ઈંગ્લેન્ડ VS ભારત:સિલેક્ટર્સની મુશ્કેલીઓમાં વધારો, આજે જીત્યા તો ભારત ઈંગ્લેન્ડ સામે સતત ચોથી ટી-20 સીરિઝ જીતશે

મુંબઈ3 મહિનો પહેલાલેખક: ચંદ્રેશ નારાયણન
  • કૉપી લિંક
  • પ્રથમ ટી-20 મોટા અંતરથી જીત્યા બાદ પ્લેઈંગ-11ની પસંદગી પડકારજનક

ઈંગ્લેન્ડે ગત 3 ટી-20 ઈન્ટરનેશનલ મેચમાં ભારત સામે હારનો સામનો કરવો પડ્યો છે. જો ભારત ઈંગ્લેન્ડ વિરુદ્ધ સીરિઝની બીજી મેચ જીતી લે છે તો સતત ચોથી દ્વિપક્ષીય ટી-20 સીરિઝ પણ જીતી લેશે. 2021માં 3-2, 2018માં 2-1 અને 2017માં ભારતે 2-1થી સીરિઝ જીતી હતી. બંને વચ્ચે સાતમી ટી-20 સીરિઝ રમાઈ રહી છે. ભારતે 3 અને ઈંગ્લેન્ડે 2 સીરિઝ જીતી છે.

એક સીરિઝ ડ્રો રહી હતી. શનિવારે બર્મિંગહામમાં રાતના 7 વાગ્યાથી મેચ રમાશે. પ્રથમ ટી-20માં દીપક હુડ્ડા અને અર્શદીપ જેવા યુવા ખેલાડીના પ્રદર્શનને કારણે બીજી અને ત્રીજી ટી-20માં ટીમ સિલેક્શન માટેની મુશ્કેલીઓ વધી છે. હુડ્ડા અને સૂર્યકુમારે સકારાત્મક અભિગમ સાથે બેટિંગ કરી તથા ટીમનો રનરેટ 10ની ઉપર રાખ્યો. આ ઉપરાંત હાર્દિક પંડ્યાએ બેટિંગ અને બોલિંગમાં શાનદાર પ્રદર્શન કરતા ફરી પોતાની ક્ષમતા સાબિત કરી.

જવાબદારી સાથે પિચ પર ટકી રહી તે ટીમને મજબૂત સ્કોર સુધી લઈ ગયો. તે પછી 4 વિકેટ ઝડપી ઈંગ્લેન્ડ ટીમને જીતથી વંચિત રાખવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી. ભુવી અને અર્શદીપ બાદ પંડ્યાએ ઈંગ્લિશ ખેલાડીઓને મુક્તમને રમતા અટકાવ્યા. અર્શદીપે આક્રમક બેટર જેસન રૉયને મોટા શૉટ્સ રમવાની તક ન આપી. રૉય 16 બોલમાં 4 રન જ કરી શક્યો. સ્લોગ ઓવર્સમાં અર્શદીપની શાનદાર બોલિંગ પણ ટીમ ઈન્ડિયા માટે સારી વાત રહી.

કોહલી, પંત, બુમરાહ, અય્યર -જાડેજા જોડાયા
સિનિયર ખેલાડી કોહલી, પંત, શ્રેયસ, બુમરાહ અને રવીન્દ્ર જાડેજાના કમબેક બાદ પ્લેઈંગ-11ની મુશ્કેલીઓમાં વધારો થયો છે. પ્રથમ ટી-20માં 8 રન કરનાર કિશનના સ્થાને કોહલી રમશે. અર્શદીપના સ્થાને બુમરાહ અને અક્ષરના સ્થાને જાડેજા રમી શકે છે. પંત અને કાર્તિકમાંથી કોઈ એકને ટીમમાં રાખવાનો નિર્ણય પડકારજનક રહેશે. કેપ્ટન રોહિત કોહલી-બુમરાહને આરામ આપી ઉમરાન-અર્શદીપને તક આપશે કે સિનિયર સાથે મેદાને ઉતરશે એ જોવાનું રહેશે.

ટોપ-11 ખેલાડીઓની પસંદગી ઉપરાંત ફિલ્ડિંગ પણ ભારત માટે ચિંતાનો વિષય છે. કાર્તિકની સામાન્ય કિપિંગ અને કેચ છોડવું પ્રથમ ટી-20માં ભારે પડી શકે તેમ હતું. પ્રથમ મેચમાં જીત મેળવવા છતાં ભારતે ઈંગ્લિશ ટીમ સામે રમતા એલર્ટ રહેવું જરૂરી છે. ઈંગ્લેન્ડ પાસે બટલર, લિવિંગસ્ટોન, રૉય, મલાન, મોઈન, મિલ્સ અને જોર્ડન તરીકે એકથી વધુ મેચ વિનર ખેલાડીઓ છે. હેરી બ્રૂકે પ્રથમ મેચમાં પોતાની ક્ષમતા દેખાડી.એવામાં બીજી ટી-20માં બંને ટીમો વચ્ચે મજબૂત ટક્કર જોવા મળી શકે છે.

અન્ય સમાચારો પણ છે...