વર્લ્ડ નંબર-1 પુરુષ ટેનિસ ખેલાડી નોવાક જોકોવિચને ઓસ્ટ્રેલિયન ઓપન ગ્રાન્ડ સ્લેમમાં રમવા વેક્સિનેશનના નિયમોમાંથી છૂટ મળી હતી. જોકોવિચે વેક્સિન નથી લીધી પરંતુ ઓસ્ટ્રેલિયન ઓપનમાં ભાગ લેવા માટે વેક્સિનેશન જરૂરી છે. જોકે વિક્ટોરિયા રાજ્ય અને આયોજકોએ જોકોવિચને છૂટ આપી હતી.
જોકોવિચના ઓસ્ટ્રેલિયા પહોંચવા પર ત્યાંની સરકારે વિશ્વના નંબર-1 ખેલાડી પર વેક્સિન છૂટના પુરાવા ન આપવાને કારણે વિઝા રદ કર્યા હતા. હાલ જોકોવિચ ડિટેન્શન સેન્ટરમાં છે અને તેણે કોર્ટમાં અરજી કરી છે. કોર્ટમાં જોકોવિચના વકીલે જમા કરેલા દસ્તાવેજ અનુસાર, જોકોવિચને ગત વર્ષે 16 ડિસેમ્બરે કોરોના થયો હતો. તેના 14 દિવસ બાદ સતત 3 દિવસ સુધી તેમાં તાવ અને શ્વાસની સમસ્યા જેવા કોઈ લક્ષણ નહોતા.
સોમવારે ફેડરલ કોર્ટમાં સુનાવણી અગાઉ જોકોવિચ તરફથી 32 પાનાના દસ્તાવેજ આપવામા આવ્યા છે. ટેનિસ ઓસ્ટ્રેલિયાના પ્રમુખ ક્રેગ ટીલી એક લીક વીડિયોમાં કહેતા જોવા મળ્યા કે,‘સંગઠને શક્ય તમામ પ્રયાસ કર્યા છે. હાલ ઘણા આરોપ અમારી પર લગાવવામાં આવી રહ્યાં છે. પરંતુ એમ જ કહીશ કે અમારી ટીમે અવિશ્વસનીય કામ કર્યું છે.’
જો કોર્ટનો ચુકાદો જોકોવિચની તરફેણમાં આવે તો તેની પાસે 10મું ઓસ્ટ્રેલિયન ઓપન ટાઈટલ જીતવાની તક રહેશે. જોકોવિચના રાફેલ નડાલ અને રોજર ફેડરર જેટલા જ 20 ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ છે. જોકોવિચ પ્રારંભથી જ વેક્સિન વિરોધી રહ્યો છે. મેલબોર્ન ઈમિગ્રેશન હોલ્ડિંગ ફેસિલિટી બહાર ઘણા ફેન્સ અને વેક્સિન વિરોધીઓએ જમા થઈ ઢોલ વગાડી ‘નોવાક’ના નારા લગાવ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.