• Gujarati News
  • Sports
  • Mental Health Was Questioned 4 Months Ago, Emma Stayed Away From The Phone At The US Open

પીપલ ભાસ્કર-ચર્ચામાં એમા રાડુકાનૂ:4 મહિના અગાઉ મેન્ટલ હેલ્થ પર સવાલ ઊઠ્યા હતા, યુએસ ઓપનમાં ફોનથી દૂર રહી એમા

વોશિંગ્ટનએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 18 વર્ષની ઉંમરે યુએસ ઓપનનો ખિતાબ જીત્યો. 44 વર્ષ બાદ ગ્રાન્ડ સ્લેમ જીતનારી પ્રથમ બ્રિટિશ ખેલાડીએ ઘણાં રેકોર્ડ પોતાના નામે કર્યા.

જન્મ: 13 નવેમ્બર, 2002 (કેનેડા)
શિક્ષણ
: મેથ્સ અને ઇકોનોમિક્સમાં A+ સાથે સ્કૂલિંગ
પરિવાર: પિતા ઇયાન, માતા રેની
કરિયર પ્રાઇઝ મની
20.61 કરોડ રૂપિયા
(યુએસ ઓપનમાં 18.38 કરોડ રૂ. મળ્યા)

18 વર્ષની એમા રાડુકાનૂ રમતજગતની નવી સેન્સેશન બની ગઇ છે. સોશિયલ મીડિયા પ ખૂબ લોકપ્રિય એમાએ યુએસ ઓપન દરમિયાન પોતાનો ફોન ફિઝિયોને આપી દીધો હતો. એકાગ્રતા તૂટે નહીં તે માટે યુઝર્સની કમેન્ટ્સ પર ધ્યાન ન આપ્યું. હવે એમાએ યુએસ ઓપન જીત્યા બાદ સોશિયલ મીડિયા પર તેના પ્રશંસકોનું જાણે પૂર આવ્યું છે. ન્યૂયોર્કમાં ‘મેટ ગાલા’માં તે ફોટો સેશન કરાવી રહી છે તો વિશ્વના અગ્રણી મેગેઝિન્સ તેને પોતાના કવર પર ચમકાવવા રાહ જોઇ રહ્યા છે. બ્રિટનની એમાની જીત બાદ લંડનથી માંડીને ચીન-તાઇવાન સુધી લોકો ઉજવણી કરી રહ્યા છે. બ્રિટનમાં છેલ્લા 44 વર્ષના ગ્રાન્ડ સ્લેમના દુકાળનો એમા જીત સાથે અંત લાવી. તેની માતા ચાઇનીઝ મૂળની હોવાથી લોકો ખુશ છે. એમાએ ઘણાં રેકોર્ડ બનાવ્યા છે. મારિયા શારાપોવા (17 વર્ષ) બાદ એમાએ 18 વર્ષની ઉંમરે ગ્રાન્ડ સ્લેમ જીત્યું. ક્વોલિફાયર રાઉન્ડથી વિજેતા બનવા સુધીની સફર એક રેકોર્ડ છે. ટુર્ના. શરૂ થયા પહેલાં એમા વિશ્વની 31મા ક્રમની ખેલાડી હતી. રેન્કિંગથી જ નક્કી થાય છે કે સ્પર્ધામાં કયા ખેલાડીની મેચ કોની સાથે હશે, જેથી મોટા ખેલાડીઓ શરૂમાં એકબીજા સામે ન રમી શકે. યુએસ ઓપન શરૂ થઇ ત્યારે એમા વિમેન્સ ટેનિસ એસો. (WTA)ના રેન્કિંગમાં 150મા ક્રમે હતી પણ હવે 23મા ક્રમે પહોંચી ચૂકી છે. અગાઉ જૂન-જુલાઇમાં વિમ્બલ્ડનમાં એમા વાઇલ્ડકાર્ડ એન્ટ્રી સાથે ચોથા રાઉન્ડ સુધી પહોંચી હતી.

વિમ્બલ્ડનમાં મેચ છોડતાં સવાલ ઊઠ્યા હતા, યુએસ ઓપનમાં ન્યૂઝથી દૂર રહી
એમા 2018 અને 2019માં વિમ્બલ્ડન માટે ક્વોલિફાય થઇ શકી નહોતી પણ જૂન-જુલાઇ, 2021માં નોટિંગહામમાં યોજાયેલી વિમ્બલ્ડનમાં અંતિમ 16 સુધીમાં પહોંચી હતી. તે ટુર્ના.ની એક મેચમાં શ્વાસ લેવામાં તકલીફને કારણે તેણે મેચ અધવચ્ચે છોડી દીધી હતી. મેચના બ્રોડકાસ્ટર્સની ટિપ્પણી હતી કે એમાએ મેન્ટલ હેલ્થ પ્રેશરના કારણે મેચ અધૂરી છોડી હતી. જોકે, એમા કહે છે કે પોતાને પ્રાથમિકતા આપવાનું વધુ જરૂરી હતું અને પોતાની હેલ્થના કારણે તેણે તે નિર્ણય લીધો હતો. સોશિયલ મીડિયા પર સક્રિય એમાએ યુએસ ઓપન દરમિયાન તેનો ફોન પણ ફિઝિયોને આપી દીધો હતો. આ દરમિયાન તેણે નક્કી કર્યું હતું કે તે ફેન્સની કમેન્ટ્સ નહીં વાંચે. ગયા મહિને જ તેણે ન્યૂઝ નજરઅંદાજ કરવાનું પણ શરૂ કરી દીધું હતું.

ફોર્મ્યૂલા-વનનું પેશન છે, ટીટી અને ગોલ્ફ પણ રમે છે
કેનેડામાં જન્મેલી એમા 2 વર્ષની ઉંમરે બ્રિટન આવી ગઇ હતી. તેનું બાળપણ અન્ય બ્રિટિશ છોકરીઓથી થોડું અલગ હતું. તેનો પરિવાર બ્રિટનના બ્રોમલેમાં રહેતો. ચાઇનીઝ મૂળની માતા અને રોમાનિયન પિતાએ તેને અભ્યાસ કરતાં ઇતર પ્રવૃત્તિઓ પર વધુ ધ્યાન આપવા કહ્યું. જોકે, એમા ભણવામાં હોશિયાર હતી. રૂઢિવાદી માતાએ તેને બેલે અને ટેપ ડાન્સ શીખવા પ્રેરિત કરી તો પિતાએ ટેનિસ, ગોલ્ફ, કાર્ટિંગ, બાઇકિંગ અને મોટર સ્પોર્ટ્સની દુનિયાથી વાકેફ કરાવી.

આ ઉપરાંત તેને ઘોડેસવારી, ગોલ્ફ અને સ્કીઇંગ પસંદ છે. 5 વર્ષની ઉંમરે ટેનિસ રમવાનું શરૂ કરનારી એમાએ મોટર સ્પોર્ટસ અને કાર્ટિંગની ટ્રેનિંગ લીધી અને પ્રોફેશનલી ડ્રાઇવિંગ શરૂ કર્યું. ઉંમરની સાથે મોટરસ્પોર્ટ હૉબી બની અને ટેનિસ પેશન. 10થી 16 વર્ષની ઉંમર સુધી એમા બ્રોમલે ટેનિસ સેન્ટરમાં ટેનિસ શીખી.

પૂણેમાં યોજાયેલી ટુર્નામેન્ટ તેનો પહેલો મોટો ખિતાબ
યુએસ ઓપનની સેમીફાઇનલ જીત્યા બાદ એમાને જ્યારે પૂછાયું કે તેની કરિયરમાં સૌથી ફેવરીટ ટ્રોફી કઇ રહી તો એમાનો જવાબ હતો- 2019માં પૂણેમાં યોજાયેલી આઇટીએફ ટુર્નામેન્ટ. તેમાં જીત મેળવીને તેણે 25 હજાર ડોલરની પ્રાઇસ મની જીતી હતી. આ અગાઉ જુનિયર કરિયરમાં તેણે 2018માં આઇટીએફ ચંદીગઢ ટેનિસ ગર્લ ટુર્ના. જીતી હતી. 2018માં જ તેણે ચંદીગઢમાં આઇટીએફ ગ્રેડ થ્રી અને નવી દિલ્હીમાં ગ્રેડ ટુ જુનિયર ટુર્ના. જીતી હતી. એમા અત્યાર સુધીમાં કુલ 15 ટુર્ના.માં 92 મેચ રમી છે અને તેમાંથી 70 જીતી છે. આમ, તેની જીતની સરેરાશ 76 રહી છે.

અન્ય સમાચારો પણ છે...