• Gujarati News
  • Sports
  • India's Star Tennis Player Announces Retirement, 2022 Will Be His Last Season

ટેનિસને અલવિદા:ભારતની સ્ટાર પ્લેયર સાનિયા મિર્ઝાએ 35ની ઉંમરે નિવૃત્તિની જાહેરાત કરી, કહ્યું- હવે શરીર સાથ નથી આપતું; 2022 છેલ્લી સીઝન રહેશે

4 મહિનો પહેલા
  • સાનિયા અત્યારસુધીમાં 6 ગ્રાન્ડ સ્લેમ જીતી ચૂકી છે

ઈન્ડિયન ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાએ બુધવારે નિવૃત્તિ લેવાની જાહેરાત કરી દીધી છે. ઓસ્ટ્રેલિયન ઓપનમાં હારનો સામનો કર્યા પછી તેણે ટેનિસ કોર્ટને અલવિદા કહેવાનો નિર્ણય લીધો છે. આ દરમિયાન સાનિયાએ કહ્યું હતું કે મારું શરીર હવે સાથ આપતું નથી. હવે તો પ્રેરણા અને ઊર્જાનો સ્તર પણ ઘટવા લાગ્યો છે, તેથી 2022ની આ સીઝન મારી છેલ્લી રહેશે.

સાનિયા અને યુક્રેનની નાદિયા કિચેનોકની જોડીને સ્લોવેનિયાની ટી.ઝિડાનસેક અને કાજા જુવાને 4-6, 6-7(5)થી પરાજય આપ્યો હતો. આ હારની સાથે જ મહિલા ડબલ્સની પ્રથમ મેચ હારીને સાનિયા મિર્ઝા બહાર થઈ ગઈ છે. જોકે હવે સાનિયા ઓસ્ટ્રેલિયન ઓપનમાં મિક્સ ડબલ્સ મેચમાં રાજીવ રામ સાથે જોડી બનાવીને રમતી જોવા મળશે.

મને હવે શરીર સાથ આપતું નથી- સાનિયા મિર્ઝા
સાનિયાએ કહ્યું હતું કે 2022 મારી છેલ્લી સીઝન રહેશે. હું મારું બેસ્ટ આપી રહી છું અને પ્રેક્ટિસ પણ કરી રહી છું, પરંતુ મને ખાતરી નથી કે હું આ આખી સીઝન રમી શકીશ કે નહીં. વળી, પહેલા રાઉન્ડમાં હાર્યા પછી સાનિયાએ કહ્યું હતું કે મને લાગે છે કે હું આના કરતાં વધુ સારી રીતે રમી શકું છું, પરંતુ હવે મારું શરીર સાથ આપતું નથી. મારા માટે આ સૌથી મોટું દુ:ખ છે.

સાનિયા અત્યારસુધીમાં 6 ગ્રાન્ડ સ્લેમ જીતી ચૂકી છે
મહિલા ડબલ્સમાં સાનિયા મિર્ઝાએ 2016માં ઓસ્ટ્રેલિયન ઓપન, 2015માં વિમ્બલ્ડન અને યુએસ ઓપન જીતી હતી. એ જ સમયે, મિક્સ ડબલ્સમાં સાનિયા 2009મા ઓસ્ટ્રેલિયન ઓપન, 2012મા ફ્રેન્ચ ઓપન અને 2014મા યુએસ ઓપન જીતી ચૂકી છે.

2003મા પ્રોફેશનલ કારકિર્દીની શરૂઆત કરી

  • 35 વર્ષની સાનિયા ભારતની ઉંમરલાયક મહિલા ટેનિસ સ્ટાર છે. તેણે 2003માં ટેનિસમાં પોતાની પ્રોફેશનલ કારકિર્દીની શરૂઆત કરી હતી.
  • છેલ્લાં 19 વર્ષથી તે સતત ટેનિસ રમી રહી છે અને સાનિયા ઘણી આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટમાં પણ ભારતને જીત અપાવી ચૂકી છે.
  • સાનિયા પોતાની કારકિર્દીમાં ડબલ્સમાં પણ નંબર-1 રહી ચૂકી છે.

સાનિયાએ ઘણા સ્ટાર ખેલાડીઓને હરાવ્યા છે
સાનિયા મહિલા સિંગલ્સની મેચોમાં પણ રમી ચૂકી છે, જેમાં તેણે તેના કરતાં સારી રેન્ક ધરાવતી ઘણી પ્લેયર્સને માત આપી છે. વળી, તેણે પોતાની સિંગલ્સ કારકિર્દીમાં સ્વેત્લાના કુઝનેત્સોવ, વેરા ઝ્વોનારેવા, મેરિયન બોર્ટોલી, ભૂતપૂર્વ નંબર-વન માર્ટિના હિંગિસ, દિનારા સફિના અને વિક્ટોરિયા અઝારેન્કા જેવી સ્ટાર પ્લેયર્સને હરાવી ચૂકી છે.

કાંડાની ઈજાને કારણે સિંગલ્સ મેચ ચૂકી ગઈ

  • કાંડાની ઈજાને કારણે સાનિયાને સિંગલમાંથી પોતાનું નામ પરત લેવું પડ્યું હતું.
  • તમને જણાવી દઈએ કે અત્યારસુધી ભારતની માત્ર 2 મહિલા ખેલાડીએ WTA ટાઈટલ પોતાને નામ કર્યું છે અને સાનિયા મિર્ઝા પણ તેમાંની એક છે.
  • સાનિયા મિર્ઝા સિંગલ્સમાં ટોપ 100માં પહોંચનારી એકમાત્ર ભારતીય મહિલા ખેલાડી છે.
  • સાનિયાએ 2010માં પાકિસ્તાનના સ્ટાર ક્રિકેટર અને પૂર્વ કેપ્ટન શોએબ મલિક સાથે લગ્ન કર્યા હતા.
અન્ય સમાચારો પણ છે...