જન્મ- 11 જાન્યુઆરી 1973 (ઇન્દોર)
શિક્ષણ- બી.કોમ., સેન્ટ જોસેફ્સ કોલેજ, બેંગલુરુ
પરિવાર- પત્ની વિજેતા દ્રવિડ અને બે પુત્ર- સમિત, અન્વય
સન્માન- પદ્મભૂષણ, પદ્મશ્રી, વિઝ્ડન ક્રિકેટર ઑફ ધ યર
રાહુલ દ્રવિડ ભારતીય ક્રિકેટ ટીમના નવા કોચ બની શકે છે. વર્તમાન કોચ રવિ શાસ્ત્રીનો કાર્યકાળ આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં યોજાનારા ટી20 વર્લ્ડ કપ બાદ પૂરો થઇ રહ્યો છે. ચર્ચા છે કે દ્રવિડ શાસ્ત્રીનું સ્થાન લઇ શકે છે. દ્રવિડ તાજેતરમાં જ બેંગલુરુ સ્થિત નેશનલ ક્રિકેટ એકેડમી (એનસીએ)ના ડાયરેક્ટર તરીકે કાર્યકાળ પૂરો કરી ચૂક્યો છે. જોકે, તેણે આ ચર્ચા અંગે હજુ સુધી કોઇ સત્તાવાર ટિપ્પણી નથી કરી.
થોડા સમય અગાઉ આપેલા એક ઇન્ટરવ્યૂમાં તેણે કહ્યું હતું કે ભારતીય ટીમના કોચ બન્યા બાદ તેણે વધારે ટ્રાવેલિંગ કરવું પડશે અને તે હાલ પરિવારથી દૂર જવાના મૂડમાં નથી. 16 વર્ષની કરિયરમાં દ્રવિડે ઘણાં રેકોર્ડ પોતાના નામે કર્યા, 24,177 રન કર્યા. 2003માં દ્રવિડ સ્કોટલેન્ડ તરફથી મેચ રમ્યો હતો. ત્યાં તેણે નેશનલ ક્રિકેટ લીગમાં ભાગ લીધો હતો. હાલ તે બેંગલુરુમાં તેના પરિવાર સાથે સમય વિતાવી રહ્યો છે. તેનો મોટો દીકરો સમિત પણ ક્રિકેટ રમે છે.
દ્રવિડ ક્રિકેટ કોચિંગ ઉપરાંત કોર્પોરેટ લેક્ચર પણ આપે છે તથા ગો સ્પોર્ટ્સ ફાઉન્ડેશનના માધ્યમથી ચેરિટી પણ કરે છે. રાહુલ દ્રવિડના જીવન સાથે જોડાયેલા કેટલાક રસપ્રદ કિસ્સા જાણીએ.
સોશિયલ મીડિયાથી દૂર, વૉટ્સએપ પણ યુઝ નથી કરતા
દ્રવિડ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર નથી. વૉટ્સએપ પણ નથી વાપરતો. તેનું એક ફેસબુક પેજ છે, જે પણ ટીમ હેન્ડલ કરે છે. દ્રવિડની જર્સી 19 નંબરની રહી છે. તેના જણાવ્યાનુસાર આ તેની પત્ની વિજેતાની જન્મતારીખ છે. તેઓ પત્નીનો જન્મદિવસ ખાસ બનાવવા ઇચ્છતા હોવાથી તેણે જર્સીનો નંબર 19 રાખ્યો. વિજેતા એક ઇન્ટરવ્યૂમાં જણાવે છે કે કોઇ ક્રિકેટ ટૂરમાં રાહુલ પાસે માત્ર 2 જોડી કપડાં હોય તો તેઓ તે જ ધોઇ-ધોઇને પહેરતો. ગેજેટ્સ, રિસ્ટ વૉચ કે બીજી કોઇ વસ્તુઓની કમીએ તેને ક્યારેય પરેશાન નથી કર્યા.
રાહુલના જીવનમાં આ 3 લોકો મહત્ત્વના
રાહુલ જીવનમાં 3 લોકોને કોચ-મેન્ટર માને છે. કેકી તારાપોર, સૈયદ કિરમાણી અને ન્યૂઝીલેન્ડના પૂર્વ ઓપનર જોન રાઇટ. 1999-2000 દ્રવિડની કરિયરનો ખરાબ સમયગાળો રહ્યો. આ દરમિયાન જ જોન રાઇટે ઇંગ્લેન્ડની કેન્ટ કન્ટ્રી ક્રિકેટ ક્લબમાં તેના નામની ભલામણ કરી. પૂર્વ વિકેટકીપર કિરમાણી જણાવે છે કે રાહુલ સારો શ્રોતા છે. તે સૌથી પહેલાં પ્રેક્ટિસ માટે પહોંચી જતો.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.