ફૂટબોલ વર્લ્ડ કપ - સમલૈંગિકોના સમર્થનમાં 8 ટીમ:ઇંગ્લિશ કેપ્ટન બેન્ડ પહેરીને રમશે, FIFA પ્રતિબંધ લગાવી શકે છે

દોહા11 દિવસ પહેલા

પહેલાંથી જ વિવાદોમાં ઘેરાયેલા ફિફા વર્લ્ડ કપમાં હવે LGBT+ વિવાદ શરૂ થયો છે. મેચ દરમિયાન ઈંગ્લેન્ડ સહિત 8 ટીમે સમલૈંગિક સંબંધોને સમર્થન આપવાનો નિર્ણય કર્યો છે. ઈંગ્લેન્ડના કેપ્ટન હેરિકેને કહ્યું- 'તે ઈરાન સામેની તેની પ્રથમ મેચમાં રેઈન્બો બેન્ડ પહેરશે, જે LGBT+ સમુદાયનું પ્રતીક છે.'

એના પર FIFAએ કહ્યું- 'જો ટીમ અથવા ખેલાડીઓ આવું કરશે તો એ નિયમોનું ઉલ્લંઘન હશે. ફિફા ખેલાડીઓ પર પ્રતિબંધ પણ લગાવી શકે છે.

સવાલ-જવાબમાં ક્રમશઃ સમગ્ર બાબતને જાણીએ...

વિશ્વ કપમાં LGBT+ વિવાદ ક્યાંથી શરૂ થયો?
ઇંગ્લેન્ડનો કેપ્ટન હેરિકેન અને આખી ટીમ LGBT+ સમુદાયના સમર્થનમાં 'વન લવ' બેન્ડ પહેરીને મેચમાં ઊતરશે. ઈંગ્લેન્ડની આજે પ્રથમ મેચ ઈસ્લામિક દેશ ઈરાન સામે છે, જ્યાં સમલૈંગિક સંબંધો પર પ્રતિબંધ છે. દોહામાં ફિફા વર્લ્ડ કપ યોજાઈ રહ્યો છે, ત્યાં પણ સમલૈંગિક સંબંધો પર પ્રતિબંધ છે. અહીંથી વિવાદ શરૂ થયો હતો.

વન લવ બેન્ડ પર અંગ્રેજી કેપ્ટન હેરિકેને શું નિવેદન આપ્યું હતું?
હેરિકેને કહ્યું- 'એક ટીમ, સ્ટાફ અને સંસ્થા તરીકે અમે સ્પષ્ટ કરી દીધું છે કે અમે વન લવ આર્મ બેન્ડ પહેરવા માગીએ છીએ. ફિફા સાથે વાતચીત ચાલી રહી છે અને તેઓ અમને મેચ પહેલાં નિર્ણય જણાવશે. અમે અમારી ઈચ્છા સ્પષ્ટ કરી છે.

FIFA હેરિકેન પર શું પગલાં લઈ શકે છે?
જો હેરિકેન ઈરાન સામેની આજની મેચમાં રેઈનબો બેન્ડ પહેરીને ઊતરશે તો મેદાન પર આવતાંની સાથે જ રેફરી તેને યલો કાર્ડ બતાવી શકે છે. જો હેરિકેન બીજી મેચમાં પણ આવું જ કરે છે તો તેને ફરીથી યલો કાર્ડ દેખાડવામાં આવી શકે છે. આ કારણે તે ત્રીજી મેચમાં રમી શકશે નહીં. FIFA મેચ પહેલાં પોતાની ટીમને ડ્રેસિંગ રૂમમાં મોકલીને ખેલાડીઓને તેમના બેન્ડ હટાવવા માટે કહી શકે છે. આ સિવાય દંડ અથવા પ્રતિબંધ પણ લગાવી શકાય છે.

કઈ ટીમો LGBT+ ના સમર્થનમાં છે?
ઈંગ્લેન્ડ ઉપરાંત વેલ્શની ગેરેથ બેલ, જર્મનીના મેન્યુઅલ ન્યૂઅર, નેધરલેન્ડના વર્જિલ વેન ડીજકે પણ રેઈનબો બેન્ડ પહેરવાનું મન બનાવી લીધું છે. કુલ 8 ટીમ છે, જે સમલૈંગિક સંબંધોના સમર્થનમાં છે. આ ટીમો અને ખેલાડીઓનાં નામ હમણાં જ સામે આવ્યાં છે.

શું ફિફાની ચેતવણીથી કોઈ ફરક નહીં પડે?
ઈંગ્લેન્ડની ટીમ ઈચ્છે છે કે બેન્ડ પહેરવા પર શું કરવામાં આવશે એ અંગે સ્થિતિ સ્પષ્ટ કરવામાં આવે. ત્યાર બાદ ટીમ અને મેનેજમેન્ટ સાથે મળીને નિર્ણય લેશે. જર્મનીએ કહ્યું હતું કે જો દંડ કરવામાં આવશે તો અમે એના માટે તૈયાર છીએ. જોકે ટીમ મેનેજમેન્ટ તેના પ્લેયર મેન્યુઅલ પર કાર્યવાહી કરી શકે છે કે કેમ એ અંગે ચિંતિત છે. વર્લિજલ વાને કહ્યું- હું એક લવ બેન્ડ પહેરીશ. જો મને આ માટે યલો કાર્ડ બતાવવામાં આવશે તો અમે તેની ચર્ચા કરીશું.

યલો કાર્ડ કેટલી મહત્ત્વની ભૂમિકા ભજવશે?
યલો કાર્ડ સામાન્ય રીતે ચેતવણી તરીકે આપવામાં આવે છે. ખેલાડીએ એક જ મેચમાં 2 યલો કાર્ડ પર મેદાન છોડવું પડી શકે છે. રેડ કાર્ડ મળવા પર ખેલાડીએ તરત જ મેદાન છોડવું પડે છે. આ કાર્ડને કારણે ખેલાડી પર પ્રતિબંધ પણ લાગી શકે છે.

  • જો કોઈ ખેલાડી 19 અઠવાડિયાંમાં 5 યલો કાર્ડ મેળવે છે, તો તેના પર એક મેચનો પ્રતિબંધ લાગે છે.
  • જો 32 અઠવાડિયાંમાં 10 યલો કાર્ડ હોય તો ખેલાડી પર બે મેચનો પ્રતિબંધ મૂકવામાં આવે છે.
  • જો 38 અઠવાડિયાંમાં 15 યલો કાર્ડ હોય તો 3 મેચનો પ્રતિબંધ છે.
  • એક સીઝનમાં 20 યલો કાર્ડ મળવા પર, રેગ્યુલેટરી કમિશન ખેલાડીને યોગ્ય લાગે એ પ્રમાણે સજા કરી શકે છે.

જ્યારે કોઈ ખેલાડી અયોગ્ય વર્તન કરે છે ત્યારે યલો કાર્ડ આપવામાં આવે છે. એ પોતાના વર્તન કે શબ્દોથી રેફરીની વાત માનતો નથી. વારંવાર નિયમોનો ભંગ કરી રહ્યો છે. રમત શરૂ કરવામાં વિલંબ કરી રહ્યો છે. કોર્નર્સ અને ફ્રી કિક દરમિયાન નિયત અંતર ન રાખવું. મેચ રેફરીની પરવાનગી વિના મેદાન છોડવું અને પ્રવેશવું. પહેલું યલો કાર્ડ ચેતવણી છે અને બીજું યલો કાર્ડ રેડમાં બદલાઈ જાય છે.

આ ફિફા વર્લ્ડ કપ સાથે સંબંધિત અન્ય વિવાદો શું છે?

1. કતાર પર યજમાની ખરીદવાનો આરોપ, FIFA અધિકારી સસ્પેન્ડ
આ વર્લ્ડ કપ શરૂઆતથી જ વિવાદોમાં ઘેરાયેલો છે. વર્ષ 2010માં જ્યારે કતારની યજમાની હતી. પછી ફિફાની એક્ઝિક્યુટિવ કમિટીના 2 સભ્યોએ તેમના મત વેચવાની ઓફર કરી. જોકે મતદાન પહેલાં બંનેને હટાવી દેવામાં આવ્યા હતા. એક વર્ષ પછી, સન્ડે ટાઇમ્સે જાહેર કર્યું કે સમિતિના અન્ય બે સભ્યોએ તેમના મત 15 લાખ ડોલરમાં વેચ્યા હતા. જો કે, તે સભ્યોએ આક્ષેપોને ફગાવી દીધા હતા.

2. FBIએ કહ્યું- FIFAમાં લાંચ, ગેરકાયદે ચૂકવણી
વર્ષ 2015માં યુએસ તપાસ એજન્સી FBIએ 5 વર્ષની તપાસ પછી કહ્યું હતું - લાંચ, ગેરકાયદે ચુકવણી અને ફાયદો કરાવવો એ ફિફામાં કામ કરવાની રીત બની ગઈ છે. જોકે FBIએ કતાર દ્વારા વર્લ્ડ કપની યજમાનીનો ખાસ ઉલ્લેખ કર્યો નથી. જોકે આ નિર્ણય લેનાર કાર્યકારી સમિતિના 22 સભ્યમાંથી 11ને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અથવા દંડ ફટકારવામાં આવ્યા હતા અથવા કાર્યવાહી કરવામાં આવી હતી. તેમાંથી 2 દોષિત ઠર્યા હતા, પરંતુ કતારની યજમાનીના કિસ્સામાં નથી.

3. ઓપનિંગ પહેલાં જ દારૂ પર પ્રતિબંધ
યજમાન કતારે વર્લ્ડ કપ પહેલાં જ દારૂના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો હતો. જ્યારે ટૂર્નામેન્ટના પ્રાયોજકોમાં બિયર બનાવતી કંપની પણ હતી. મેચ દરમિયાન આ અંગે નારાબાજી થઈ હતી.

4. પ્રથમ મેચમાં ફિક્સિંગના આરોપ, પરંતુ કતાર હારી ગયું
વર્લ્ડ કપની પહેલી જ મેચમાં સ્ટોપ ફિક્સિંગના આરોપો લાગ્યા હતા. એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે- 'કતારે જાણીજોઈને તેના પ્રતિસ્પર્ધી એક્વાડોરના ખેલાડીઓને મેચ હારી જવા માટે
લાંચ આપી છે અને કતાર પ્રથમ મેચ 1-0થી જીતશે અને ગોલ બીજા હાફમાં આવશે. જોકે કતાર પ્રથમ મેચ 2-0થી હારી ગયું હતું.

5. ઉદઘાટન સમારોહના યજમાન સામે આક્ષેપો
ફૂટબોલ વર્લ્ડ કપના ઉદઘાટન સમારોહની યજમાની માટે મોર્ગન ફ્રીમેનને આમંત્રણ આપવામાં આવ્યું હતું. તેના પર મહિલાનું શોષણ કરવાનો આરોપ છે.

6. ચાહકોની ઉદાસીનતા
ઓપનિંગ સેરેમનીમાં મોટા ભાગની સીટો ખાલી રહી હતી. સામાન્ય રીતે ફિફા વર્લ્ડ કપની શરૂઆત જોવા માટે વિશ્વભરમાંથી ચાહકો આવે છે.

અન્ય સમાચારો પણ છે...