વિમ્બલડન:જોકોવિચની 32મી અને કિર્ગિયોસની પ્રથમ ગ્રાન્ડ સ્લેમ ફાઈનલ

વિમ્બલડન3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જોકોવિચ આઠમી વખત ગ્રાસ કોર્ટ ગ્રાન્ડ સ્લેમની ફાઈનલ રમશે, કિર્ગિયોસની પ્રથમ ફાઈનલ

રવિવારે વિમ્બલડન ફાઈનલમાં 3 વખતના ડિફેન્ડિંગ ચેમ્પિયન નોવાક જોકોવિચ અને પ્રથમવાર અહીં સુધી પહોંચનાર ઓસ્ટ્રેલિયન નિક કિર્ગિયોસ વચ્ચે મુકાબલો થશે. બંનેએ કરિયરના પ્રારંભે પોતાની અદ્ભુત ક્ષમતાઓ દેખાડી હતી. પરંતુ 19 વર્ષના પ્રોફેશનલ ટેનિસ કરિયરમાં જોકોવિચ પોતાની 32મી ગ્રાન્ડ સ્લેમ ફાઈનલ રમશે.

જ્યારે 2013માં પ્રોફેશનલ ટેનિસ ડેબ્યૂ કરનાર કિર્ગિયોસની આ પ્રથમ જ ગ્રાન્ડ સ્લેમ ફાઈનલ રહેશે. કિર્ગિયોસ પોતાની ઝડપી સર્વિસ માટે જાણીતો છે. તેના ઘણા શૉટ જોવા લાયક રહે છે. જેમાં પગની વચ્ચેથી ફટકારતો શૉટ મુખ્ય છે. જ્યારે જોકોવિચ મુશ્કેલ શૉટને પણ સરળ બનાવે છે. એવામાં રવિવારે ગ્રાસ કોર્ટ ગ્રાન્ડ સ્લેમની ફાઈનલ મેચ રમત પ્રેમીઓ માટે રોચક રહેશે.

જોકોવિચનો ગોલ્ડન યુગ, કિર્ગિયોસને ઊંઘ આવતી નથી

  • જોકોવિચ 2017માં કોણીની ઈજા અને વ્યક્તિગત સમસ્યાઓથી પીડાતો હતો. પરંતુ 5 વર્ષમાં શાનદાર કમબેક કર્યું છે. તે ફરી મેજર ટાઈટલ જીતવા લાગ્યો છે. તેણે કહ્યું કે,‘મને લાગે છે કે કિર્ગિયોસ ટેલેન્ટેડ હોવાની સાથે ગ્રાસ કોર્ટનો પણ ખતરનાક ખેલાડી છે. તેની રમત, એપ્રોચ, એટિટ્યૂડ અને આત્મવિશ્વાસને કારણે મેચ મુશ્કેલ રહેશે. એક ફેન તરીકે હું ખુશ છું કે નિક ફાઈનલ રમશે.’
  • કિર્ગિયોસે કહ્યું કે,‘નડાલના સેમિફાઈનલથી હટ્યા બાદ સુઈ શક્યો નથી. એક કલાકથી વધુની ઊંઘ આવતી જ નથી. મગજમાં માત્ર ફાઈનલના વિચારો જ ફરે છે. જોકોવિચને ફાઈનલ રમવાનો અનુભવ છે, તે લાગણીઓને નિયંત્રણમાં રાખી શકે છે.’ 21 વર્ષની વયે જોકોવિચને 2 વખત હરાવનાર કિર્ગિયોસ મેન્ટલ હેલ્થ સાથે સંઘર્ષ કરતા ઘણીવાર પોતાને ઈજાગ્રસ્ત કરી ચૂક્યો છે. દારુ અને ડ્રગ્સ મામલે પણ તેનું નામ આવ્યું છે. જોકે, ઘણા ચેમ્પિયન ખેલાડીઓએ તેના રમતની પ્રશંસા કરી છે.

નિક જોકોવિચને 2 વખત હરાવી ચૂક્યો છે
કિર્ગિયોસ અને જોકોવિચ અત્યારસુધી 2 વાર ટકરાયા છે. બંને વખત નિકે સીધા સેટમાં જોકોવિચને હરાવ્યો હતો. 2017માં મેક્સિકોમાં ક્વાર્ટર ફાઈનલમાં નિકે 7-6, 7-5થી મેચ જીતી હતી. આ વર્ષે ઈન્ડિયન વેલ્સના રાઉન્ડ ઓફ 16માં પણ કિર્ગિયોસે 6-4, 7-6થી જીત મેળવી હતી. બંને મુકાબલા હાર્ડ કોર્ટ પર હતા, જ્યાં કિર્ગિયોસની સર્વિસ આગળ જોકોવિચ ટકી શક્યો નહોતો.

23 વર્ષીય રાઈબકિના કઝાકિસ્તાનની પ્રથમ વિમ્બલડન ચેમ્પિયન બની

કઝાકિસ્તાનની એલેના રાઈબકિનાએ વિમ્બલડન મહિલા સિંગલ્સનું ટાઈટલ જીત્યું.
કઝાકિસ્તાનની એલેના રાઈબકિનાએ વિમ્બલડન મહિલા સિંગલ્સનું ટાઈટલ જીત્યું.

કઝાકિસ્તાનની એલેના રાઈબકિનાએ વિમ્બલડન મહિલા સિંગલ્સનું ટાઈટલ જીત્યું. 1 કલાક 47 મિનિટ ચાલેલી ફાઈનલમાં તેણે ટ્યૂનીશિયાની ઓન્સ જેબુરને હરાવી. ત્રીજી સીડ જેબુરે પ્રથમ સેટ 6-3થી જીત્યો. 17મી સીડ રાઈબકિનાએ કમબેક કરતા બીજા અને ત્રીજા સેટમાં 6-2, 6-2 સાથે મેચ જીતી હતી. રશિયામાં જન્મેલી 23 વર્ષીય રાઈબકિનાએ 2018માં કઝાકિસ્તાન માટે રમવાનું શરૂ કર્યું. તે વિમ્બલડન જીતનાર કઝાકિસ્તાનની પ્રથમ જ ખેલાડી બની. તેણે સેમિફાઈનલમાં 2019ની વિમ્બલડન ચેમ્પિયન સિમોના હાલેપને હરાવી હતી. જેબુર વિમ્બલડન ફાઈનલ રમનાર આફ્રિકાની પ્રથમ ખેલાડી રહી.

અન્ય સમાચારો પણ છે...