ફ્રાન્સ ફૂટબોલ ટીમના કેપ્ટન હ્યૂગો લોરિસે સોમવારે ઈન્ટરનેશનલ ફૂટબોલમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી દીધી છે. 36 વર્ષીય લોરિસ 16 વર્ષ સુધી ફ્રેન્ચ ટીમ સાથે જોડાયેલા હતા. તેઓએ 2018માં વિશ્વ કપ અને 2020-21માં નેશન્સ લીગ જીતી હતી. લોરિસે નવેમ્બર 2008માં 21 વર્ષની ઉંમરમાં ઉરૂગ્વેના વિરુદ્ધ એક ફ્રેન્ડલી મેચથી આંતરરાષ્ટ્રીય ડેબ્યૂ કર્યું હતું.
તેઓ વર્લ્ડ કપમાં ફ્રાન્સ માટે સૌથી વધુ મેચ રમવાવાળા ખેલાડી પણ છે. તેઓએ લિલિયન થુરમના 142 મેચોનો રેકોર્ડને પાછળ છોડી દીધો હતો. પાછલા ફીફા વર્લ્ડ કપ ફાઈનલમાં ઊતરવાની સાથે જ લોરિસે ફ્રાન્સ માટે 145મી મેચ રમી હતી.
ફીફા વર્લ્ડ કપ 2022ના ફાઈનલ સુધી પહોંચ્યું હતું ફ્રાન્સ
લોરિસની કેપ્ટનશિપમાં પાછલા વર્ષે કતારમાં યોજાયેલા ફીફા વર્લ્ડ કપમાં ફ્રાન્સની ટીમ ફાઈનલમાં પહોંચી હતી. જોકે, ફાઈનલમાં તેને પેનલ્ટી શૂટઆઉટમાં અર્જેન્ટિના સામે હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચમાં એક્સ્ટ્રા ટાઈમ સુધી બંને ટીમે 3-3 ગોલ કરી બરાબરી હાંસિલ કરી હતી. પેનલ્ટી શૂટઆઉટમાં અર્જેન્ટિના 4 ગોલ કરવામાં સફળ થયું, જ્યારે ફ્રાન્સની ટીમ 2 જ ગોલ કરી શકી હતી. આ રીતે ફ્રાન્સે 2-4થી હારનો સામનો કરવો પડ્યો હતો.
સતત બે વર્લ્ડ કપ ફાઈનલ રમવાવાળા ચોથા કેપ્ટન
લોરિસે તેમની કેપ્ટનશિપમાં ફ્રાન્સને સતત બીજીવાર ફાઈનલમાં પહોંચાડી હતી. તે વિશ્વના ચોથા કેપ્ટન રહ્યા જેણે આ કારનામું કર્યું હતું. લોરિસની કેપ્ટનશિપમાં 2018 વર્લ્ડ કપમાં ફ્રાન્સ વિજેતા બન્યું હતું, જ્યારે 2022 વર્લ્ડ કપમાં રનરઅપ રહ્યું હતું.
આ અગાઉ જર્મનીના કેપ્ટન કાર્લ હીંજ રૂમેનિગેએ તેમની ટીમને 1982 અને 1986 વર્લ્ડ કપના ફાઈનલમાં પહોંચાડી હતી. જોકે, તેમની ટીમને બંને વાર હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે ડિએગો મારોડોના પણ અર્જેન્ટિનાને તેમની કેપ્ટનશિપમાં 1986 અને 1990ના ફાઈનલ સુધી લઈ ગયા હતા. 1986માં અર્જેન્ટિનાએ ટાઈટલ તેના નામ કરી લીધું, જોકે 1990માં તેમને હારનો સામનો કરવો પડ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.