અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા ભારતીય વિકેટકીપરને કોચ રાહુલ દ્રવિડ અને સાથી ખેલાડીઓએ ફાઇટર ગણાવ્યો છે. રાહુલ દ્રવિડ અને સાથી ખેલાડીઓએ એક વીડિયો સંદેશમાં પંતને ઝડપથી સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવી છે. યુઝવેન્દ્ર ચહલે કહ્યું હતું કે ચાલ... આવી જા, ચોગ્ગા-છગ્ગા ફટકારીએ.
30 ડિસેમ્બરે દિલ્હીથી રૂરકી જતી વખતે પંતનો અકસ્માત થયો હતો. તેને માથા, ઘૂંટણ અને પગની ઘૂંટીમાં પણ ઈજાઓ થઈ હતી. દેહરાદૂનની મેક્સ હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી છે. હવે તેને આઈસીયુમાંથી જનરલ વોર્ડમાં ખસેડવામાં આવ્યો છે.
પંતના અકસ્માત પછીનો વીડિયો, જેમાં બે લોકો તેને સંભાળતા જોવા મળી રહ્યા છે...
વાંચો પંત માટે ટીમ ઈન્ડિયાએ શું કહ્યું...
દ્રવિડઃ તારામાં મુશ્કેલ પરિસ્થિતિઓમાંથી બહાર નીકળવાની ક્ષમતા છે
રાહુલ દ્રવિડે કહ્યું, 'હેલો ઋષભ, આશા છે કે તું જલદી સાજો થઈ જાય. છેલ્લા એક વર્ષમાં ટેસ્ટ ક્રિકેટની કેટલીક શ્રેષ્ઠ ઇનિંગ્સમાં મેં તને રમતો જોયો છે. તારામાં એ કાબેલિયત છે કે તું મુશ્કેલ પરિસ્થિતિઓમાંથી બહાર આવી જઈશ.
હાર્દિંક- તું ફાઈટર છે, જલદી સાજો થઈને પરત આવીશ
જ્યારે હાર્દિકે કહ્યું, 'હું તારા માટે જલદી સ્વસ્થ થવાની પ્રાર્થના કરું છું. હું જાણું છું કે તું ફાઇટર છે અને જલદી સ્વસ્થ થઈને અમારી પાસે પાછો આવીશ. આખી ટીમ અને આખો દેશ તારી સાથે છે.
સૂર્ય કુમાર યાદવ- તને મિસ કરી રહ્યો છું, ધ્યાન રાખજે ભાઈ. શ્રીલંકા સામેની ટી20 શ્રેણી માટે પ્રથમ વખત ટીમના વાઈસ-કેપ્ટન બનાવવામાં આવેલા સૂર્યકુમાર યાદવે કહ્યું, 'હું ઈચ્છું છું કે તું જલદી સ્વસ્થ થઈ જાય, પરંતુ અમને ખબર છે કે હવે સ્થિતિ કેવી છે? અમે બધા તને મિસ કરીએ છીએ અને તારું ધ્યાન રાખજે ભાઈ.
ઈશાન- ચહલ અને ગિલ- સાથે રમીશું અને ચોગ્ગા-છગ્ગા ફટકારીશું
યુઝવેન્દ્ર ચહલે કહ્યું- જલદી સાજો થઈને આવી જા ભાઈ, સાથે રમીશું અને ચોગ્ગા-છગ્ગા ફટકારીશું. ઈસાન કિશન અને શુભમન ગિલે કહ્યું હતું કે અમે પ્રાર્થના કરીએ છીએ કે તું જલદી સાજો થઈ જાય. તું ફાઈટર છે. અમે આશા છે કે ટૂંક સમયમાં જ આપણે બધા સાથે રમીશું.
ICUમાંથી બહાર આવી ગયો પંત
કાર અકસ્માતમાં ઘાયલ થયેલો ટીમ ઈન્ડિયાનો વિકેટકીપર-બેટર રિષભ પંત ICUમાંથી બહાર આવી ગયો છે. જોકે તેના ઘૂંટણ, પગની ઘૂંટી અને અંગૂઠાની ઇજાઓ પર સસ્પેન્સ યથાવત્ છે. તેનું એમઆરઆઈ સ્કેન થઈ શક્યું નથી. એનું કારણ એ છે કે ત્રણેય ઘાનાં સ્થળોએ લોહી ગંઠાઈ ગયું છે અને સોજો છે.
પંતના ઘૂંટણના 3 હાડકાં તૂટી ગયાં છે
ટીમ ઈન્ડિયાના વિકેટકીપર-બેટર ઋષભ પંત માટે કોઈ સારા સમાચાર નથી. અકસ્માત બાદ પંતની દેહરાદૂનની મેક્સ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. હોસ્પિટલનાં સૂત્રોએ ભાસ્કરને જણાવ્યું હતું કે પંતને ઘૂંટણની ગંભીર ઈજા છે, તેના ઘૂંટણના 4માંથી 3 હાડકાં તૂટી ગયાં છે.
પંતને રિકવરીમાં એક વર્ષ લાગી શકે છે
3 દિવસ પહેલાં શ્રીલંકા સામે ટી-20 અને વનડે ટીમમાંથી બહાર થયેલા રિષભ પંતને વધુ એક ઝટકો લાગ્યો છે. પંતને ગુરુવારે રાત્રે મોટો અકસ્માત નડ્યો હતો. અકસ્માતમાં તેને 5 જગ્યા પર ઈજા થઈ હતી. એમાં માથામાં, જમણા હાથનું કાંડું, જમણા પગનો ઘૂંટણ, પગની ઘૂંટી અને અંગૂઠાનો સમાવેશ થાય છે. ઘૂંટણ, પગની ઘૂંટી અને કાંડાની ઇજાઓ મુખ્ય છે, કારણ કે આ જગ્યાનો ઉપયોગ વિકેટકીપિંગ માટે મહત્ત્વપૂર્ણ હોય છે.
કાર અકસ્માતમાં ઘાયલ વિકેટકીપર રિષભ પંત ઓસ્ટ્રેલિયા સામે ચાર ટેસ્ટ મેચની સિરીઝમાં રમી શકશે નહીં. ફેબ્રુઆરીમાં રમાનારી આ સિરીઝ માટે ટીમ સિલેક્શન કમિટીમાં પંતનો વિકલ્પ શોધવો પડશે. હાલમાં જે નામો રેસમાં આગળ માનવામાં આવે છે એ છે... કેએસ ભરત, સંજુ સેમસન, ઈશાન કિશન અને ઉપેન્દ્ર કુમાર.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.