• Gujarati News
  • Sports
  • Ishaan's Good Performance As Opener, Karthik Strengthened The Middle Order; The Pace Attack Got Herschel's Power

ડ્રો સિરીઝથી ભારતને શું મળ્યું?:ઓપનર તરીકે ઈશાનનું સારું પ્રદર્શન, કાર્તિકે મિડલ ઓર્ડર મજબૂત કર્યો; પેસ એટેકને મળ્યો હર્ષલનો પાવર

સ્પોર્ટ્સ ડેસ્ક17 દિવસ પહેલા

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 5 મેચની T20 સિરીઝ રવિવારે 2-2થી સમાપ્ત થઈ છે, જેની છેલ્લી મેચ બેંગલુરુમાં રમાઈ હતી, જે વરસાદને કારણે રદ થઈ ગઈ હતી. ભારતને સિરીઝની પહેલી બે મેચમાં કારમી હારનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ એ પછી ટીમે જોરદાર વાપસી કરી અને સતત બે મેચ જીતી લીધી હતી. ભારત અને દક્ષિણ આફ્રિકા સિરીઝને આ વર્ષે યોજાનારા T20 વર્લ્ડ કપની તૈયારીઓ માટે પણ શ્રેષ્ઠ કહેવામાં આવી રહી છે. આવી સ્થિતિમાં ચાલો... જાણીએ કે વર્લ્ડ કપની તૈયારીઓને લઈને આ શ્રેણીથી ટીમ ઈન્ડિયાને કેટલો ફાયદો થયો છે.

કાર્તિક-હાર્દિકનું જબરદસ્ત કમબેક

આ સિરીઝમાં દિનેશ કાર્તિક 2019 પછી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કમબેક કરી રહ્યો હતો. એ જ સમયે ગયા વર્ષે ઓક્ટોબરમાં આયોજિત T20 વર્લ્ડ કપ પછી ટીમની બહાર રહેલા હાર્દિક પંડ્યાને પણ આ સિરીઝમાં તક મળી. કાર્તિક અને પંડ્યાએ આઈપીએલમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું.

રાજકોટમાં દક્ષિણ આફ્રિકા સામે રમાયેલી ચોથી T20માં દિનેશ કાર્તિક અને હાર્દિકે ધમાકેદાર ઇનિંગ રમીને ટીમને જીત અપાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. બંને વચ્ચે 35 બોલમાં 65 રનની ભાગીદારી થઈ હતી. કાર્તિકે 27 બોલમાં 55 રન બનાવ્યા હતા. આ સાથે જ હાર્દિકે 31 બોલમાં 46 રનની શાનદાર ઇનિંગ રમી હતી.

દિનેશ IPLથી જ ફિનિશરની ભૂમિકામાં અદ્ભુત પ્રદર્શન કરી રહ્યો છે. તેણે દક્ષિણ આફ્રિકા સામેની શ્રેણીમાં 46ની એવરેજથી 92 રન કર્યા છે. એનો સ્ટ્રાઈક 158.62 રહ્યો છે. આની સાથે જ આ સિરીઝમાં હાર્દિક પંડ્યા 153.94ના સ્ટ્રાઈક રેટથી 117 રન કર્યા છે. આ બંનેના કમબેકથી ટીમનો મિડલ ઓર્ડર ઘણો મજબૂત બની ગયો છે. બંને ખેલાડી આ વર્ષના વર્લ્ડ કપમાં મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે. હાર્દિક બોલિંગમાં પણ યોગદાન આપી શકે છે.

હર્ષલ પટેલ, આવેશ ખાનની શાનદાર બોલિંગ

સિરીઝની શરૂઆત પહેલાં એવી ચર્ચા થઈ રહી હતી કે ઉમરાન મલિકને સાઉથ આફ્રિકા સામે તક મળશે, પરંતુ એવું બન્યું નહીં. એનું સૌથી મોટું કારણ હર્ષલ પટેલની શાનદાર બોલિંગ હતી. ટીમ ઈન્ડિયા માટે હર્ષલે આ સિરીઝમાં સૌથી વધુ વિકેટ લીધી હતી. તેણે 7 વિકેટ પોતાના નામે કરી હતી. તે જ સમયે તેની એવરેજ માત્ર 12.57ની રહી હતી. જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી અને ભુવનેશ્વર કુમાર બાદ હર્ષલે ટીમ ઈન્ડિયાના પેસ આક્રમણને નવું જીવન આપ્યું છે. તેના સ્લોઅર બોલને રમવું બેટર માટે મુશ્કેલ બની રહ્યું છે. ટીમ ઈન્ડિયાને આ વર્ષે યોજાનારા T20 વર્લ્ડ કપમાં પણ તેનો ફાયદો થશે.

આવેશ ખાન આ સિરીઝની પ્રથમ ત્રણ મેચમાં વિકેટ લઈ શક્યો નહોતો. તેની ટીકા થઈ રહી હતી કે ભારતીય ટીમ મેનેજમેન્ટ તેના સ્થાને ઉમરાન મલિક અથવા અર્શદીપ સિંહને શા માટે તક નથી આપી રહ્યું, પરંતુ ચોથી મેચમાં આવેશે ચાર વિકેટ લઈને સાબિત કર્યું કે તે પણ ભારતને જિતાડવાની શક્તિ ધરાવે છે.

ઈશાનનું શાનદાર પ્રદર્શન

દક્ષિણ આફ્રિકા સામેની સિરીઝમાં રોહિત શર્મા અને કેએલ રાહુલની ગેરહાજરીમાં ઈશાન કિશન અને ઋતુરાજ ગાયકવાડે ટીમને સારી શરૂઆત અપાવી હતી. ઈશાન કિશન આ સિરીઝમાં સૌથી વધુ રન કરનારો બેટર બન્યો હતો. તેણે 41.20ની શાનદાર એવરેજથી 206 રન કર્યા હતા. તે જ સમયે, તેનો સ્ટ્રાઈક રેટ 150.36નો હતો.

ઈશાન ફોર્મમાં હોવાથી ટીમ ઈન્ડિયાને ઘણો ફાયદો થવાનો છે. ભારતને ઈશાનના રૂપમાં T20 અને ODIમાં એક શાનદાર ઓપનિંગ બેટર મળ્યો છે. ઉપરાંત ઈશાન પણ એક અદ્ભૂત વિકેટકીપર છે.

રાહુલ દ્રવિડની અદ્ભુત વ્યૂહરચના
ટીમ ઈન્ડિયાના કોચ રાહુલ દ્રવિડે સાઉથ આફ્રિકા સામેની પાંચ મેચની પ્લેઈંગ-11માં કોઈ ફેરફાર કર્યો નથી. પ્રથમ બે મેચ હારવા છતાં તેણે પોતાની ટીમ પર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ટીમને આનો ફાયદો થયો અને ખેલાડીઓએ છેલ્લી બે મેચમાં પોતાનું 100% આપ્યું છે.

યુઝવેન્દ્ર ચહલે બીજી T20માં ચાર ઓવરમાં 49 રન આપ્યા હતા. તેના ખરાબ પ્રદર્શન છતાં તેને આગામી મેચમાં તક આપવામાં આવી હતી અને તેણે શાનદાર પ્રદર્શન કર્યું હતું. ચહલે 4 ઓવરમાં 20 રન આપીને 3 વિકેટ લીધી અને મેન ઓફ ધ મેચ પણ બન્યો હતો. એ જ સમયે, ટીમ મેનેજમેન્ટે આવેશ ખાન પર પણ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો, જેણે પ્રથમ ત્રણ મેચમાં એકપણ વિકેટ લીધી નહોતી અને તેણે ચોથી મેચમાં 4 વિકેટ લઈને ભારતીય ટીમને જીત અપાવી હતી.

અન્ય સમાચારો પણ છે...