ક્રિકેટથી લઈ કબડ્ડીની રમતોમાં રાષ્ટ્રીય સ્તરે ઘણી લીગ શરૂ થઈ છે. જેના કારણે રમતના સ્તર અને ખેલાડીઓની કમાણીમાં સુધારો થયો હોવાનું જોવા મળે છે. અમદાવાદમાં 17 થી 21 ઓગસ્ટ દરમિયાન ટેબલ ટેનિસની ગુજરાત સુપર લીગની પ્રથમ સિઝન રમાશે. આ લીગમાં 8 ટીમો વચ્ચે 32 મેચ રમાશે. જેમાં પ્રથમ રાઉન્ડ રોબીન સ્ટેજ અને પછી IPLની જેમ ક્વોલિફાયર અને એલિમિનિટેર રાઉન્ડ બાદ ફાઈનલ રમાશે. 8 ટીમોએ 4 દિવસની સિઝન માટે ખેલાડીઓને ટીમમાં સામેલ કરવા કુલ 22 લાખ રૂપિયા સુધીની રકમ ખર્ચી છે.
ટૂર્ના.માં ભાગ લઈ રહેલા મહત્ત્વના ખેલાડીઓમાં કોમનવેલ્થ ગેમ્સમાં હાલમાં ગોલ્ડ જીતનાર હરમીત દેસાઈ ઉપરાંત સેનિલ શેટ્ટી, માનુશ શાહ, માનવ ઠક્કર, શ્રીજા અકુલા, મોઉમા દાસ, કૃત્ત્વિકા સિંહા રૉય, ઇશાન હિંગોરાણી, ફ્રેનાઝ છીપિયા, ફિલઝાહ કાદરી જોવા મળશે. લીગ અંગે સ્ટેટ એસોસિએશનના અધ્યક્ષ વિપુલ મિત્રાએ કહ્યું કે,‘માત્ર ક્રિકેટર્સ જ સ્ટાર કેમ મનાય અને તેમને જ વધુ કમાણી કેમ થાય તે વિચારીને લીગ શરૂ કરવાનો નિર્ણય કર્યો હતો. લીગથી ટેનિસની લોકપ્રિયતા તથા ખેલાડીઓનું સ્ટારડમ વધશે.’ લીગમાં ભવિષ્યમાં વિદેશી ખેલાડીઓને પણ લાવવાના પ્રયાસ કરાશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.