વિશ્વના નંબર-1 મેન્સ ટેનિસ ખેલાડી નોવાક યોકોવિચ અમેરિકાના ફ્લોરિડામાં યોજાનારી ATP ટૂર્નામેન્ટ માયામી ઓપનમાં નહીં રમે. તેની પુષ્ટિ શનિવારના રોજ આયોજકોએ કરી છે. હકીકતમાં, યોકોવિચે કોરોના રસીનો ડોઝ નથી લીધો, જેના કારણે તેમને અમેરિકામાં એન્ટ્રી નથી મળી રહી. અગાઉ યોકોવિચે કેલિફોર્નિયામાં 6 માર્ચથી 19 માર્ચ વચ્ચે યોજાયેલી ઈન્ડિયન વેલ્સ ઇવેન્ટમાંથી પણ પોતાનું નામ પાછું લીધું હતું.
અમેરિકાની નીતિઓ મુજબ જે વ્યક્તિએ કોરોના રસી લીધી ના હોય તેમને અમેરિકામાં એન્ટ્રી આપવામાં આવતી નથી. યોકોવિચે અમેરિકાના અધિકારીઓને સ્પેશિયલ એન્ટ્રી માટે વિનંતી કરી હતી, પરંતુ તેમની વિનંતીને સ્વીકારવામાં આવી નહોતી. માયામી ઓપન ઇવેન્ટ 21 માર્ચથી 2 એપ્રિલ સુધી યોજાવવાની છે.
માયામી ઓપન ટૂર્નામેન્ટના ડિરેક્ટર જેમ્સ બ્લેકે જણાવ્યું હતું કે, માયામી ઓપન વિશ્વની પ્રમુખ ટૂર્નામેન્ટમાની એક છે, અમે ઇચ્છીએ છીએ કે આ ટૂર્નામેન્ટમાં વિશ્વના સર્વશ્રેષ્ઠ ખેલાડી રમે. અમે બનતું બધું કર્યું. અમે સરકાર સાથે વાત કરવાનો પણ પ્રયત્ન કર્યો. પરંતુ યોકોવિચને મંજૂરી નથી મળી શકી.
ગયા વર્ષે ઓસ્ટ્રેલિયા ઓપન અને US ઓપન પણ ના રમી શક્યા
સર્બિયાના સ્ટાર ગયા વર્ષે ઓસ્ટ્રેલિયા ઓપન અને US ઓપન પણ નહોતા રમી શક્યા. ગત વર્ષની શરૂઆતમાં કોરોના રસીનું સર્ટિફિકેટ ના હોવાના કારણે તેમને ઓસ્ટ્રેલિયા ઓપનના અધવચ્ચેથી જ મોકલી દેવામાં આવ્યા હતા. રસી ના લેવાના કારણે જ તેઓ US ઓપન પણ રમી શક્યા નહોતા.
યોકોવિચ જીતી ચૂક્યા છે 22 ગ્રાન્ડ સ્લેમ
યોકોવિચ સંયુક્ત રીતે રફેલ નડાલ સાથે 22 ગ્રાન્ડ સ્લેમ જીતી સૌથી વધુ ગ્રાન્ડ સ્લેમ જીતનારા ટેનિસ ખેલાડી છે. આ બન્ને પછી રોજર ફેડરર 20 ગ્રાન્ડ સ્લેમ જીતી ત્રીજા નંબરે છે.
દુબઈ ઓપનમાં યોકોવિચને મેદવેદેવ સામે મળી હતી હાર
યોકોવિચને ગયા અઠવાડિયે સિઝનની પ્રથમ હાર મળી હતી. દુબઈ ઓપનની સેમિફાઈનલમાં તેમને ડેનિયલ મેદવેદેવે સીધા સેટમાં હરાવી દીધા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.