની જર્સી પહેરી રમતા મેસીએ ફૂટબોલ રમવાની પ્રોફેશનલ શરૂઆત 4 ઓગસ્ટ, 2004થી હંગેરી વિરુદ્ધ કરી હતી. 24 જૂન 1987ના રોજ લિયોનલ મેસીનો જન્મ આર્જેન્ટીનાના રોસારિયોમાં એક વર્કિંગ ક્લાસ પરિવારમાં થયો હતો. મેસીના પિતા જ્યોર્જ મેસી એક ફેક્ટરીમાં વર્કર હતા, જ્યારે તેની માતા સેલિયા એક પાર્ટટાઈમ જોબ કરતી હતી. મેસીની એક ગર્લફ્રેન્ડ એન્ટોનેલા રોક્કુઝો છે, જેની સાથે તેનાં ઘણાં વર્ષોથી સંબંધ છે. મેસીને એનાથી 2 બાળકો પણ થયાં છે, જેમાંથી એક થિયગો છે, જેનો જન્મ 2 નવેમ્બર 2012ના રોજ થયો છે, જ્યારે બીજો પુત્ર મટિયો છે, જેનો જન્મ 11 સપ્ટેમ્બર, 2015ના રોજ થયો છે. મેસીએ પોતાની ગર્લફ્રેન્ડ એન્ટોનેલા રોક્કુઝો સાથે વર્ષો સુધી સંબંધ રાખ્યા બાદ ગત વર્ષે એટલે કે 2017માં લગ્ન કર્યા. મેસીના બંને પુત્રોનાં જન્મ તેના લગ્ન પહેલાં થયાં હતાં.

એક ઉમદા ફૂટબોલ ખેલાડી હોવા છતાં તેમની જીવનશૈલી સામાન્ય છે. તે હંમેશાં રોસારિયો એટલે કે પોતાના શહેરથી લિંક રાખવાનો પ્રયાસ કરે છે. મેસી યુનિસેફના એમ્બેસેડર તરીકે કાર્ય કરે છે તેમજ તે પોતાનું ચેરિટેબલ ફાઉન્ડેશન પણ ચલાવે છે. જોકે બાળકોના શિક્ષણ અને ખેલ પ્રત્યે પ્રેરિત કરી તેનું સમર્થન કરે છે. પોતાના ખુદના મોંઘા ચિકિત્સા ઉપચારને કારણે તે આર્જેન્ટીનાની હોસ્પિટલમાં આ પ્રકારની સારવાર માટે ફંડ આપવામાં મદદ કરે છે.

હંમેશાં 10 નંબરની જર્સી પહેરી રમતા મેસીએ ફૂટબોલ રમવાની પ્રોફેશનલ શરૂઆત 4 ઓગસ્ટ, 2004થી હંગેરી વિરુદ્ધ કરી હતી.
હંમેશાં 10 નંબરની જર્સી પહેરી રમતા મેસીએ ફૂટબોલ રમવાની પ્રોફેશનલ શરૂઆત 4 ઓગસ્ટ, 2004થી હંગેરી વિરુદ્ધ કરી હતી.

મેસીની વાર્ષિક કમાણી 960 કરોડ
મેસીને અનેક વખત મોટા બજેટની સાથે અન્ય ફૂટબોલ ક્લબ દ્વારા ટાર્ગેટ કરવામાં આવ્યો છે, જેથી તે તેમના તરફથી રમે, પરંતુ તે બાર્સેલોના એફસીની સાથે જ હંમેશાં માટે વફાદાર રહ્યો. તે દુનિયાના સૌથી વધુ ચુકવણી કરનાર ફૂટબોલરમાંથી એક છે. એક અનુમાન મુજબ, મેસીની વાર્ષિક કમાણી 960 કરોડ રૂપિયા છે. એનાથી એ વાતનો ખ્યાલ આવે છે કે મહાન ફૂટબોલર ખેલાડી ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અને બાસ્કેટ બોલ ખેલાડી લેબોર્ન જેમ્સ પછી મેસી દુનિયાનો બીજો સૌથી વધુ પૈસા મેળવનાર સોકર ખેલાડી અને ત્રીજો સૌથી વધુ કમાણી કરનાર એથ્લીટ છે. મેસીને સૌથી સારો ફૂટબોલ ખેલાડી ગણવામાં આવે છે, જેને કારણે તે કેટલીક કંપનીઓ જેવી કે એડિડાસ, પેપ્સી, EA સ્પોર્ટ્સ અને તુર્કી એરવેઝના સમર્થનની સાથે સોકરનો કોમર્શિયલ ચહેરો બની ગયો છે.

મેસીનું શરૂઆતી જીવન
લિયોનલ મેસીએ ઘણી જ નાની ઉંમરે રમવાનું શરૂ કરી દીધું હતું, અને તેની પ્રતિભા ખેલમાં સ્પષ્ટ જોવા મળી. મેસીના શરૂઆતના કોચ તેના પિતા જ હતા. તેમણે મેસીને ફૂટબોલ રમવા માટે પ્રેરિત કર્યો. જોકે 11 વર્ષની ઉંમરમાં જ મેસીને ગ્રોથ હાર્મોન ડિફિશિયન્સી (GHD) બીમારીનો સામનો કરવો પડ્યો, એ સમયે તેની સ્થિતિ એવી હતી તેનો વિકાસ સારી રીતે થતો ન હતો, જેને કારણે તેને મોંઘી મેડિકલ સારવારની જરૂરિયાત પડી. આ સાથે જ તેને વિકાસ માટે હોર્મોન દવાઓના સેવનની પણ જરૂર પડી.

ઘણો જ પ્રતિભાશાળી ખેલાડી હોવા છતાં તેને તેની સ્થાનિક ક્લબ દ્વારા તેની સારવાર માટે કોઈ જ સહાયતા આપી ન હતી. મેસીને બાર્સેલોનાની સાથે એક ટ્રાયલ આપવામાં આવી હતી અને કોચ ચાર્લ્સ રેક્સાચ તેનાથી ઘણા જ પ્રભાવિત થયા. તેમણે મેસીને એક પેપર નેપ્કિનમાં કોન્ટ્રેક્ટ લખીને ઓફર આપી, જેમાં સ્પેનમાં મેસીની સારવાર માટેની આર્થિક સહાયતા પણ સામેલ હતી. એ બાદ મેસી પોતાના પિતાની સાથે બાર્સેલોના જતો રહ્યો અને પ્રતિષ્ઠિત એફસી બાર્સેલોના યુવા એકેડમીનો હિસ્સો બની ગયો.

મેસી તેનાં માતા-પિતા સાથે (ફાઈલ).
મેસી તેનાં માતા-પિતા સાથે (ફાઈલ).

લિયોનલ મેસીનું કરિયર
મેસીનું કરિયર કિક વર્ષ 2000માં શરૂ થયું, જ્યારે તે જુનિયર સિસ્ટમ રેન્ક માટે રમતો હતો. ઘણા જ ઓછા સમયમાં તે એકમાત્ર એવો ખેલાડી બની ગયો, જે 5 અલગ અલગ ટીમમાંથી રમ્યો. મેસીની રેન્કના માધ્યમથી પ્રગતિ થવા લાગી અને વર્ષ 2004-05માં તેને પોતાની પહેલી હાજરી આપી, જ્યારે તેને એક લીગ ગોલ સ્કોર કરવા માટે સૌથી ઓછી ઉંમરનો ખેલાડી બન્યો. વર્ષ 2006માં મેસી ડબલ જીતનારી ટીમનો ભાગ બન્યો, જેને લા લીગા સ્પેનિશ લીગ અને ચેમ્પિયન્સ લીગ બંનેમાં જીત મેળવી હતી. આગામી સીઝન 2006-07માં માત્ર 20 વર્ષની ઉંમરમા સ્ટ્રાઈકર અને બાર્સેલોના ટીમનો એક અનિવાર્ય હિસ્સો બનવા માટે એ લોકોની પહેલી પસંદ બની ગયો. મેસીએ 26 લીગ મેચમાં 14 ગોલ કર્યા. વર્ષ 2009-10માં મેસીએ તમામ કોમ્પિટિશન્સમાં 47 ગોલ કર્યા, જે બાર્સેલોના તરફથી કરેલા રોનાલ્ડોના રેકોર્ડની બરોબરી હતી. જેમ જેમ જીવન આગળ વધતું ગયું તેમ તેમ મેસીએ પોતાના ખુદના રેકોર્ડ બનાવ્યા અને અનેક રેકોર્ડ તોડવાનું પણ શરૂ કર્યું.

કેલેન્ડર વર્ષ 2012માં મેસીએ સૌથી વધુ ગોલ કરવાનો ઓલ ટાઈમ વિશ્વ રેકોર્ડ તોડ્યો. આ વર્ષે તેને કુલ 91 ગોલ કર્યા હતા, જેને જર્મનના ગેર્ડ મુલર દ્વારા બનાવવામાં આવેલા 85 ગોલ અને પેલેના 75 ગોલના રેકોર્ડને પાછળ છોડી દીધા.

વર્ષ 2012માં મેસીએ સૌથી વધુ ગોલ કરવાનો ઓલ ટાઈમ વિશ્વ રેકોર્ડ તોડ્યો હતો.
વર્ષ 2012માં મેસીએ સૌથી વધુ ગોલ કરવાનો ઓલ ટાઈમ વિશ્વ રેકોર્ડ તોડ્યો હતો.

મેસીને પોતાની સાથે જોડાવવાની ખેંચતાણ
વર્ષ 2012ના અંતમાં મેસીને એક અજ્ઞાત નામે રશિયા તરફથી રમવા માટે આકર્ષક પ્રસ્તાવ આપવામાં આવ્યો, જેના માટે તેને એક વર્ષમાં 20 મિલિયન યુરોનું વેતન આપવાનું પ્રલોભન અપાયું, જે મેસીનો વિશ્વનો સૌથી મોંઘો ખેલાડી બનાવત, પરંતુ મેસીએ આ ઓફર ફગાવી દીધી, કેમ કે એ વાતથી અનિશ્ચિત હતો કે જો તે પ્રમુખ યુરોપિયન ચેમ્પિયનશિપ માટે રમે છે તો રશિયા ગયા બાદ આ ક્લબ સાથે રમવામાં ઘણી જ મુશ્કેલીઓ આવશે, તેથી તેને વર્ષ 2018ના અંત સુધી બાર્સેલોનાની સાથે રમવાનાએક કોન્ટ્રેક્ટ પર સાઈન કર્યા. ઈંગ્લિશ પ્રીમિયર લીગમાં જવા અંગે જ્યારે તેને પૂછવામાં આવ્યું તો તેણે એવો ખુલાસો કર્યો કે તેનામાં બાર્સેલોના પ્રત્યે કમિટમેન્ટની ભાવના છે. વર્ષ 2013ની શરૂઆતમાં ક્લબ ફૂટબોલમાં મેસીએ કુલ 359 મેચમાંથી 292 ગોલ કર્યા અને ઈન્ટરનેશનલ ફૂટબોલમાં 76 મેચમાંથી 31 ગોલ કર્યા.

મેસીનું ઈન્ટરનેશનલ કરિયર
મેસી સારવાર માટે જ્યારે સ્પેન ગયો ત્યારે તેને ત્યાંની રાષ્ટ્રીયતા પ્રાપ્ત કરી. વર્ષ 2004માં તેને સ્પેનના અંડર-20 સાઈડ માટે રમવાનો મોકો આપવામાં આવ્યો, પરંતુ મેસીએ આર્જેન્ટીના તરફથી જ રમવાનું નક્કી કર્યું, કેમ કે તે તેની જન્મભૂમિ હતી. મેસીએ વર્ષ 21005માં ફિફા યુવા ચેમ્પ્યિનશિપમાં આર્જેન્ટીનાને જીત અપાવી. આ પહેલાં કોઈ મેચમાં તેને એક ખેલાડીને કચડવાને કારણે બહાર મોકલી દેવાયો હતો. આ નિર્ણય વિવાદાસ્પદ હતો, કેમ કે મેસીની રમવાની સ્ટાઈલને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો ન હતો.

વર્ષ 2006માં મેસીએ વર્લ્ડ કપમાં ભાગ લીધો, એ સમયે તે વર્લ્ડ કપ રમનારો આર્જેન્ટીનાનો સૌથી નાની ઉંમરનો ખેલાડી હતો. 2008માં બીજિંગમાં થયેલા ઓલિમ્પિકમાં ફૂટબોલમાં આર્જેન્ટીનાને મેસીએ ગોલ્ડ મેડલ અપાવ્યો. શરૂઆતમાં બાર્સેલોનાએ તેને રમવાની મંજૂરી ન આપી, પરંતુ નવા કોચ પેપ ગાર્ડીઓલાએ તેને એમાં સામેલ થવાની છૂટ આપી. વર્ષ 2010માં થયેલા વર્લ્ડ કપમાં મેસીને 10 નંબરની ટી-શર્ટ આપવામાં આવી, જેને પહેરીને તેને આર્જેન્ટીનાને ક્વાર્ટર ફાઈનલમાં પહોંચાડવામાં મદદ કરી. જોકે મેસીના સંઘર્ષ કરવા છતાં આર્જેન્ટીનાની ટીમ જર્મની સામે 4-0થી હારી ગઈ હતી. 2014માં મેસીને ગોલ્ડન બોલથી સન્માનિત કરવામાં આવ્યો હતો.

એ બાદ 2013-14માં મેસી પેરિસ સેન્ટ - જરમ અને અત્લિટકો મેડ્રિડ વિરુદ્ધ મેચમાં જોવા મળ્યો. તે સમયે હાર્મસ્ટ્રિંગ સમસ્યાથી પીડિત હોવાને કારણે તેને મેચ અધવચ્ચે જ છોડી દીધી હતી. મેસી વારંવાર ઈન્જર્ડ થતાં તેના કરિયર સામે પણ સવાલો ઊભા થઈ ગયા હતા, પરંતુ તેને હાર માની ન હતી. વર્ષ 2015માં મેસીએ જોરદાર કમબેક કર્યું અને તેની ટીમ દ્વારા કુલ 122 ગોલ કરાયા હતા, જેમાંથી 58 ગોલ મેસીના જ હતા. મેસીની આ સફળતા 2016 સુધી જોવા મળી. 2015-16ની સીઝનમાં તેને કુલ 41 ગોલ કર્યા અને 23 મેચમાં સહાયક બની રહ્યો.

વર્ષ 2006માં મેસીએ વર્લ્ડ કપમાં ભાગ લીધો, એ સમયે તે વર્લ્ડ કપ રમનારો આર્જેન્ટીનાનો સૌથી નાની ઉંમરનો ખેલાડી હતો.
વર્ષ 2006માં મેસીએ વર્લ્ડ કપમાં ભાગ લીધો, એ સમયે તે વર્લ્ડ કપ રમનારો આર્જેન્ટીનાનો સૌથી નાની ઉંમરનો ખેલાડી હતો.

2016માં જ અચાનક મેસીએ રિટારમેન્ટની જાહેરાત કરી
જૂન 2016માં મેસીએ અચાનક જ ઈન્ટરનેશનલ મેચમાંથી રિટાયરમેન્ટની જાહેરાત કરી હતી. આવું કારણ એ હતું કે પેનલ્ટીથી જીત મેળવ્યા બાદ પણ આર્જેન્ટીનાને કોપા અમેરિકાની ફાઈનલમાંથી બહાર કરી દેવામાં આવ્યા હતા. જોકે બાદમાં તેને પોતાનો નિર્ણય બદલ્યો હતો અને 2018ના વર્લ્ડ કપ રમવા માટે તૈયાર થઈ ગયો હતો.

મેસીના ગોલ સ્કોરિંગ રેકોર્ડ્સ
મેસીએ એક શાનદાર ફર્સ્ટ હાફ ફ્રી કિક મારીને પોતાના કરિયરનો 600મો ગોલ કર્યો હતો. આ 600 ગોલના રેકોર્ડમાં 539 ગોલ મેસીએ બાર્સેલોના માટે કર્યા હતા, જ્યારે 61 ગોલ પોતાની ટીમ આર્જેન્ટીના તરફથી કર્યા હતા. આર્જેન્ટીનાના શક્તિશાળી ખેલાડી તરીકે તેને પોતાના 14 વર્ષના કરિયરમાં કુલ 747 ગેમ્સમાં ભાગ લીધો. મેસીના આ સર્વશ્રેષ્ઠ પ્રદર્શનમાં તેને એક સારો ફૂટબોલરનો ખિતાબ અપાવ્યો છે.

600 ગોલના રેકોર્ડમાં 539 ગોલ મેસીએ બાર્સેલોના માટે કર્યા હતા, જ્યારે 61 ગોલ પોતાની ટીમ આર્જેન્ટીના તરફથી કર્યા હતા.
600 ગોલના રેકોર્ડમાં 539 ગોલ મેસીએ બાર્સેલોના માટે કર્યા હતા, જ્યારે 61 ગોલ પોતાની ટીમ આર્જેન્ટીના તરફથી કર્યા હતા.

મેસીની ઉપલબ્ધિઓ

 • મેસીને 5 વખત 2009, 2010, 2011, 2012 અને 2015માં પ્રતિષ્ઠિત બેલોન ડી ઓરનો ખિતાબ મળ્યો છે.
 • મેસીએ અનેક વખત વર્ષના યુવા ખેલાડીનો પુરસ્કાર જીત્યો છે, જેમાંથી કેટલાક વર્લ્ડ સોકર વર્ષના યુવા ખેલાડી, FIFPro વર્લ્ડ વર્ષના યુવા ખેલાડી અને કોપા અમેરિકી ટૂર્નામેન્ટનો યુવા ખેલાડી છે.
 • મેસીને વર્ષના ઉમદા ખેલાડી તરીકે 20 અવોર્ડ મળ્યા છે, જેમાં ફિફા વર્લ્ડ વર્ષના ખેલાડી માટે 1, વર્લ્ડ સોકરના વાર્ષિક ખેલાડી તરીકે 3, ગોલ.કોમ વર્ષના ખેલાડી દ્વારા 2, UEFA યુરોપમાં સૌથી સારા ખેલાડીનો અવોર્ડ, UEFA ક્લબ ફૂટબોલ ઓફ ધ યર માટેનો અવોર્ડ 1, ફિફા અંડર-20 વર્લ્ડ કપ ટૂર્નામેન્ટના ખેલાડી તરીકે 1, લા લીગ વર્ષના ખેલાડી માટે 3, લા લીગા વિદેશી ખેલાડી તરીકે 3 અને લા લીગા ઈબેરો- અમેરિકા વર્ષના ખેલાડી માટે 5 અવોર્ડ સામેલ છે.
 • બોલને ગોલ કરવાની તેની શૈલી માટે તેને અનેક વખત ગોલ સ્કોરર તરીકે સન્માનિત કરવામાં આવ્યો છે.
 • વર્ષ 2010થી લઈને અત્યારસુધીમાં મેસીને 5 યુરોપિયન ગોલ્ડ શૂથી સન્માનિત કરવામાં આવ્યો છે, જેને પગલે તેને રોનાલ્ડોનો રેકોર્ડ પણ તોડ્યો છે. વર્ષ 2009 અને 2011માં ફિફા ક્લબ વર્લ્ડ કપમાં 2 વખત ગોલ્ડન બોલ પણ જીત્યો. જ્યારે વર્ષ 2005માં યુરોપિયન ગોલ્ડ બોય તરીકે ટેગ કરાયો હતો.
 • મેસી આર્જેન્ટીના ફૂટબોલની રાષ્ટ્રીય ટીમનો ભાગ હતો, જેને વર્ષ 2008માં ગ્રીષ્મકાલીન ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.

મેસી અને તેનો વિવાદ

 • વર્ષ 2013માં સસ્પેક્ટેડ ટેક્સ ચોરી માટે તેની તપાસ કરવામાં આવી. વર્ષ 2016માં તેનું નામ પનામા પેપર ડેટા લીકમાં નામ ચમક્યું હતું.
 • આ ઉપરાંત કોપા અમેરિકા ટૂર્નામેન્ટમાંથી બહાર થયા બાદ તેને ઈન્ટરનેશનલ ફૂટબોલમાંથી સન્યાસ લેવાની જાહેરાત કરી હતી, જેને કારણે પણ મેસી ભારે વિવાદમાં રહ્યો હતો.
 • જુલાઈ 2016માં જ્યારે બાર્સેલોના કોર્ટે તેને અને તેના પિતાને ટેક્સ ગોટાળાના 3 કેસમાં દોષી જાહેર કર્યા તો મેસીની ફૂટબોલ મેદાનમાંથી પકડવામાં આવ્યો હતો. 4 દિવસ સુધી કેસ ચાલ્યા બાદ મેસી અને તેના પિતાએ એ માનવાનો ઈનકાર કરી દીધો કે તેને કોઈ કાયદો તોડ્યો છે. અને એવો દાવો કરાયો કે તે કોઈપણ ટેક્સ ઈલલીગેલિટીસથી અજાણ્યો હતો. જોકે તેને 21 મહિનાની સજા સંભળાવવામાં આવી હતી. સ્પેનિશ કાયદા મુજબ જો 2 વર્ષની અંદર ગુનાઓને સસ્પેન્ડ કરી દેવામાં આવશે તો તેને જેલ નહીં જવું પડે, પરંતુ તેના માટે મેસીને 2 મિલિયન યુરોનો દંડ ભરવો પડશે અને તેના પિતાને 1.5 મિલિયન યુરોની ચુકવણી કરવી પડશે.
વર્ષ 2016માં મેસીનું નામ પનામા પેપર ડેટા લીકમાં નામ ચમક્યું હતું.
વર્ષ 2016માં મેસીનું નામ પનામા પેપર ડેટા લીકમાં નામ ચમક્યું હતું.