તાજેતરમાં જ નીરજ ચોપરાએ ટોક્યો ઓલિમ્પિકમાં ભાલા ફેંકમાં ગોલ્ડ મેડલ જીતી દેશનું નામ રોશન કર્યું છે. ભારત માટે ગોલ્ડ મેડલ જીત્યા પછી નીરજ ચોપરા પર ધનવર્ષા થવા લાગી છે. તેવામાં નીરજની પહેલા 1984માં પણ આર્મીના એક સૂબેદાર મેજરે ભાલા ફેંકમાં દેશને ગોલ્ડ મેડલ જીતાડ્યો હતો.
સૂબેદાર સરનામ સિંહે દેશ માટે 7 ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ જીત્યા હતા, પરંતુ આર્મીથી નિવૃત્ત થયા પછી પાડોશીઓના ત્રાસથી કંટાળીને તેઓ આગ્રા જિલ્લાના ફતેહાબાદમાં પોતાની જમીન અને અન્ય મિલકત છોડી ગુમનામ જીવન વિતાવી રહ્યા છે.
સાઉથ એશિયન ગેમ્સમાં ગોલ્ડ જીત્યો
સરનામ સિંહ ધૌલપુરમા રહે છે. તેમણે કહ્યું હતું કે 18 સપ્ટેમ્બર 1970ના દિવસે ઈન્ડિયન આર્મીમાં સૈનિક રૂપે ફરજ બજાવવા માટે સિલેક્ટ કરાયા હતા. ત્યારપછી સરનામને આર્મી દ્વારા 1982મા ઓલિમ્પિક મોકલાયા હતા.
આ પ્રતિયોગિતા દરમિયાન તેઓ ઘાયલ થયા હોવા છતા ચોથા સ્થાન પર રહ્યા હતા. સરનામ સિંહે જણાવ્યું હતું કે તેમ છતાં મેં હિમ્મત નહોતી હારી અને 1984મા નેપાળના કાઠમાંડૂમાં સાઉથ એશિયન ગેમ્સમાં 78.58 મીટર દૂર ભાલો ફેંકી પહેલું સ્થાન મેળવી ગોલ્ડ મેડલ જીત્યો હતો.
મેડલ જીતતો ગયો તેમ-તેમ આર્મીમાં પણ પ્રમોશન થતું ગયું
ત્યારપછી તેમણે ઈન્ડોનેશિયા જકાર્તા, જર્મની, પાકિસ્તાન સહિત અન્ય દેશોમાં સિલ્વર તથા બ્રોન્ઝ મેડલ જીતી દેશને નામ મેડલ જીત્યો હતો. નેશનલ પ્રતિયોગિતામાં સરનામે 7 ગોલ્ડ મેડલ જીત્યા હતા. તેમણે જણાવ્યું હતું કે મને જેમ-જેમ સફળતા મળતી ગઈ તેમ-તેમ આર્મીમાં પણ મારુ પ્રમોશન થતું ગયું હતું. એક સૈનિક તરીકે નિમાયેલા સરનામ સિંહ 1 ઓક્ટોબર 2001ના દિવસે સૂબેદાર મેજરના પદેથી નિવૃત્ત થયા હતા.
સેવાનિવૃત્તિ પછી તેમને પાડોશીઓ દ્વારા હેરાન કરવામાં આવતા હતા. જમીન વિવાદ અને અન્ય કારણોસર સતત પ્રતાડિત કર્યા પછી એકવાર તો પાડોશીઓએ તેમના ભત્રિજા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આ પ્રમાણે પાડોશીઓ સરનામને પણ હેરાન કરતા હતા.
ત્યારપછી પાડોશીઓએ સરનામના ખેતરો અને જમીનો પર કબજો કરી લીધો હતો. તેમણે ટ્યૂબવેલને પણ નુકસાન પહોંચાડીને સરનામને હેરાન કરવાનું ચાલૂ રાખ્યું હતું. સરનામે આગ્રા પ્રશાસનને પણ ઘણીવાર ફરિયાદ કરતા પત્રો લખ્યા હતા પરંતુ આ મુદ્દે પ્રશાસને કોઇપણ પ્રકારની કાર્યવાહી ન કરતા તેમણે ધૌલપુરમાં ભાડે રહેવાનો નિર્ણય કર્યો હતો. અત્યારે તેઓ ત્યાં પોતાના પરિવાર સાથે ગુમનામીનું જીવન જીવે છે.
પાન સિંહ બનવાની ઇચ્છા હતી, પરિવારને કારણે પગ પાછા ખેંચ્યા
સુબેદાર મેજર સરનામ સિંહે જણાવ્યું હતું કે ગામમાં પાડોશીના ત્રાસથી કંટાળીને બળવાખોર બનાવાનો વિચાર કરી લીધો હતો. જેવી રીતે પાનસિંહ તોમારને પરિસ્થિતિએ મજબૂર કરી દીધા હતા તેવી જ પરિસ્થિતિ એમના સામે ઊભી થઈ ગઈ હતી.
ત્યારપછી પરિવાર અને બાળકોની સામે એક નજર ફેરવીને બળવાખોર બનવાનો નિર્ણય માંડી વાળ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે દેશ માટે ગોલ્ડ મેડલ જીત્યો હોવા છતાં મને કોઇએ એક પ્રશંસા કરતો પત્ર પણ આપ્યો નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.