તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
 • Gujarati News
 • Sports
 • Corona Rejuvenated The Gaming Industry, Attracting More Than 15% Of Young People To Sports; Learn A To Z Of The Virtual World

વર્ચ્યુઅલ સ્પોર્ટ્સની દુનિયા:ડિજિટલ જનરેશને રમવા માટે મેદાનમાં જવાની જરૂર નથી, ઘેરબેઠાં કોહલી-મેસ્સીને આંગળીને ઈશારે રમાડો; વધી ઇ-સ્પોર્ટ્સની બોલબાલા

એક મહિનો પહેલાલેખક: પાર્થ વ્યાસ
 • વિદ્યાર્થીઓએ ઇ-સ્પોર્ટ્સને પ્રાથમિકતા ન આપવી જોઈએ, ફ્રી ટાઇમમાં જ ફિલ્ડમાં જવા પ્રયત્ન કરવો- વૈભવ ચાવન, ગેમ ડેવલપર

સ્પોર્ટ્સ એક એવી ક્રીડા છે, જેનાથી આપણે સૌ પરિચિત છીએ. બદલાતા સમયની સાથે વાત કરવી છે ઈ-સ્પોર્ટ્સની. જો કોવિડ સમય પહેલાંની સ્કૂલલાઇફ વિશે વાત કરીએ તો સ્પોર્ટ્સને લગતી ઘણીબધી એક્ટિવિટીઝ આપણે સ્કૂલમાં જ કરતા આવ્યા છીએ. જો આપણે એ દિવસોને યાદ કરીએ તો રિસેસમાં ખોખો, કબડ્ડી તથા દોડ-પકડ રમવાથી લઈને હોમવર્ક ન કર્યું હોય તો સાહેબથી બચવા માટે સંતાકૂકડી રમતા પણ આપણને આપ-મેળે આવડી ગયું હતું.

ધીમે-ધીમે સમય પસાર થયો અને આપણે યંગસ્ટર્સ એવી જનરેશનમાં પ્રવેશ્યા કે જિંદગી પાંપણના પલકારે બદલાઈ ગઈ. સાચ્ચે, જોતજોતાંમાં તો બધાના હાથમાં ફોન આવી ગયા, કાનમાં ભૂંગળા (ઈઅર પ્લગ્સ), કાંડા પર હૃદયના ધબકારા સહિતની માહિતી આપતી ઘડિયાળો તથા સોશિયલ મીડિયા જેવી એક નવી જ દુનિયામાં પ્રવેશ થઈ ગયો.

હવે આટલુંબધું બદલાઈ ગયું હોય તો સ્પોર્ટ્સ પણ બદલાય જ ને! તો આજે સાપ-સીડી, સંતાકૂકડી, ખો-ખો, ક્રિકેટ તથા કબડ્ડી વિશે નહીં, પરંતુ ડિજિટલ સ્પોર્ટ્સની દુનિયા, એટલે કે ગેમિંગ ઈન્ડસ્ટ્રી અને ઈ-સ્પોર્ટ્સ અંગે વાત કરવાની છે. ગેમ ડેવલપમેન્ટની સાથે પ્રોફેશનલ ગેમર્સ કેવી રીતે બની શકાય? આ અંગે અંડર ડોગ્સ ગેમિંગ સ્ટુડિયોના ફાઉન્ડર તથા CEO વૈભવ ચાવન શું કહે છે, એ જાણીએ...

ઇ-સ્પોર્ટ્સ એટલે શું? કેઝ્યુઅલ ગેમિંગથી કેવી રીતે અલગ છે?
ઇસ્પોર્ટ્સનો સીધો અર્થ થાય છે 'ઇલેક્ટ્રોનિક સ્પોર્ટ્સ', જે ડિજિટલ પ્લેટફોર્મ પર રમાય છે. ઇ-સ્પોર્ટ્સની ગેમ્સને કમ્પ્યુટર અથવા મોબાઇલ ડિવાઇસ દ્વારા ઈન્ટરનેટ અથવા લોકલ-લેનના નેટવર્કથી રમાય છે. કોઇપણ મલ્ટીપ્યેયર ગેમ રમનારી વ્યક્તિને આપણે ઇ-સ્પોર્ટ્સ પ્લેયર ના કહી શકીએ. આમાં કુલ 5 કેટેગરીમાં ગેમ્સ હોય છે, જેમ કે ફર્સ્ટ પર્સન, થર્ડ પર્સન, ફૂટબોલ, ફાઇટિંગ, આર્કેડ વગેરે..

ઇ-સ્પોર્ટ્સમાં વિવિધ ટૂર્નામેન્ટ દ્વારા દેશભરના પ્રોફેશનલ ગેમર્સ સાથે સ્પર્ધાનું આયોજન કરાય છે. ફાઇલ ફોટો.
ઇ-સ્પોર્ટ્સમાં વિવિધ ટૂર્નામેન્ટ દ્વારા દેશભરના પ્રોફેશનલ ગેમર્સ સાથે સ્પર્ધાનું આયોજન કરાય છે. ફાઇલ ફોટો.

ઇ-સ્પોર્ટ્સમાં PUBG PC, કોલ ઓફ ડ્યૂટી (COD), DOTA 2, એપેક્સ લિજેન્ડ, બેટલ ગ્રાઉન્ડ્સ મોબાઇલ ઈન્ડિયા (BGMI) જેવી રજિસ્ટર્ડ મલ્ટિપ્લેયર કોમ્પિટિટિવ ગેમ્સનો સમાવેશ કરવામાં આવે છે. ત્યાર પછી આ ગેમની વિવિધ ટૂર્નામેન્ટ દ્વારા દેશભરના પ્રોફેશનલ ગેમર્સ સાથે સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. આ સ્પર્ધામાં જેનું પ્રદર્શન ટોપ-3માં આવશે તેને મોટી રકમ ઈનામ રુપે અપાય છે.

આ તો વાત થઈ ઇ-સ્પોર્ટ્સની, પરંતુ આમાં જે ગેમ્સ રમાય છે એને ડેવલપ કરવામાં પણ કરિયર બનાવી શકાય?
ગેમ ડેવલપરઃ
હા, મેં પણ પહેલા કમ્પ્યુટર એન્જિનિયરિંગનો અભ્યાસ પૂરો કર્યો હતો. ત્યાર પછી કોડિંગ અને ગેમિંગ ઈન્ડસ્ટ્રીમાં મને રસ હોવાથી હું ગેમ ડિઝાઈનર તરીકે નોકરી કરવા લાગ્યો હતો. ગેમિંગ ઈન્ડસ્ટ્રી એટલે માત્ર ગેમ રમવી અને ઇ-સ્પોર્ટ્સ પ્લેયર બનવું એટલું જ નહીં, પરંતુ આમાં પણ લોકો એન્જિનિયરિંગ કરીને અથવા કોઇ ખાસ કોર્સ કરીને ગેમ ડેવલપર, ગેમ રાઇટર, ગેમ ડિઝાઇનર બની શકો છો.

ગેમ ડિઝાઇનર વર્ચ્યુઅલ ગેમિંગની દુનિયાનું નિર્માણ કરે છે. ફાઇલ ફોટો
ગેમ ડિઝાઇનર વર્ચ્યુઅલ ગેમિંગની દુનિયાનું નિર્માણ કરે છે. ફાઇલ ફોટો

1) ગેમ ડિઝાઇનિંગઃ આ ફિલ્ડમાં કોઇપણ સ્ટ્રીમના લોકો નોકરી મેળવી શકે છે, કારણ કે એક ગેમ બનાવવા માટે મુખ્યત્વે 6 ડિપાર્ટમેન્ટ કામ કરતા હોય છે. એમાં જેમણે સ્ટોરી ટેલિંગ સારું આવડતું હોય તે ગેમ-રાઇટર બની શકે છે. ત્યાર પછી જેને ચિત્ર દોરતા આવડતા હોય તે આખી ગેમ ડિઝાઇન કરી શકે છે. વળી, માર્કેટિંગ અને પબ્લિક રિલેશન મેનેજર પણ ગેમિંગ ઈન્ડસ્ટ્રીમાં પોતાનું કરિયર બનાવી શકે છે. ગેમ ડેવલપ થયા પછી એને વેચવા માટે એનું મહત્ત્વ પણ વધી જાય છે. તબક્કાવાર ગેમ ડેવલપમેન્ટથી સેલિંગ સુધીની સફરને જાણીએ....

2) ગેમ રાઇટર(ડિઝાઇનર): કોઇપણ ગેમ બનાવવા માટે સૌથી પહેલા એનો કોન્સેપ્ટ અને આઈડિયા ક્લિયર હોવો જોઇએ. આ કામ ગેમ ડિઝાઇનર કરે છે. એ સૌથી પહેલા એક સ્ટોરીના આધારે સ્ક્રિપ્ટ બનાવે છે, આ કામ પણ આમ જોવા જઇએ તો એક ફિલ્મ મેકિંગ જેવું જ છે. જો લોકોને ગેમની સ્ટોરી ગમી જશે તો વારંવાર તે આને રમશે તથા જોડાયેલા રહેશે. જેથી કોઇપણ વ્યક્તિ જેને ગેમ ડિઝાઇનિંગ(રાઇટિંગ)માં કરિયર બનાવવી હોય તેને આ કળા આવડવી જોઇએ.

3) ગેમ આર્ટિસ્ટઃ ગેમ ડિઝાઇનરે સ્ટોરી ફાઇનલ કર્યા પછી એનાં પાત્રોને વર્ચ્યુઅલ દુનિયામાં એક ઓળખ આપવાનું કામ આ ડિપાર્ટમેન્ટમાં કાર્યરત લોકો કરે છે. આમાં તેઓ ગેમ-રાઇટરની સ્ટોરી પ્રમાણે યોગ્ય પાત્રો વર્ચ્યુઅલી ડ્રો કરે છે, કારણ કે એક ગેમમાં પણ હીરો અને વિલન હોય જ છે તો જેટલાં આકર્ષક પાત્રોનું નિર્માણ થશે એટલી લોકપ્રિયતા પણ વધશે. આ ફિલ્ડમાં કોઇપણ વ્યક્તિ જેને સારુ ચિત્ર દોરતાં આવડતું હોય તે કામ કરી શકે છે.

કમ્પ્યુટરની વિવિધ લેન્ગ્વેજના જાણકાર તથા કોડિંગના નિષ્ણાત લોકો ગેમ-પ્રોગ્રામર તરીકે કામ કરી શકે છે. ફાઇલ ફોટો
કમ્પ્યુટરની વિવિધ લેન્ગ્વેજના જાણકાર તથા કોડિંગના નિષ્ણાત લોકો ગેમ-પ્રોગ્રામર તરીકે કામ કરી શકે છે. ફાઇલ ફોટો

4) ગેમ પ્રોગ્રામરઃ હવે ગેમને વર્ચ્યુઅલ દુનિયામાં લાવવા માટે તથા એનાં પાત્રોમાં પ્રાણ પૂરવાનું કામ પ્રોગ્રામર કરે છે. આમાં મોટા ભાગે કમ્પ્યુટરની વિવિધ લેન્ગ્વેજના જાણકાર તથા કોડિંગના નિષ્ણાત લોકો નોકરી કરતા હોય છે.

5) ગેમ ટેસ્ટરઃ ત્રણેય તબક્કામાંથી ગેમ ડિઝાઇન થયા પછી તેમની પાસે આવે છે. ટેસ્ટર સૌથી પહેલા આખી ગેમ અને એનાં તમામ લેવલ્સને રમે છે. જો તેને એમાં કોઇપણ પ્રકારની ખામી લાગે અથવા લેવલ વધારેપડતા અઘરા લાગે તો તે પ્રોગ્રામરને જાણ કરીને કેટલાક ફેરફાર કરાવી શકે છે. આ સેક્ટરમાં નોકરી કરવા માટે કોઇપણ ગેમ ડેવલપિંગ સ્ટુડિયોઝ ઇ-સ્પોર્ટ્સ પ્લેયર્સ અથવા પ્રોફેશન ગેમ સ્ટ્રીમર્સનો કોન્ટેક્ટ કરે છે.

6) માર્કેટિંગ ટીમ અને પબ્લિશિંગ મેનેજરઃ ગેમિંગ સ્ટુડિયોનું કામ અહીં પૂરુ થઈ જાય છે, હવે એની માર્કિટિંગ ટીમે લોકોને આકર્ષિત કરીને સેલ્સ વધારવાનું હોય છે. વળી, પબ્લિશિંગ મેનેજર પણ વિવિધ એડ એજન્સીનો સંપર્ક સાધીને ગેમ સ્ટુડિયોને પ્રોફિટ-લોસના માર્જિન સુધી દોરી જાય છે.

શું બધી ગેમ ખરીદવી પડે છે? ગેમિંગ સ્ટુડિયોની કમાણી કેવી રીતે થાય છે?
ગેમ ડેવલપરઃ ગેમ પર્ચેઝ અને ગેમિંગ સ્ટુડિયોની કમાણી એક-બીજા સાથે સંકળાયેલી રહે છે. આમ જોવા જઇએ તો કોઇપણ ગેમ 3 તબક્કમાં વિભાજિત થયેલી હોય છે.

 1. ફ્રી ટુ પ્લેઃ કેટલીક ગેમ્સ ફ્રી ટુ પ્લે હોય છે, જેમાં અપસ્ટોર અથવા કમ્પ્યુટરની વેબસાઇટ પરથી લોકો વિનામૂલ્યે રમી શકે છે. જોકે આવી ગેમ્સમાં અવારનવાર જાહેરાતો આવતી રહે છે, જેમ કે કોઇ લેવલને પાર કરવામાં ગેમર નિષ્ફળ રહે તો તેને 1 જાહેરાત જોવાના બદલામાં કેટલાક પોઇન્ટ અપાય છે, જેને વાપરીને તે અઘરા લેવલ સરળતાથી સ્કિપ કરી શકે છે. ફ્રી ટુ પ્લે ગેમ ડેવલપ કરનાર સ્ટુડિયોની મોટા ભાગની આવક જાહેરાતોથી થાય છે.
 2. ફ્રીમિયમ ગેમ્સઃ બીજા તબક્કામાં ફ્રીમિયમ ગેમ્સનો સમાવેશ થાય છે, આમાં કોઇપણ વ્યક્તિ ગેમને ફ્રીમાં ડોઉનલોડ કરી શકે છે, પરંતુ એની અંદર ઘણાં આકર્ષક વર્ચ્યુઅલ એલિમેન્ટ્સ હોય છે, જેને ખરીદવા માટે એને ડેવલપરને રૂપિયા આપવા પડે છે. ઉદાહરણ તરીકે ઈન્ડિયાને ફેમસ મોબાઇલ ગેમ BGMI (બેટલગ્રાઉન્ડ્સ મોબાઈલ ઈન્ડિયા), એમાં ગેમ સ્કિન્સ તથા વિવિધ એલિમેન્ટને ખરીદવાં પડે છે.
 3. પ્રીમિયમ ગેમ્સઃ ત્રીજા તબક્કામાં પ્રીમિયમ ગેમ્સનો સમાવેશ થાય છે, જેને ડાઉનલોડ કરવા માટે ગેમિંગ સ્ટુડિયો દ્વારા નિશ્ચિત કરેલી રકમ ચૂકવવાની હોય છે. આ પ્રમાણે ગેમિંગ સ્ટુડિયો તબક્કાવાર રૂપિયાની કમાણી કરે છે.
ઈન્ડિયામાં મોટા ભાગની વસતિ ગ્રામ્ય વિસ્તારમાં વસવાટ કરતી હોવાથી મોબાઇલ ગેમિંગ તરફ લોકો વધુ આકર્ષાયા છે. ફાઇલ ફોટો
ઈન્ડિયામાં મોટા ભાગની વસતિ ગ્રામ્ય વિસ્તારમાં વસવાટ કરતી હોવાથી મોબાઇલ ગેમિંગ તરફ લોકો વધુ આકર્ષાયા છે. ફાઇલ ફોટો

ઈન્ડિયામાં ગેમ ડેવલપર મોટા ભાગે કેમ મોબાઈલ ગેમિંગને પ્રાધાન્ય આપે છે?
આપણા દેશમાં અત્યારે મોટા ભાગની વસતિ ગ્રામ્ય વિસ્તારમાં વસવાટ કરે છે. વળી, જો તેમને ગેમિંગ કમ્પ્યુટર પણ ખરીદવું હોય તો ઓછામાં ઓછા 1 લાખ રૂપિયા સુધીનો ખર્ચ કરવો પડે છે. જો આપણે મેટ્રો સિટીની વાત કરીએ તો અત્યારે ત્યાં હવે કોરોના મહામારી પછી કમ્પ્યુટર ગેમિંગ પ્રત્યે લોકોનું આકર્ષણ વધી રહ્યું છે.

પરંતુ હજુ પણ સમગ્ર દેશમાં કમ્પ્યુટર તથા કોન્સોલ ગેમિંગને પોતાનું માર્કેટ કેપ્ચર કરવામાં સમય લાગી શકે છે. તેવામાં સમગ્ર દેશના લોકોને ધ્યાનમાં રાખીને ગેમ ડેવલપર્સ પણ મોબાઇલ ગેમ્સ બનાવવાને પ્રાથમિક પ્રાધાન્ય આપતા હોય છે.

ઇ-સ્પોર્ટ્સ પ્લેયરની કમાણીનો સ્ત્રોત કયો છે?
એક પ્રોફેશનલ ગેમરને યુટ્યૂબ, બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ તથા ટૂર્નામેન્ટ જીતવા પર નિશ્ચિત રકમ મળે છે. કોઇપણ ગેમર પોતાની ગેમિંગ ક્લિપ્સને યુટ્યૂબ પર પબ્લિશ કરી શકે છે, જેમાં લોકોના એન્ગેજમેન્ટ પ્રમાણે મોનિટાઇઝેશન તથા એડ રેવન્યુ દ્વારા તે કમાણી કરી શકે છે. આ પ્રમાણેના પ્રોફેશનલ ગેમર્સને વિવિધ બ્રાન્ડ સ્પોનર પણ કરે છે તથા જાહેરાતો પણ આપે છે. આટલું જ નહીં, કોઇપણ ગેમિંગ સ્ટુડિયો હજારો તથા લાખોની પ્રાઇઝ મની સાથે ટૂર્નામેન્ટનું આયોજન પણ કરે છે, જેમાં ગેમર્સ ભાગ લઇને મુખ્ય 3 વિજેતા નિશ્ચિત કરેલી રકમ જીતી પણ શકે છે.

યુવાઓ ગેમિંગ ઈન્ડસ્ટ્રી તરફ આકર્ષાયા
AIGF (ઓલ ઈન્ડિયન ગેમિંગ ફેડરેશન)ના અહેવાલ પ્રમાણે, કોરોના મહામારીમાં લોકડાઉન દરમિયાન 15%થી વધુ મોબાઇલ ગેમર્સ પેઇડ ગેમ્સ ખરીદવા માટે પ્રેરાયા હતા. ઉલ્લેખનીય છે કે આવા સમયગાળામાં કોઇપણ પ્રકારની આઉટડોર સ્પોર્ટ્સ એક્ટિવિટી થતી નહોતી, જેને કારણે મોટા ભાગના યુવાઓ ગેમિંગ ઈન્ડસ્ટ્રી તરફ આકર્ષાયા હતા.

AIGFના એક રિપોર્ટ પ્રમાણે એક પ્રોફેશનલ ગેમર જેણે ઇસ્પોર્ટ્સ કંપની સાથે સાઇન અપ કર્યું છે તે દર મહિને આશરે 5,000-45,000 રૂપિયા કમાઇ શકે છે. એક લોકપ્રિય મોબાઇલ ગેમની 2019 ઈન્ડિયન ઇ-સ્પોર્ટ્સ સિરીઝમાં ડોમેસ્ટિક ફાઇનલિસ્ટ ટીમે 4 લાખ 50 હજાર રૂપિયા જીત્યા હતા.

પ્રોફેશનલ ગેમર અથવા ઇ-સ્પોર્ટ્સ પ્લેયર તરીકે કારકિર્દી કેવી રીતે બનાવી શકાય?
ગેમ ડેવલપર વૈભવઃ આમ જોવા જઇ તો અત્યારે દરેક વ્યક્તિ પાસે મોબાઇલ છે અને તે સમય પસાર કરવા માટે એક-બે ગેમ તો રમતો જ હોય છે. એવામાં હવે જો પ્રોફેશનલ ગેમર તરીકે કારકિર્દી બનાવવાની વાત કરીએ તો દરેક ગેમર જે એવરેજ રમી શકતો હોય તે ઇ-સ્પોર્ટ્સમાં જોડાઈ શકે તેમ હોતું નથી. આપણા દેશમાં ગેમિંગને એક કરિયર તરીકે ઘડવા માટે હજુ એટલી સુવિધાઓ ઉપલબ્ધ નથી, આ ઈન્ડસ્ટ્રી હજુ એના શરૂઆતી તબક્કામાં છે, તેથી કોઇપણ વ્યક્તિએ પોતાના અભ્યાસને પ્રથમ પ્રધાન્ય આપીને ફ્રી ટાઇમમાં કોઇપણ ગેમની અંદર કુશળતા મેળવવા પ્રયાસ કરવો જોઇએ, જેના માટે....

 • સૌથી પહેલા તમે પોતાની સગવડ અનુસાર ગેમિંગ પ્લેટફોર્મની પસંદગી કરો (કમ્પ્યુટર કે મોબાઈલ)
 • પ્લેટફોર્મ નક્કી થયા પછી પોતાની મનપસંદ ગેમ અથવા જેમાં પહેલેથી ગ્રિપ સારી હોય એવી ગેમ રમવાની શરૂ કરી દો અને એમાં જ પ્રેક્ટિસ કરો.
 • પ્રેક્ટિસ શરૂ કર્યા પછી એક ગેમરને તેની સ્ટ્રેટેજી તથા વિવિધ ફંક્શન્સ વિશે સમજવું જોઇએ.
 • લોકલ અને ઇન્ટરનેશનલ ટૂર્નામેન્ટ તથા વિવિધ ઇવેન્ટ્સમાં ભાગ લઇને પોતાનું બેસ્ટ પ્રદર્શન આપવાનો પ્રયત્ન કરવો જોઇએ.
 • ઇ-સ્પોર્ટ્સ ઓર્ગેનાઇઝેશન્સ ટૂર્નામેન્ટનું આયોજન કરતા હોય છે. તમે તેમને ઇ-મેઇલ દ્વારા સંપર્ક કરી શકો છો, જેમાં તમારે પોતાના બેસ્ટ ટૂર્નામેન્ટ વીડિયો, ગેમિંગ અચીવમેન્ટ્સ તથા વિવિધ ઉપલબ્ધિના ડેટાને મર્જ કરી એક અરજી મોકલવાની રહેશે. જો તેમને અનુકૂળ લાગતો તો તમને સિલેક્ટ કરશે
અન્ય સમાચારો પણ છે...