ઈન્ડિયા અને દ.આફ્રિકા વચ્ચે રમાયેલી ચોથી T20 મેચ રાજકોટમાં રમાઈ હતી. જેમાં ટોસ હાર્યા પછી પહેલાં બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમના બેટર દિનેશ કાર્તિકે શાનદાર બેટિંગ કરી બાજી પલટી નાખી હતી. શરૂઆતમાં ધીમી બેટિંગના કારણે સ્કોર 130-140 વચ્ચે રહેશે એમ લાગી રહ્યું હતું. પરંતુ ત્યારપછી દિનેશ કાર્તિક અને હાર્દિક પંડ્યા વચ્ચેની પાર્ટનરશિપ બાજી પલટી નાખી અને ટીમને 169 રનના સન્માનજનક સ્કોર સુધી દોરી ગઈ હતી. તો ચલો આપણે દિનેશની બેટિંગ અને તેની સાથી ખેલાડી સાથેની પાર્ટનરશિપ પર નજર કરીએ....
શરૂઆતી ધબડકા પછી કાર્તિક-હાર્દિકે બચાવ્યા
મેચ શરૂ થાય એની પહેલાં રાજકોટમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. જેના કારણે એમ લાગી રહ્યું હતું કે મેચમાં વિઘ્ન આવશે. પરંતુ ટોસ પહેલાં વાતાવરણમાં પલટો આવ્યો અને ત્યારપછી મેચ યોગ્ય સમયે જ શરૂ થઈ હતી. આ દરમિયાન ભારતે 3 ઓવરમાં શ્રેયસ અને ઋતુરાજની વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારપછી જોતજોતામાં તો ઈશાન કિશન અને રિષભ પંત પણ પેવેલિયન ભેગા થઈ ગયા હતા. એક સમયે સ્થિતિ એવી આવી હતી ભારતે 12.5 ઓવરમાં સ્લો રન રેટ સાથે માત્ર 81 રન કર્યા હતા અને 4 વિકેટ ગુમાવી દીધી હતી.
કાર્તિકની તોફાની બેટિંગ
અત્યારની ઈન્ડિયન ટીમના સૌથી અનુભવી બેટર એવા દિનેશ કાર્તિકે ત્યારપછી ઈનિંગ સંભાળી હતી. અને જાણે આફ્રિકન બોલર્સની સામે એ.બી.ડિવિલિયર્સ બેટિંગ કરતો હોય તેવું પ્રદર્શન કરવા લાગ્યો હતો. તેણે 27 બોલમાં 9 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકારી કુલ 55 રન નોંધાવી દીધા હતા.
તમને જણાવી દઈએ કે દિનેશ કાર્તિકે 16 વર્ષની આંતરરાષ્ટ્રીય T20 કારકિર્દીમાં પહેલી ફિફ્ટી નોંધાવીને અનોખો ચોંકાવનારો રેકોર્ડ પણ બનાવી દીધો છે. લગભગ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી ચૂકેલા કાર્તિકે ફરીથી કમબેક કરી પોતાની આગવી છાપ ઊભી કરી દીધી છે.
દિનેશ - હાર્દિક વચ્ચેની પાર્ટનરશિપ ટર્નિંગ પોઈન્ટ
ઈન્ડિયન ટીમના વાઈસ કેપ્ટન હાર્દિક પંડ્યા અને બેટર દિનેશ કાર્તિક વચ્ચે પાંચમી વિકેટ માટે 33 બોલમાં 65 રનની પાર્ટનરશિપ નોંધાઈ હતી. આ બંનેની પાર્ટનરશિપમાં જો અંગત યોગદાનની વાત કરીએ તો હાર્દિકે 11 બોલમાં 21 રન જોડ્યા હતા. તો બીજી બાજુ આમાં 22 બોલમાં 43 રન કાર્તિકે જોડી તોફાની બેટિંગ કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.