ભુવનેશ્વર અને રૂરકેલામાં 13 જાન્યુઆરીએ 15મો હોકી વર્લ્ડ કપની શરૂઆત થશે. 19 જાન્યુઆરી સુધી યોજાનાર આ વર્લ્ડ કપની યજમાની ભારતને ચોથીવાર મળી છે. હોકીમાં સ્વર્ણિમ ઈતિહાસ હોવા છતાં ભારત આ ટૂર્નામેન્ટમાં અત્યારસુધી કંઈ ખાસ કમાલ દેખાડી શક્યું નથી. ઓલિમ્પિકમાં 8 વખત ગોલ્ડ મેડલ જીતનાર ભારત માત્ર 1975માં એક જ વખત હોકીનું વર્લ્ડ ચેમ્પિયન બની શક્યું છે. ત્યારથી લઈને અત્યારસુધીમાં ભારત બ્રોન્ઝ (ત્રીજું સ્થાન) પણ જીતી શકી નથી.
આ સ્ટોરીમાં આપણે જાણીશું કે આપણું પ્રદર્શન કેમ નબળું છે. સાથે જ એ પણ જાણીશું કે આ ટૂર્નામેન્ટના ઈતિહાસમાં સૌથી વધુ ચારવાર ખિતાબ જીતનાર પાકિસ્તાન આ વખતે કેમ ભાગ નથી રહી?
સૌથી પહેલા જુઓ હોકી વર્લ્ડ કપમાં અત્યારસુધીના વિનર્સ...
ટૂર્નામેન્ટ શરૂ થઈ અને આપણી ગેમ ખરાબ થતી ગઈ...
વર્લ્ડ કપમાં ભારતના ખરાબ પ્રદર્શન પાછળનું સૌથી મોટું કારણ એ છે કે ટૂર્નામેન્ટ શરૂ થતાં જ આપણી ગેમ ખરાબ થવા લાગી હતી. ભારત 1920થી 1960ના દાયકા સુધી હોકી રમતા દેશોમાં સૌથી મજબૂત હતું. પરંતુ, 1970ના દાયકાથી, ભારતીય રમતનું ધોરણ ધીમે ધીમે ઘટવા લાગ્યું. પહેલો હોકી વર્લ્ડ કપ 1971માં જ યોજાયો હતો.
ભારતે પહેલી ટૂર્નામેન્ટમાં બ્રોન્ઝ જીત્યો હતો. આપણે બીજા વર્લ્ડ કપમાં સિલ્વર મેડલ મેળવ્યો હતો અને ત્રીજી એડિશનમાં ચેમ્પિયન બન્યા હતા. આ પછી ભારત ત્રીજા સ્થાને પણ આવી શકી નથી.
એસ્ટ્રોટર્ફને કારણે સ્થિતિ વધુ ખરાબ થઈ હતી
70ના દાયકામાં, હોકીની રમત ઘાસમાંથી એસ્ટ્રોટર્ફ તરફ ગઈ હતી. 80નો દશક આવ્યો ત્યાં સુધીમાં ઘાસ પર હોકી રમવાનું બંધ થઈ ગયું હતું. આના કારણે ભારતને સૌથી વધુ નુકસાન થયું છે. ઘાસ પર રમત ધીમી રમાતી હતી અને ડ્રિબલીંગ સ્કિલ્સમાં સુધારો અને પાસિંગ વધુ મહત્વનું હતું. એશિયન ખેલાડીઓ ડ્રિબલિંગ અને પાસિંગમાં શાનદાર હતા. તેથી જ્યાં સુધી ઘાસ પર રમત રમાતી હતી ત્યાં સુધી ભારત અને પાકિસ્તાન હોકીમાં સુપર પાવર રહ્યા હતા.
પહેલી પાંચ વર્લ્ડ કપ ઘાસના મેદાનમાં યોજાયા હતા. આમાંથી ચાર ટાઇટલ એશિયન દેશોએ જીત્યા હતા. પાકિસ્તાન ત્રણ વખત અને ભારત એક વખત ચેમ્પિયન બન્યું હતું. પરંતુ, એસ્ટ્રોટર્ફ પર હોકી વધુ ઝડપી હતી. આમાં સ્કિલ્સ કરતાં શક્તિ અને સહનશક્તિ વધુ મહત્વની બની ગઈ હતી. એસ્ટ્રોટર્ફના આવ્યા પછી, પાકિસ્તાન માત્ર એક જ વાર ટૂર્નામેન્ટ જીત્યું અને ભારત એક પણ વખત જીતી શક્યું નથી.
કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ નથી
1998માં પ્રથમ વખત કોમનવેલ્થ ગેમ્સમાં મેન્સ હોકીનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ત્યારથી તમામ સાત ગોલ્ડ મેડલ ઓસ્ટ્રેલિયાએ જીત્યા છે. ભારતે 3 વખત સિલ્વર મેડલ જીત્યા અને 2 વખત ચોથું સ્થાન મેળવ્યું છે. ઇંગ્લેન્ડે સૌથી વધુ 4 વખત બ્રોન્ઝ મેડલ જીત્યો છે. આપણે આ વખતે બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સની ફાઈનલ મેચ પણ હારી ગયા હતા.
ટોક્યો ઓલિમ્પિક પછીથી પરિસ્થિતિ બદલાઈ ગઈ
લાંબા સમય સુધી સંઘર્ષ કર્યા બાદ હવે ભારતીય ટીમ હવે એસ્ટ્રોટર્ફની ગતિને મેચ કરવામાં સક્ષમ છે. ટોક્યો ઓલિમ્પિક (2021)માં ભારતે બ્રોન્ઝ જીત્યો હતો. ભારતે 31 વર્ષ બાદ ઓલિમ્પિકમાં મેડલ જીત્યો હતો. હવે આશા છે કે ટીમ વર્લ્ડ કપમાં પણ વધુ સારી રમત બતાવશે.
આ વખતે પાકિસ્તાન ક્વોલિફાય કરી શક્યું નથી
એશિયા કપ હોકી ટૂર્નામેન્ટ એ વર્લ્ડ કપ માટે ક્વોલિફાઇંગ ટૂર્નામેન્ટ છે. જેમાં ટોપ-4માં રહેનારી ટીમને વર્લ્ડ કપની ટિકિટ મળે છે. પાકિસ્તાનની ટીમ ગત એશિયા કપમાં ટોપ-4માં પહોંચી શકી નહોતી. તેથી તે વર્લ્ડ કપ માટે ક્વોલિફાય થઈ શકી નથી.
આ વખતે ટીમ ઈન્ડિયા ઇંગ્લેન્ડ, સ્પેન અને વેલ્સના ગ્રુપમાં છે
13 જાન્યુઆરીથી શરૂ થઈ રહેલા આ વર્લ્ડ કપમાં ભારત, ઇંગ્લેન્ડ, સ્પેન અને વેલ્સ ગ્રુપ-4માં છે. 16 ટીમને 4 અલગ-અલગ ગ્રુપમાં વહેંચવામાં આવી છે. નોકઆઉટ સ્ટેજ 22મી જાન્યુઆરીથી શરૂ થશે. ક્વાર્ટર ફાઈનલ 24 અને 25 જાન્યુઆરીએ રમાશે. બન્ને સેમિફાઈનલ 27 જાન્યુઆરીના રોજ રમાશે.
ફાઈનલ મેચ ભુવનેશ્વરમાં 29 જાન્યુઆરીએ સાંજે 7 વાગે રમાશે. ટૂર્નામેન્ટની મેચ 1, 3, 5 અને 7 વાગેથી શરૂ થશે. મેચમાં 15-15 મિનિટના 4 ક્વાર્ટર રમાશે. ફાઈનલ પહેલા ત્રીજા સ્થાનની મેચ પણ 29 જાન્યુઆરીએ રમાશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.